હાલમાં પ્રકાશિત થયેલ વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ ૨૦૨૫માં ભારતનો ૧૧૮મો ક્રમ આવ્યો છે, જે ગયા વર્ષના ૧૨૬મા ક્રમ પરથી થોડો આગળ આવ્યો છે પરંતુ હજી પણ તે નેપાળ, પાકિસ્તાન, યુક્રેન અને પેલેસ્ટાઇન જેવા દેશો કરતા પણ પાછળ છે. વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ એ દુનિયાના કયા દેશના લોકો કેટલા સુખી કે કેટલા દુ:ખી છે તેનો વાર્ષિક અહેવાલ છે. આ વાર્ષિક અહેવાલ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેલબીઇંગ રિસર્ચ સેન્ટર દ્વારા ગેલપ અને યુએનના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક સાથેની ભાગીદારીમાં બહાર પાડવામાં આવે છે.
વિશ્વ સુખાકારી અહેવાલમાં ભારતનો ક્રમ આટલો પાછળ આવે છે તે બાબતે ઘણા લોકો વાંધો ઉઠાવે છે અને આ અહેવાલની યોગ્યતા અંગે શંકાઓ ઉઠાવે છે. આ અહેવાલ એકદમ સાચો કે એકદમ ખોટો હોવાનું કદાચ નહીં કહી શકાય પણ તેમાં ઉણપો જરૂર હશે. સુખને ઘણા પરિબળો અસર કરતા હોય છે. વળી, આપણે જેને દુ:ખી માનતા હોઇએ તે દેશો અંગે આપણી ગેરસમજ હોઇ શકે.
અમુક દેશોમાં ત્રાસવાદી ઘટનાઓ બન્યા કરતી હોય તેથી આપણે તેને દુ:ખી માનતા હોઇએ, પણ આ ઘટનાઓ છૂટીછવાઇ હોય અને દેશની સમગ્ર પ્રજાને બહુ અસર કરતી ન હોય તે શક્ય છે. અમુક દેશોની પ્રજા ગરીબી છતાં તેની વિચારસરણી અને જીવનશૈલીને કારણે પણ સુખી હોય તે શક્ય છે. ભારતની વાત કરીએ તો આજથી થોડા દાયકાઓ પહેલા ભારતમાં, ખાસ કરીને ગ્રામ્ય જીવનમાં સુખ, સંતોષ હતા પણ હવે આવું રહ્યું નથી. ભૌતિક લાભો પાછળ આંધળી દોટ ચાલી રહી છે અને તેમાં ઘણાબધા લોકો અહીં સફળ થઇ શકતા નથી તેથી દુ:ખનું પ્રમાણ વધ્યું છે, અપરાધો પણ વધ્યા છે અને પ્રજાના દુ:ખમાં વધારો થયો છે અને સુખમાં ઘટાડો થયો છે. આ યાદીમાં અફઘાનિસ્તાનને દુનિયાનો સૌથી દુ:ખી દેશ ગણાવવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન વિશ્વનો સૌથી દુ:ખી દેશ જાહેર થયો તેમાં કશું ખોટું લાગતું નથી.
એક તો ભારે ગરીબી અને ઉપરથી કટ્ટરવાદી તાલીબાન સરકારના જાત જાતના નિયંત્રણો, જેને કારણે પ્રજા રોજબરોજના જીવનમાં ગુંગળામણ અનુભવતી હોય અને બધુ મળીને ખૂબ દુ:ખી હોય તે સ્વાભાવિક છે. ભારતના અન્ય પાડોશીઓમાં સુખી દેશોની યાદીમાં નેપાળનો ક્રમ ૯૨મો , પાકિસ્તાન ૧૦૯મો ભારત કરતા નોંધપાત્ર આગળ છે. જ્યારે શ્રીલંકા ૧૩૩મો અને બાગ્લાદેશ ૧૩૪મો ક્રમ ધરાવે છે. જ્યાં યુદ્ધો ચાલે છે તે પેલેસ્ટાઇન ૧૦૮અને યુક્રેન ૧૧૧મા ક્રમે છે. આ પેલેસ્ટાઇન અને યુક્રેનનો ઉલ્લેખ આશ્ચર્ય જન્માવે તેવો જરૂર છે.
ભારતનો જો કે કુલ સુખની બાબતમાં ભલે ૧૧૮મો ક્રમ આવ્યો હોય, પરંતુ પરોપકારી કૃત્યોની બાબતમાં તેનો ક્રમ આગળ આવ્યો છે જેમાં લોકો કઇ રીતે દાન કરે છે તેમાં તેનો ક્રમ પ૭મો, કઇ રીતે સેવા કરે છે તેમાં દસમો અને અજાણ્યાને મદદ કરવાની બાબતમાં ૭૪મો ક્રમ આવ્યો છે. અને તમારી આસપાસના માહોલનું નિરીક્ષણ કરશો તો આ તારણ સાચુ પણ જણાશે. સંશોધકો કહે છે કે આરોગ્ય અને મિલકત ઉપરાંત અન્ય પરિબળો પણ સુખ પર અસર કરે છે જેમ કે દયાળુ કૃત્યો કરવા, સમાજીક ટેકો અને કુટુંબનું કદ વગેરે બાબતો પણ સુખ પર અસર કરે છે. સુખ અને દુ:ખ એ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. ધનવાન દેશ કે ધનવાન માણસ સુખી જ હોય અને ગરીબ દુ:ખી જ હોય તેવું નથી. તેથી જ સુખ કે દુ:ખની સચોટ ગણતરી કરી શકાય તેમ નથી.
