Columns

ભાજપને ઇઝરાયલ માટે સહાનુભૂતિ વ્યક્ત કરવાની સાહજિક તક મળી ગઈ છે

ઇઝરાયલમાં હમાસના આતંકવાદી હુમલા બાદ ભારતના બૌદ્ધિકો ધાર્મિક આધાર પર વહેંચાઈ ગયા છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈન અને હમાસના સમર્થનમાં રેલી કાઢી હતી તો ભાજપ ખુલ્લેઆમ ઈઝરાયલને સમર્થન આપી રહ્યું છે. ઈઝરાયલમાં થયેલા આતંકવાદી હુમલા પર ઊંડું દુઃખ વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘‘આ મુશ્કેલ સમયમાં ભારત ઈઝરાયલની સાથે છે.’’દાયકાઓથી પેલેસ્ટાઇન માટે સહાનુભૂતિ વ્યક્ત કરતી આવેલી ભારત સરકારની વિદેશ નીતિમાં આ અચંબાજનક પરિવર્તન દેખાઈ રહ્યું છે.

મુસ્લિમ નેતાઓ અને સમુદાયનાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં લખી રહ્યા છે. પેલેસ્ટાઈન તરફી હેકર્સે ભારતીય વેબસાઈટ પર સાઈબર હુમલા કર્યા છે. તેમનું કહેવું છે કે ભારત ઈઝરાયલને સમર્થન આપી રહ્યું છે. કોંગ્રેસની કારોબારીની બેઠકમાં પેલેસ્ટાઈનના લોકોના ગૌરવ સાથે જીવન જીવવાના અધિકારોનું પુનરુચ્ચારણ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં એ સમજવું જરૂરી બની જાય છે કે પેલેસ્ટાઈન સાથે ભારતના સંબંધો શું છે? અટલ બિહારી વાજપેયીના જૂના વીડિયો જોઈને લોકો કેમ મૂંઝવણમાં પડી રહ્યા છે? વાયરલ વીડિયો ૧૯૭૭માં જનતા પાર્ટીની વિજય રેલીનો છે, જેમાં વાજપેયી ખુલ્લેઆમ પેલેસ્ટાઈનનું સમર્થન કરતાં કહી રહ્યા છે કે ‘‘એવું કહેવામાં આવી રહ્યું છે કે જનતા પાર્ટીએ જે સરકાર બનાવી છે તે આરબોને સમર્થન નહીં આપે પણ તે ઈઝરાયલને સમર્થન આપશે.

આ ગેરસમજ દૂર કરવા માટે હું કહેવા માંગુ છું કે ઇઝરાયલે જે આરબ જમીન પર કબજો કર્યો છે તે તેણે ખાલી કરવી પડશે.’’ભારતે કદી આતંકવાદને સમર્થન આપ્યું નથી. ભારત હંમેશા આતંકવાદની વિરુદ્ધમાં ઊભું રહ્યું છે. ઇઝરાયલ આતંકવાદનો ભોગ બનેલો દેશ હોવાથી ભારતની સહાનુભૂતિ ઇઝરાયલ સાથે હોય તે સહજ અને સ્વાભાવિક છે, પરંતુ ભારતના વડા પ્રધાને ઇઝરાયલ માટે જે લાગણી વ્યક્ત કરી છે તેમાં વિદેશ નીતિના પ્રવાહો પલટાઈ રહ્યા હોવાનું જણાય છે.

