SURAT : શહેરમાં ફરીવાર કોરોનાનું ( CORONA) સંક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રવિવારે શહેરમાં નવા 46 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને કુલ આંક 40,206 પોઝિટિવ ( POSITIVE) દર્દી નોંધાયા છે. તેમજ વધુ 32 દર્દી સાજા (Recover) થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 39,109 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ (Recovery Rate) 97.27 ટકા પર પહોંચ્યો છે.
કોરોના સંક્રમણ સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવની સંખ્યા વધીને 53,312 થઈ છે. ઘણા દિવસોની જેમ આજે કોરોના કારણે નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 51,812 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 363 એક્ટિવ કેસ છે.
એક્ટિવ કેસમાં સતત વધારો
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51812 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેરમાં રોજ સામે આવી રહેલા પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 363 નોંધાઈ છે. છેલ્લા 13 દિવસમાં એક્ટિવ કેસમાં 104નો વધારો થયો છે.
50 થી વધુ વયના કો-મોર્બિડને વેક્સિન અપાશે
હેલ્થ વર્કરો અને ફ્રન્ટ લાઈન વર્કરોમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી કોરોના સામે લડત આપી રહેલા હેલ્થ કેર વર્કરો તથા ફ્રન્ટલાઈન વર્કરોને પ્રાથમિકતાના ધારણે વેક્સી આપવામાં આવી રહી છે. હવે માર્ચના પ્રથમ અઠવાડીયાથી 50 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ કો-મોર્બિડ દર્દીઓને પણ હવે વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવશે. આ માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
છેલ્લા બે દિવસમાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૂ.2.66 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. શહેરમાં જે લોકો પણ માસ્ક વગર ફરતા જોવા મળશે તેમની પાસેથી રૂ.1000 દંડ વસુલવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરતા 266 વ્યક્તિઓ પાસેથી રૂ. 2,66,000નો દંડ વસુલવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં પણ આવી જ રીતે માસ્ક ન પહેરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પાલિકાએ જણાવ્યું છે.