સુરત: (Surat) ફેડરેશન ઓૅફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે અને કોરોનાની ચેઇન તોડવા વિવર્સ સોસાયટીઓના પ્રમુખ અને હોદ્દેદારો પાસે સૂચન મંગાવવામા આવ્યા હતા. આ સર્વેના ઉપલક્ષમાં ઉધના, બમરોલી, પાંડેસરા, કતારગામ, વેડરોડ, વરાછા, લિંબાયત, ભાઠેનાના વિવર્સોએ પખવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન (Lockdown) રાખવુ જોઇએ તેવું સૂચન કર્યુ હતું. છેલ્લા 10 દિવસમાં મોટી સંખ્યામાં વિવર્સ (Weavers) અને કામદારો સંક્રમિત બનતા કોરોનાની ચેઇન તોડવા માટે ફોગવાએ 1થી 15મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. તેને લીધે 4.50 લાખ પાવરલુમ કારખાનાઓનો અવાજ શાંત થઇ ગયો છે.
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં વકરતા કોરોનાની મહામારીને કાબૂમાં લેવા માટે કોઇ વિકલ્પ નહીં બચતા આજે ખટોદરા જલસાગર કોમ્પલેક્સમાં વિવિંગ સોસાયટીના હોદ્દેદારોની બેઠક પછી પખવાડિયું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે સુરત ની તમામ ટેક્સટાઇલ માર્કેટોને 5 તારીખ સુધી બંધ રાખવા સરકારે આદેશ આપ્યો છે તો બીજી તરફ દેશના મોટાભાગના રિટેઇલ માર્કેટ પણ બંધ છે. તો આ સંજોગો મા ઔદ્યોગિક યુનિટો ૧૫દિવસ માટે તા.૧-૦૫-૨૧ થી તા.૧૫-૦૫-૨૧ સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે વિવિંગ ઉદ્યોગના અગ્રણીઓ કહે છે કે કોરોનાની બીજી લહેર ઘાતક રહેતા છેલ્લા 20 દિવસ દરમિયાન 70 ટકા કારીગરો વતને જતા રહ્યાં છે. વિવિંગ ઉદ્યોગ માંડ એક પાળી ચાલી રહ્યો છે. કાપડ માર્કેટ બંધ થઇ ગયા પછી વિવર્સ પાસે કામ રહ્યું ન હતું. તેથી ઓવરપ્રોડક્શન નહીં થાય તે માટે ફોગવાએ પખવાડિયું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. તે પહેલા સચિનના હાઇસ્પીડ લૂમ્સ સંચાલકોએ એક જ દિવસમાં 1000 મશીનો બંધ કરી દીધા હતાં.
15 દિવસ બંધના ફોગવાના એેલાનમાં કમ્પોઝિટ યુનિટ જોડાશે નહીં
સુરત: ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ કોરોનાની ચેઇન તોડવા માટે પખવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. તેનો વિરોધ પણ હવે થઇ રહ્યો છે. પાંડેસરા, સચિન અને ઉધના બમરોલી રોડના કમ્પોઝિટ યુનિટો બંધના વિરોધમાં છે. અગ્રણીઓનું કહેવુ છે કે જો પાવરલૂમ એકમો બંધ રાખવામાં આવશે તો કારીગરોને લઇ માહોલ ખરાબ થશે. યુપી, બિહાર અને ઓડિસાના જે કારીગરો બચ્યા છે તે ટ્રેન અને બસ પકડવા ભાગદોડ કરશે અને કોરોના વધી શકે છે. જો બચેલા કારીગરો પલાયન કરશે તો તેમને પરત લાવવામાં મુશ્કેલી ઉભી થશે.