ભાજપના નેતાઓ સોશ્યલ મીડિયા પર ખુલ્લેઆમ ઇઝરાયલની તરફેણમાં બોલતા જોવા મળ્યા હતા. સોશ્યલ મીડિયા પર ઇઝરાયલનું સમર્થન કરનારાં મોટા ભાગનાં લોકો હિન્દુ હતાં. આ સાથે જ મોટી સંખ્યામાં મુસ્લિમોએ પેલેસ્ટાઈનીઓને સમર્થન આપ્યું હતું. ભાજપના નેતા કપિલ મિશ્રાએ ૨૦૨૧માં ૧૦ મેના રોજ ઈઝરાયલના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું કે “‘ઈઝરાયલના ભાઈઓ અને બહેનોને સંપૂર્ણ સમર્થન. દુનિયા તમારી હિંમત અને તાકાત જોઈ રહી છે. તમે રસ્તો બતાવો છો. બધી સકારાત્મક અને દૈવી શક્તિઓ ઇઝરાયલ સાથે રહેલી છે.

આજે અને હંમેશા અમે ઇઝરાયલ સાથે ઊભા છીએ.’’બીજી તરફ ૨૧ મે, ૨૦૨૧ ના ​​રોજ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના પ્રવક્તા આસીમ વકારે પેલેસ્ટિનિયનોના સમર્થનમાં તેમના ટ્વિટમાં લખ્યું હતું કે “‘પેલેસ્ટાઈનની જીત પર આપણા બધાને અભિનંદન. તમામ આતંકવાદીઓ ઈઝરાયલ સાથે હતા. જેઓ માનવતાના હિમાયતી હતા તેઓ પેલેસ્ટાઈનની સાથે હતા. ’’આસિમ વકારે ઈઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધવિરામને પેલેસ્ટાઈનની જીત ગણાવી હતી.

યહૂદીઓ પર અત્યાચાર ગુજારનારા હિટલરને સમર્થન આપનારા વીર સાવરકરની ભાજપ અને આરએસએસમાં ઘણી પ્રતિષ્ઠા છે. અટલબિહારી વાજપેયીની સરકારે આ વીર સાવરકરની તસવીર સંસદના સેન્ટ્રલ હોલમાં નહેરુ જેવી હસ્તીઓ સાથે લગાવી હતી. ૧૪ ઓક્ટોબર, ૧૯૩૮ના રોજ વીર સાવરકરે ભારતમાં મુસ્લિમોની સમસ્યાના ઉકેલ તરીકે કહ્યું હતું કે ‘“એક દેશ ત્યાંની બહુમતી વસ્તીથી બને છે. જર્મનીમાં યહૂદીઓ લઘુમતીમાં છે, માટે તેમણે જર્મની છોડી દેવું જોઈએ. તેવી જ રીતે લઘુમતીમાં રહેલાં મુસ્લિમોએ ભારત છોડી દેવું જોઈએ. જર્મનીમાં રાષ્ટ્રવાદી ચળવળ ચાલે છે, પરંતુ ત્યાંના યહૂદીઓ સાંપ્રદાયિક છે. રાષ્ટ્રવાદ વૈચારિક, ધાર્મિક, ભાષાકીય અને સાંસ્કૃતિક એકતા સાથે સંબંધિત છે.

આવી સ્થિતિમાં જર્મનો અને યહૂદીઓ એક રાષ્ટ્ર તરીકે સાથે રહી શકે તેમ નથી.’’આ ભાષણમાં તેમણે જર્મનીમાં નાઝીવાદ અને ઈટાલીમાં ફાસીવાદનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે ‘‘ભારતે કોઈ પણ વાદનો વિરોધ કે સમર્થન ન કરવું જોઈએ. જર્મનીને નાઝીવાદ અને ઇટાલીને ફાસીવાદના માર્ગે ચાલવાનો સંપૂર્ણ અધિકાર છે. વર્તમાન પરિસ્થિતિમાં તેમને તેમની તરફેણમાં જે લાગે છે તે તેમણે પસંદ કર્યું છે. રશિયાને બોલ્શેવિક ગમે છે અને બ્રિટનને લોકશાહી ગમે છે.’’યહૂદીઓનો વિરોધ કરનારા વીર સાવરકરની વિચારધારા પર ચાલનારો ભાજપ આજે ઇઝરાયલની તરફેણ કરી રહ્યો છે, તેની પાછળનો ઇતિહાસ જાણવા જેવો છે.

