SURAT

લો, હવે કૂતરું સુરત પાલિકાની ડોગ રેસ્ક્યુ ટીમના કર્મચારીને જ કરડ્યું!

સુરત(Surat): શહેરમાં કૂતરાંઓનો (Dog) ત્રાસ ખૂબ વધી ગયો છે. રખડતાં કૂતરાંઓ અવારનવાર લોકો પર હુમલા (StrayDogAttack) કરી રહ્યાં છે. ખાસ કરીને નાના બાળકોને રખડું કૂતરાંઓ પોતાનો શિકાર બનાવી રહ્યાં છે, ત્યારે સુરત મનપાએ આ રખડું કૂતરાંઓ પર કાબુ મેળવવા વિશેષ પગલાં લેવાની સ્થિતિ ઉદ્દભવી છે.

સુરત મનપાના (SMC) શાસકોએ શહેરના તમામ હેલ્થ સેન્ટરમાં રેબિઝ ફ્રી વેક્સીન આપવાનો નિર્ણય પણ લીધો છે, પરંતુ તેમ છતાં રખડું કૂતરાંઓ પર કાબુ મેળવવામાં મનપાને સફળતા મળી રહી નથી. હવે હદ તો એ થઈ છે કે રખડતાં હિંસક કૂતરાંઓને પકડનારી પાલિકાની ડોગ રેસ્ક્યુ ટીમના કર્મચારીઓને પણ કૂતરાં કરડી રહ્યાં છે.

પાલિકાની શ્વાન પકડવાની ટીમના એક કર્મચારીને કૂતરાંએ કરડી લીધું હોવાનો બનાવ બન્યો છે. ભેસ્તાનમાંથી કૂતરાંને પકડીને પાંજરાપોળ ખાતે લાવેલા કર્મચારીના પગમાં કૂતરું કરડ્યું છે. આ કર્મચારી તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ અર્થે સારવાર માટે દોડી ગયો હતો.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર રેલવે સ્ટેશન પાસે રહેતો 18 વર્ષીય અનિલ ભીમભાઇ પરિયા પાછલાં 4 મહિનાથી પાલિકાની ડોગ રેસ્ક્યુ ટીમ સાથે કામ કરે છે. ટીમ સાથે અનિલ રોજ અલગ અલગ વિસ્તારમાં ડોગ પકડવા જતો અને પકડેલા ડોગને પાંજરાપોળમાં છોડી આવતો. પાંજરાપોળમાં કૂતરાંઓનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે.

રોજના ક્રમ અનુસાર આજે સવારે અનિલ પાલિકાની ડોગ રેસ્ક્યુ ટીમ સાથે ભેસ્તાનમાં કૂતરાં પકડવા ગયો હતો. ભેસ્તાનથી કૂતરાં પકડી લાવી પાંજરાપોળમાં છોડી રહ્યો હતો, ત્યારે જાળીમાંથી છૂટી એક કૂતરાંએ તેની પર હુમલો કરી દીધો હતો અને પગમાં બાચકું ભરી લીધું હતું. અનિલને તાત્કાલિક કૂતરાં પકડવાના ટેમ્પોમાં જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલમાં અનિલને એન્ટી રેબિઝ વિભાગમાં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. હાલ તેની તબિયત સારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં દિવસે અને દિવસે કૂતરાંઓનો આતંક વધી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા રસીકરણ અને ખસીકરણ કરવામાં આવતું હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. જોકે કૂતરાંઓ દ્વારા હુમલાના કિસ્સાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી, તેથી પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

Most Popular

To Top