uncategorized

યુક્રેનમાં સુરતના 50થી વધુ વિદ્યાર્થી ફસાયા, હોસ્ટેલ-યુનિવર્સિટીમાંથી બહાર નિકળવું મુશ્કેલ

સુરત: (Surat) રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધના (War) ભણકારાને પગલે ભારત દેશના આશરે 18000 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છે. જેમાંથી અંદાજીત 3000 ગુજરાતીઓ છે અને 50થી વધુ સુરતના વિદ્યાર્થી (Surat Student) ફસાયા છે. શહેરના એક કાપડ વેપારીની પુત્રી સહિતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ભયના (Fear) ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે તેમને વતન આવવા માટે ફ્લાઇટ પણ મળી રહી નથી. છેલ્લા અઠવાડિયાથી ભારત પરત આવવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સામાન્ય દિવસો કરતાં અનેક ગણી વધારે મોંઘી ટિકીટ મળી રહી છે.

  • ભારત પરત ફરવા માટે સામાન્ય દિવસોમાં મળતી 35 થી 40 હજારની ફ્લાઇટ ટિકીટનો ભાવ બે થી અઢી લાખ ઉપર પહોંચી ગયો
  • સુરતના કાપડના વેપારીની પુત્રી પણ ફસાતા તેમણે ગુજરાતમિત્રને સ્થિતિ અંગેની જાણકારી આપી

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના ભણકારાની અસર અન્ય દેશો ઉપર પણ પડી રહી છે ખાસ કરીને યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં છે. જેમાં સુરત શહેરના વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. શહેરના પાલ રોડ સ્થિત ગ્રીન સિટીમાં રહેતા રાજેશ ખતુરિયા રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારી છે. તેમની પુત્રી સૌમ્યા ખતુરિયા (ઉ.વ.19) યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. દરમિયાન હાલમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન તણાવને પગલે તેમની પુત્રી સહિત સુરતથી અંદાજે 50થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઇ ગયા છે. વતન પરત ફરવા માટે છેલ્લા ઘણા દિવસથી વિદ્યાર્થીઓ પ્રયાસ કરી રહ્યા છે. જોકે તણાવ ભરી સ્થિતિ વચ્ચે હોસ્ટેલ-યુનિવર્સિટીમાંથી બહાર નિકળવું પણ મુશ્કેલ થઇ પડ્યું છે. ભારતીય દુતાવાસમાં પણ વિદ્યાર્થીઓ મદદ માંગી છે. કાપડ વેપારી રાજેશ ખતુરિયાની પુત્રી સૌમ્યા અઠવાડિયાથી ફ્લાઇટની ટિકીટ માટે પ્રયત્ન કરી રહી હતી ત્યારે તેણીને આગામી 19 ફેબ્રુઆરીની સુરત માટેની ફ્લાઇટની ટિકીટ મળી છે તેના માટે તેણે પણ સામાન્ય દિવસો કરતાં અનેક ગણી રકમ કિંમત ચૂકવવી પડી છે.

ભારતીય દૂત્તાવાસ તરફથી કોઇ સહકાર નથી મળ્યો
પાલ ખાતે રહેતા કાપડ વેપારી રાજેશ ખતુરીયાએ જણાવ્યું હતું કે, પુત્રી યુક્રેનની બીએસએમયુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. યુક્રેનમાં હાલ તણાવ ભરેલી સ્થિતિ છે ત્યારે પુત્રી દરરોજ મને ફોન કરીને ઘરે પરત ફરવા માટે કરગરી રહી છે. ભયમાં જીવી રહેલી મારી પુત્રી સહિત સુરતના 50થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ભારતીય દુતાવાસ તરફથી પણ કોઇ સપોર્ટ મળી રહ્યો નથી ત્યારે મારી પુત્રીને 19 ફેબ્રુઆરીની ટિકીટ મળી છે. પુત્રી ઘરે આવી જાય ત્યારે જ રાહતનો શ્વાસ લઇ શકીશ.

Most Popular

To Top