દેશનું અર્થતંત્ર સખત સંજોગોનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનાથી દેશમાં કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો તેના પહેલાથી જ દેશમાં મંદીના સુસવાટા શરૂ થઇ ગયા હતા અને રોગચાળો નિયંત્રણમાં લેવા માટે ૨૦૨૦ના માર્ચ મહિનાની ૨૫ તારીખથી દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું તેના પછી તો અર્થતંત્રને કારમા ફટકાઓ પડવાની શરૂઆત થઇ ગઇ. શરૂઆતમાં ૨૧ દિવસ માટે જાહેર કરવામાં આવેલ લૉકડાઉન અનેક વખત લંબાવવામાં આવ્યું. જૂન મહિનામાં તબક્કાવાર અન-લોકની પ્રક્રિયા શરૂ થઇ તેના પછી ધીમે ધીમે આર્થિક પ્રવૃતિઓ વેગ પકડવા માંડી. ૨૦૨૦ના સપ્ટેમ્બર-ઓકટોબર પછી તો અર્થતંત્ર ટૂંક સમયમાં પૂરપાટ દોડવા માંડશે એમ પણ લાગતું હતું પરંતુ ૨૦૨૧ના માર્ચ મહિનાના અંતભાગથી દેશમાં કોરોનાવાયરસનું અણધાર્યુ અને પહેલા મોજા કરતા ઘણુ તીવ્ર અને ઘાતક એવું બીજું મોજુ઼ આવ્યું. આ બીજા મોજામાં દેશવ્યાપી લૉકડાઉન તો લાદવામાં નહીં આવ્યું પરંતુ દેશભરમાં રાજ્યસ્તરના કે સ્થાનિક સ્તરના અનેક લૉકડાઉન અને નિયંત્રણો આવ્યા અને અર્થતંત્રમાં થયેલો સુધારો ફરી ધોવાઇ ગયો.
હવે હાલમાં બહાર પડેલા સત્તાવાર આંકડાઓ સૂચવે છે કે ગયા નાણાકીય વર્ષ દરમ્યાન દેશના અર્થતંત્રમાં ચાર દાયકાનું પ્રથમ અને ઘણું મોટું સંકોચન થયું છે. ભારતનું અર્થતંત્ર માર્ચ ૨૦૨૧માં પુરા થયેલા નાણાકીય વર્ષમાં ૭.૩ ટકાના દરે સંકોચાયું છે જે ધારણા કરતા ઓછા દરે સંકોચન છે, છતાં નોંધપાત્ર મોટું છે. જ્યારે કે દેશમાં કોરોનાવાયરસનો વિશ્વનો સૌથી ખરાબ રોગચાળો ફાટી નિકળ્યો તેના થોડા જ સમય પહેલા ચોથા ક્વાર્ટરમાં દેશના અર્થતંત્રના વિકાસ દરે વેગ પકડ્યો હતો. એશિયાના ત્રીજા ક્રમના સૌથી મોટા એવા આ અર્થતંત્રમાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ચોથા એટલે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં ૧.૬ ટકાનો દર નોંધાયો હતો, જે તેના અગાઉના ક્વાર્ટર કરતા ૦.પ ટકા વધારે હતો, જે ક્વાર્ટરમાં ભારતે અગાઉના છ મહિનામાં રોગચાળાથી સર્જાયેલ મંદીમાંથી ધીમે ધીમે બહાર આવવાનું શરૂ કર્યું હતું. આની અગાઉના નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતનું અર્થતંત્ર ૩ ટકાના દરે વિકસ્યું હતું. ભારતનું અર્થતંત્ર આમ તો ગયા વર્ષે રોગચાળો શરૂ થયો તેના પહેલાથી જ મંદીનો સામનો કરી રહ્યું હતું અને તેમાં રોગચાળાને અંકુશમાં લેવા માટે લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે મોટા ભાગની આર્થિક પ્રવૃતિઓ અને વપરાશ ઘટી જતાં અર્થતંત્રને વધુ ફટકો પડ્યો હતો અને એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ના નાણાકીય વર્ષ(નાણાકીય વર્ષ ૨૧)માં અર્થતંત્ર ૭.૩ ટકાના દરે સંકોચાયું .
ભારતીય અર્થતંત્ર એક આખા નાણાકીય વર્ષ દરમ્યાન સંકોચાયું હોય તેવી આ છેલ્લા ચાર દાયકામાં પ્રથમ ઘટના છે. આના પહેલા નાણાકીય વર્ષ ૧૯૭૯-૮૦માં ભારતનું અર્થતંત્ર પ.૨ ટકાના દરે સંકોચાયું હતું. ગત નાણાકીય વર્ષની અગાઉના એટલે કે ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર ૪ ટકાના દરે વિકસ્યું હતું. દેશનો જીડીપી નાણાકીય વર્ષ ૧૭માં ૮.૩ ટકાના દરે વધ્યો હતો અને તેના પછીના નાણાકીય વર્ષમાં આ વિકાસદર ઘટીને ૭ ટકા અને તેના પછી ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં આ દર ઘટીને ૬.૨ ટકા થઇ ગયો હતો. જોઇ શકાય છે કે કોરોનાના રોગચાળા પહેલા જ અર્થતંત્રનો વિકાસદર ઘટવા માંડ્યો હતો અને રોગચાળાએ છેવટે દેશના અર્થતંત્રને કારમો ફટકો માર્યો છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ ભારતનો ખરેખરો જીડીપી નાણાકીય વર્ષ ૨૧(૨૦૨૦-૨૧)માં સંકોચાઇને રૂ. ૧૩૫ લાખ કરોડ થઇ ગયો હતો જે માર્ચ ૨૦૨૦ના અંતે રૂ. ૧૪૫ લાખ કરોડ હતો. રૂ. ૧૪૫ લાખ કરોડનું કદ ફરી પ્રાપ્ત કરવા માટે ભારતના અર્થતંત્રે હાલના ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષમાં ૧૦-૧૧ ટકાના દરે વિકસવું જરૂરી હતું પરંતુ ગયા મહિને કોવિડ-૧૯ના રોગચાળાનું બીજુ મોજું ફાટી નીકળતા અર્થતંત્રની વધેલી ગતિને ફરીથી બ્રેક લાગી ગઇ છે. હવે ટૂંક સમયમાં અર્થતંત્ર ફરી દોડવા માંડે તેવી આશા નકામી છે અને હજી રોગચાળાના ત્રીજા મોજાનો ભય તો ઝળુંબી જ રહ્યો છે. અને અર્થતંત્રમાં થોડો સુધારો જોવા મળે તો પણ દેશ સામેના લાંબા ગાળાના આર્થિક પડકારો ઘણા જ મુશ્કેલ હશે. સરકાર ભલે નહીં સ્વીકારે પણ દેશના સામાન્ય પ્રજાજનો માટે રોજીંદુ જીવન આ રોગચાળા પછી દુષ્કર બની ગયું છે. ઘણા બધા લોકો મધ્યમ વર્ગમાંથી ગરીબ વર્ગમાં ધકેલાઇ ગયા છે. રોજગારી સહિતના અનેક પ્રશ્નોએ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને દેશ માટે લાંબા ગાળાના આર્થિક પડકારો વિકરાળ હશે.