SURAT

સ્મીમેરમાં કોવિડની ડ્યૂટી માટે સ્ટાફ તૈયાર નથી, એક સપ્તાહથી ઓર્ડર કઢાયો હોવા છતાં કર્મચારીઓ ગાંઠતા નથી

સુરત: (Surat) શહેરમાં કોવિડ-19નો કહેર વધુ ને વધુ ફેલાઇ રહ્યો છે. વધતા કેસો સામે હોસ્પિટલમાં સ્ટાફની (Staff) પણ ઘટ પડી રહી છે. ત્યારે સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના (Smimer Hospital) કોવિડ વોર્ડમાં નોકરીનો ઓર્ડર કાઢવા છતાં ચીફ એસઆઇ સહિતના 50 જેટલા કર્મચારીનો એક સપ્તાહથી ઓર્ડર કાઢવા છતાં નોકરી (Duty) ઉપર હાજર નહીં થઇ કર્મચારી અધિકારીઓને પણ ગાંઠી રહ્યા નથી. જેના કારણે અન્ય કર્મચારીઓમાં રોષ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધુ ફેલાઇ રહ્યો છે. શહેરમાં દરરોજ કેસની સંખ્યા વધી રહી છે. સુરતમાં એક સમયે 400થી 500 કેસ નીકળતા હતા. પરંતુ હવે આ કેસની સંખ્યા 1500ને પાર જઇ રહી છે. તેમ છતાં શહેરીજનો ગભરાતા નથી. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ કેસની સંખ્યા ખૂબ જ વધી રહી છે. ખાસ કરીને હવે તો વેન્ટિલેટર સહિતની સારવાર માટે આવતા દર્દીઓને પણ ના પાડવામાં આવી છે. શહેર તથા જિલ્લામાં સ્મીમેર હોસ્પિટલમાં આવતા દર્દીઓને દાખલ કરવામાં આવે છે. ખાસ કરીને ઓક્સિજન માંગ સહિતના દર્દીઓને રાખવામાં આવી રહ્યા છે. પરંતુ દર્દીઓની વધતી સંખ્યા સામે પહોંચી વળવા માટે સ્ટાફની સંખ્યા વધારવા માટે કમર કસવામા આવી રહી છે.

સ્મીમેરના વહીવટકર્તા દ્વારા કોવિડમાં નોકરી કરવા માટે મસ્કતી હોસ્પિટલમાંથી પણ એક ચીફ એસઆઇ, ત્રણ એસએસઆઇ તથા 20 સફાઇ કામદારનો ઓર્ડર એક સપ્તાહથી કાઢવામાં આવ્યો છે અને સ્મીમેર હોસ્પિટલના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તથા સ્મીમેર મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા કુલ 50 કર્મચારીના પણ કોવિડમાં ડ્યૂટી માટે ઓર્ડર કાઢવામાં આવ્યો છે. પરંતુ આ તમામ કર્મચારીઓ એક સપ્તાહથી ઓર્ડર હાથમાં આવી ગયો હોવા છતાં કોવિડમાં નોકરી કરવા માટે હાજર થયા નથી. કર્મચારીઓ પણ પોતાના માનીતા ઉપલા અધિકારીઓને સ્મીમેરના વહીવટકર્તાને ફોન કરાવી દઇ ઓર્ડર રદ કરાવી રહ્યા છે. ખાસ કરીને મનપાની મુખ્ય ઓફિસમાં નોકરી કરતા અધિકારીઓ પણ પોતાના માનીતા કર્મચારીઓને સાચવવા માટે ઓર્ડર રદ કરાવવા ભલામણ કરી રહ્યા છે. જ્યારે મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ મેડમ કે સર નોકરી છોડવાનું ના પાડે છે તેમ કહી છટકી જાય છે.

સરકારી સહાય નહીં મળતાં કર્મચારીઓનો આત્મવિશ્વાસ તૂટે છે
એક કર્મચારીએ જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં કોવિડની ડ્યૂટી માટે અમે બધા તૈયાર છે. અન્ય ઓફિસમાંથી પણ માણસો કોવિડમાં કામ કરવા તૈયાર છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોવિડની ડ્યૂટી માટે જાહેર કરેલી સહાય હજુ સુધી સ્મીમેરના સ્ટાફને નહીં મળતાં કર્મચારીઓ અને રેસિડન્ટ તબીબો નિરાશ થયા છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ મહાનગર પાલિકામાં પણ સરકારી સહાય કર્મચારીઓને આપવામાં આવી છે. પરંતુ સ્મીમેરના તબીબો તથા અન્ય સ્ટાફને આ સહાય હજી સુધી આપવામાં આવી નથી. જેના કારણે કર્મચારીઓ નિરાશ બન્યા છે.

હાજર નહીં થનારા કર્મચારીઓ સામે નોટિસ કઢાશે
સિનિયર આરએમઓએ જણાવ્યું હતું કે, મસ્કતિ અને સ્મીમેર હોસ્પિટલમાંથી 50 જેટલા કર્મચારીની કોવિડની ડ્યૂટી માટે સપ્તાહથી ઓર્ડર કાઢવામાં આવ્યો છે. તેમ છતાં તેઓ હાજર નહીં થતાં સ્મીમેર મેડિકલ કોલેજની વહીવટી ઓફિસ દ્વારા શુક્રવારે તમામ 50 કર્મચારીને નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ છે.

Most Popular

To Top