SURAT

વાહનમાં ડાર્ક ફિલ્મ લગાવી હશે કે ફેન્સી નંબર હશે તો આવી બન્યું સમજો, સુરત પોલીસ કરી રહી છે આ કાર્યવાહી

સુરત: (Surat) કોરોના મહામારી, આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તથા અન્ય ધાર્મિક તહેવારની ઉજવણી દરમ્યાન સુરતના નાગરિકોની જાન-માલની સુરક્ષાને ધ્યાને લઇ શરીર સંબંધી અને મિલ્કત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા શહેર પોલીસ (Surat Police) દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત સુરત શહેરમાં ફરતાં ફોર વ્હિલર (Four Wheel) વાહનમાં ડાર્ક ફિલ્મ લગાડી શંકાસ્પદ વાહનો ફેરવવા, નંબર પ્લેટ વિનાનાં વાહનો તેમજ ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે સ્પેશ્યલ ડ્રાઈવ રાખી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં 2 થી તા.12 સપ્ટેમ્બર સુધી તપાસ કરી નંબર પ્લેટ વિનાનાં તથા ડાર્ક ફિલ્મ (Dark Film) લગાવી વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે.

ડ્રાઇવ દરમ્યાન સુરત શહેરનાં તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખા તરફથી 2 સપ્ટેમ્બરથી થી 6 સપ્ટેમ્બર દરમ્યાન ડાર્ક ફિલ્મનાં 2531 કેસ પેટે સ્થળ પર જ 12,65,500 રૂપિયાનો દંડ વસૂલાયો છે. વિના નંબર પ્લેટનાં કેસ-150 કેસ કરી સ્થળ પર રૂ.47,000નો દંડ કરાયો છે. ડ્રાઈવ દરમ્યાન કુલ 2681 કેસ કરી 13,12,500 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. તથા વાહન ચાલકો પાસે સ્થળ ઉપરજ વાહનમાંથી ડાર્ક ફિલ્મ ઉતરાવી દેવાની કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ ભંગ કરનાર લોકોને HSRP નંબર પ્લેટ જ વાહનમાં લગાડવા માટે સમજ કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં આવનાર ગણેશ વિસર્જન તેમજ અન્ય ધાર્મિક તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને તબક્કાવાર વિવિધ ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે.

ડાર્ક ફિલ્મના કાર ચાલકે દંડથી બચવા માટે હેડ કોન્સ્ટેબલને કચડી 10 મીટર ઘસડ્યો

સુરત: શહેરના ભાઠા પોલીસ ચેક પોસ્ટ પાસે ગઈકાલે ડાર્ક ફિલ્મના કાર ચાલકે વાહન ચેકીંગ વખતે હેડ કોન્સ્ટેબલને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ગાડી ઉભી રાખી દરવાજો ખોલવાનું કહેતા જ કાર ચાલકે કારને રેસ કરી ભાગવા જતા હેડ કોન્સ્ટેબલને 10 મીટર ઘસડી ગયો હતો. ઇચ્છાપોર પોલીસે કાર ચાલકની સામે ફરજમાં રૂકાવટ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો.

ઇચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાઠા ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ કાંતીભાઈ પટેલ (ઉ.વ.42) તેમના પીએસઆઈ સહિતના અધિકારીઓ સાથે ગઈકાલે સાંજે ભાઠા ચોકી પાસે વાહન ચેકિંગમાં હતા. સાતેક વાગ્યાના આરસામાં ઈચ્છાપોર તરફથી એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી (જીજે-05-સીએલ-5758)ના ચાલકે ડાર્ક ફિલ્મ લગાવી હતી. જેથી સ્ટાફના માણસોએ તેને રોકવા માટે ