Health

સ્વસ્થ અને દીર્ઘ આયુષ્ય માટે ચાવી ‘બ્લૂ ઝોન’ કોનસેપ્ટ…

હાલની તહેવારની સિઝનમાં ખાણીપીણીમાં અમર્યાદ છૂટ લેવાય છે. આ છૂટ કેટલી ભારે પડી શકે છે તેનો પુરાવો હાલના WHOના એક અભ્યાસમાં મળે છે. વિશ્વમાં 70% મૃત્યુ ‘નોનકોમ્યુનિકેબલ ડિસીઝ’થી થાય છે. ‘નોનકોમ્યુનિકેબલ ડિઝીઝ’ એટલે જે બીમારીઓ સંક્રમણથી નથી પ્રસરતી તે. આ બીમારીઓ જીવનશૈલીને લગતી છે. મતલબ કે અત્યારે જે કોરોનાથી આપણે ડરી રહ્યા છીએ તે કરતાં આ બીમારીઓ અનેકગણી ગંભીર છે. આ બીમારીમાં કેન્સર, ડાયાબિટિસ, ગંભીર કિડનીની બીમારી, ઓટોઇમ્યુન ડિઝીઝ, સ્ટ્રોક્સ, અલ્ઝાઇમર ડિઝીઝ જેવી બીમારીઓ સામેલ છે.

Middle Eastern meze platter with green falafel, pita, sun dried tomatoes, pumpkin and beet hummus, olives, stuffed peppers, tabbouleh, figs. Mediterranean appetizer party idea (Middle Eastern meze platter with green falafel, pita, sun dried tomatoes,

70% એટલે અંદાજે દોઢ કરોડ લોકો અને તે પણ 30 થી 60 વર્ષની ઉંમરના. એ રીતે રોજનો મૃત્યુઆંક 40000 નીકળે છે. આમાંથી 80% મૃત્યુ સમયથી ઘણાં વહેલાં થાય છે. તેમાં સૌથી વધુ મૃત્યુ હૃદય સંબંધિત છે. આ રીતે પૂરું ચિત્ર જોઈએ તો નોનકોમ્યુનેબલ ડિઝીઝની ઘાતકતા અનેકગણી છે. હવે આ બીમારીઓ સામે લડવા માટે સૌથી સરળ ઇલાજ જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન છે અને જીવનશૈલીમાં વધુ સચોટ પરિવર્તન વિચારતા હોય તો તે માટે ‘બ્લૂ ઝોન’ કોનસેપ્ટ છે. આહાર આધારિત આ કોનસેપ્ટથી  દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. આજના તણાવભર્યા જીવનમાં બ્લૂ ઝોન કોનસેપ્ટ ઉપયોગી થાય એમ છે.

હવે આ બ્લૂ ઝોન એટલે શું? પહેલાં એ સમજી લઈએ. બ્લૂ ઝોન એ નોન-સાયન્ટિફિક ટર્મ છે અને તેની ઓળખ ભૂગોળ આધારિત છે. વિશ્વના જે ભાગમાં સ્વસ્થ દીર્ઘ આયુષ્ય ધરાવનારા વધુ લોકો રહે છે તે ક્ષેત્રને બ્લૂ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ક્ષેત્ર વિશે. તેમાં ગ્રીસનું લકરીયા ટાપુ આવે છે, ઇટાલીનું ઓગ્લીસ્ટ્રા, સાર્ડિનિયા આવે છે, જાપાનનું ઓકિનાવા, કોસ્ટા રિકાનું નિકોયા, પેન્સેવેલિનિયા અને અમેરિકાના કેલિફોર્નિયાના એક ગ્રુપને પણ આ બ્લૂ ઝોનમાં સામેલ કરવામાં આવ્યું છે. વિશ્વના આ ક્ષેત્ર શોધી કાઢનાર છે નેશનલ જિયોગ્રાફીના લેખક ડેન બુટનર. આ ક્ષેત્રોમાં લોકો વધુ શારીરિક અને માનસિક રીતે તો સ્વસ્થ છે જ પણ સાથે તેઓ વિશ્વના અન્ય ભાગ કરતાં વધુ એક્ટિવ પણ છે.

ડેન બુટનેરે આ જગ્યાઓનો અભ્યાસ કર્યો અને તેમાં જીવનશૈલીને લગતાં નવ એવાં કારણો શોધી કાઢ્યાં છે જે જીવનને સ્વસ્થ ને દીર્ઘાયુ બક્ષે છે. તેમાં અગત્યનો હિસ્સો આહાર છે. અહીંના લોકોનો મુખ્ય આહાર પ્લાન્ટ બેઝ્ડ છે મતલબ કે તેઓનો આહાર મહદંશે શાકભાજી, ફળ અને અનાજ છે. આને વધુ સ્પેસિફાઈ કરીએ તો તેમાં ઓલિવ ઓઇલ, જવ, ઓટ્સ, દાળ, સૂકામેવા અને કઠોળનો પણ સમાવેશ થાય છે. આ ડાયટમાં જેને ટાળી શકાય તે માટે સૂચન છે.

તેમાં માંસ, ડેરી, સુગરી ડ્રિંક્સ અને તેમાં પ્રોસેસ ફૂડ છે. બ્લૂ ઝોનમાં ઇટાલીના સાર્ડિનિયામાં એવાં પણ લોકો છે જેઓ ડેરી પ્રોડક્ટ, લાલ માંસ, માછલી અને આલ્કોહોલ પણ લે છે. જો કે તેનું પ્રમાણ અત્યંત મર્યાદિત છે. અહીં જે આહાર લેવામાં આવે છે તે બધામાં જ એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ છે અને તે તામસી હોતા નથી. આ કારણે જ કેન્સર, ડાયાબિટિસ, મેદસ્વીપણું અને હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે.

ઇટાલીના સાર્ડિનિયામાં જે રીતે લોકો દીર્ઘ આયુષ્ય ભોગવે છે તો તેનો અભ્યાસ અગાઉ પણ થયો છે અને તેમાં લેવામાં આવતાં આહારની અગાઉ પણ તપાસ થઈ ચૂકી છે. આ તપાસથી ખ્યાલ આવે છે કે તેઓ પોતાના આહારમાં સૌથી વધુ ભારણ શાકભાજી અને ફળોને આપે છે અને ક્યારેક તેઓ માંસ પણ લે છે. સ્વાસ્થ્યનો આધાર આહાર હોવા છતાં સ્વાસ્થ્ય માટે અન્ય પણ અનેક પાસાં છે, જેને આ ક્ષેત્રના લોકો અનુસરે છે. જેમ કે, આ બધાં જ ક્ષેત્રોમાં ફિઝિકલ એક્ટિવિટીને મહત્ત્વ આપવામાં આવે છે. અહીં વાતાવરણ સારું હોવાના કારણે લોકોનું સ્ટ્રેસ લેવલ ઓછું રહે છે.તદ્ઉપરાંત તેમનું સોશ્યલ એન્ગેજમેન્ટ પણ સારું છે. સૌથી અગત્યનું કે તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ પણ છે. આ બધાનો સરવાળો તેઓને બ્લૂ ઝોનમાં સમાવિષ્ટ કરે છે.

હવે આ બાબતે આપણે ભારતીયોની અને ખાસ કરીને અહીં આપણા લોકોના સ્વાસ્થ્યની વાત કરીએ તો ફૂડ હેબિટના બાબતે અનેક મર્યાદાઓ છે. આમાં સૌથી દેખીતું તો અતિ ગરમ મસાલા અને ઓઈલી ફૂડની વાત આવે છે. આ નુકસાન તો દેશની ગલીએ ગલીએ છે. સાઉથ ઇન્ડિયન ફૂડ એ રીતે હેલ્થ ફ્રેન્ડલી છે. આમ તો સંતુલિત આહાર બાબતે આપણા દેશમાં દરેક રાજ્યમાં એક આદર્શ થાળી મળે છે પણ તે આદર્શ થાળીને ફોલો કરવામાં આવતી નથી. નવા જમાના પ્રમાણે તેનું ફ્યૂઝન કરીને હવે હેલ્થને નુકસાન થાય તે રીતે આહાર તૈયાર થાય છે. ફાસ્ટ ફૂડનું જે રીતે ચલણ વધ્યું છે તે કારણે પણ ફૂડ હેબિટથી નુકસાન થાય તેવાં અનેક તત્ત્વો તેમાં ઉમેરાય છે. આ મામલે ‘ઇટ લાન્સેટ કમિશન’ દ્વારા દેશના એક લાખ ઘરમાં સર્વે કરવામાં આવ્યો છે.