પ્રથમ વખત કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી અને જ્યારે અટલબિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યારે ભારતના ઈઝરાયલ સાથેના સંબંધો વધુ ગાઢ બન્યા હતા. વાજપેયીના શાસન દરમિયાન ઈઝરાયલ સાથે આર્થિક, વ્યૂહાત્મક, વિજ્ઞાન-ટેક્નોલોજી અને કૃષિ ક્ષેત્રે અનેક મહત્ત્વપૂર્ણ કરારો થયા હતા. ૧૯૯૨માં ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા બાદ ૨૦૦૦માં પ્રથમ વખત તત્કાલીન ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણી અને વિદેશ મંત્રી જસવંત સિંહે ભારત તરફથી ઈઝરાયલની મુલાકાત લીધી હતી.

લાલકૃષ્ણ અડવાણીએ તેમના પુસ્તક ‘માય કન્ટ્રી માય લાઈફ’માં તેમની ઈઝરાયલ મુલાકાત વિશે લખ્યું છે કે ‘“જૂન ૨૦૦૦માં ઈઝરાયલની મારી પાંચ દિવસીય મુલાકાતે તે દેશ સાથેના મારા જૂના સંબંધોને તાજા કર્યા હતા. વર્ષ ૧૯૯૫માં હું ભાજપના અધ્યક્ષ તરીકે ઈઝરાયલ ગયો હતો. મને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના સંપૂર્ણ સામાન્યીકરણમાં મારી ભૂમિકા પર ગર્વ છે.’’આ પ્રવાસ દરમિયાન લાલકૃષ્ણ અડવાણી ગાઝામાં પેલેસ્ટાઈનના નેતા યાસર અરાફાતને પણ મળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન લાલકૃષ્ણ અડવાણીએ ઈઝરાયલ સાથે પરમાણુ સહયોગ વધારવાની હિમાયત કરી હતી.

આ પછી ઈઝરાયલના તત્કાલીન વડા પ્રધાન એરિયલ શેરોન ૨૦૦૩માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધારવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી. જુલાઈ ૨૦૧૭માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલની મુલાકાત લીધી હતી. કોઈ પણ ભારતીય વડા પ્રધાનની ઈઝરાયલની આ પ્રથમ મુલાકાત હતી. નરેન્દ્ર મોદી આ પ્રવાસ દરમિયાન જાણી જોઈને પેલેસ્ટિનિયન વિસ્તારોમાં ગયા ન હતા. જો કે, ૨૦૧૮માં નરેન્દ્ર મોદી અલગથી પેલેસ્ટિનિયન વિસ્તારોમાં ગયા હતા. ભાજપના રાજમાં ભારતને અમેરિકાની નજીક લાવવામાં સૌથી મોટી ભૂમિકા ઈઝરાયલની છે. અમેરિકામાં યહૂદી લોબી ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અને ભાજપના શાસન દરમિયાન ભારત આ લોબીની બહુ નજીક રહ્યું છે.

હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો તેને કારણે ભાજપને તેની ઇઝરાયલ સાથેની મૈત્રી મજબૂત કરવાનો અવસર મળી ગયો છે. ભાજપના શત્રુ મુસ્લિમો છે અને ઇઝરાયલના શત્રુઓ પણ મુસ્લિમો છે, જેને કારણે ભાજપને ઇઝરાયલ માટે સ્વાભાવિક પ્રેમ છે. અહીં ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન દૃષ્ટિગોચર થાય છે. ભારત પરંપરાગત રીતે પેલેસ્ટિનિયન લોકો માટે સહાનુભૂતિ ધરાવતો દેશ રહ્યો છે. હવે ભારતે પેલેસ્ટાઈનનો સાથ છોડીને ઇઝરાયલનો સાથ પસંદ કર્યો છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top