આ સર્વેમાં અનાજથી વધુ કેલરીઝ આપણા શરીરમાં જાય છે તેવું તારણ બહાર આવ્યું છે અને સરેરાશ ઘરમાં શાકભાજી, ફ્રૂટ, માંસ, ફીશ, એગ અને ડેરી પ્રોડક્ટ્સનો ઓછો ઉપયોગ થાય છે તે પણ પ્રકાશમાં આવ્યું છે. સૌથી મોટી ખોટ તો પ્રોટિનની છે. સરેરાશ એક વ્યક્તિને 29 % ટકા પ્રોટિનની આવશ્યકતા હોય છે તેના બદલે 6 થી 8 % જ પ્રોટિન ભારતીયો લે છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે માત્ર મધ્યમ કે ગરીબ વર્ગ જ સ્વસ્થ ડાયટને ફોલો કરતાં નથી એવું નથી, બલકે શ્રીમંતોના ઘરમાં પણ શાકભાજી અને ફળ પૂરતા પ્રમાણમાં ખવાતા નથી તેવું આ સર્વેમાં બહાર આવ્યું છે.

આમાં ચોંકાવનારી વિગત તો એ છે કે સરેરાશ ભારતીય ઘરોમાં આજકાલ ફળ કરતાં વધુ પ્રોસેસ ફૂડની પેટર્ન જોવા મળી છે. આ રિપોર્ટ મુજબ તો ભારતીયોનું ડાયટ અનહેલ્ધી અને અપૂરતું પોષક છે. આ પ્રકારે ભારતીયોની ફૂડ હેબિટનો એક અન્ય ક્રોસ સેક્શનલ સર્વે 2018માં થયો હતો. તેમાં પણ જે 12000 લોકોને સહભાગી કર્યા હતા તેનાં પરિણામમાં ભારતીયો જોખમી જીવનશૈલીમાં જીવે છે તેવું પ્રકાશમાં આવ્યું હતું. આ 12000 લોકોમાં 30% જેટલા તમાકુના બંધાણી હતા, 16% આલ્કોહોલ અને 50% વધુ  લોકો ફિઝિકલ જરા પણ એક્ટિવ નહોતા અને તેમાં ફળ અને શાકભાજીના ઉપયોગનો આંક તો ખૂબ નીચો આવ્યો હતો. તો ભારતીયોએ પોતાની ફૂડ હેબિટ અને જીવનશૈલી સુધારવા શું કરવું જોઈએ? તેમાં સૌથી પહેલાં તો જે તુરંત કરી શકાય તે આહારનો બદલાવ છે. તે માટે વધુ ને વધુ શાકભાજી અને ફળનો આહારમાં સમાવેશ છે. ઉપરાંત દાળ, કઠોળ અને થોડા ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ છે.

ઉપરાંત એક્સરસાઇઝ. આ સિવાય પણ બ્લૂ ઝોન કન્સેપ્ટમાં કેટલાક જે નિયમો પાળવાના થાય તો તેનાથી વ્યક્તિ વધુ સારું જીવન જીવી શકે છે. આ નિયમોમાં એક છે જ્યારે તમારું પેટ 80% ભરાયેલું હોય તેમ લાગે ત્યારે જમવાનું ટાળવાનું છે, બીજો નિયમ સાંજના સમયે ઓછું જમો. મહદંશે શાકભાજી અને ફળોને આહારમાં લો. માંસને લાંબા અંતરે જ તમારા આહારમાં જગ્યા આપો. સામાન્ય રીતે મહિનામાં ચાર વખત અને શક્ય હોય ત્યાં સુધી આલ્કોહોલને ટાળો. આ તો બ્લૂ ઝોનની વાત થઈ પણ આપણો જ આહાર વધુ શુદ્ધ રીતે લઈએ તો લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકાય. આપણા દેશમાં આહાર બાબતે સમયાંતરે સારાં એવાં મોડિફિકેશન થતા ગયા છે. ઇવન, ઋતુ મુજબ આપણી આહાર પેટર્ન બદલાય છે. અનુભવથી તે પેટર્ન ગોઠવાઈ છે.

Most Popular

To Top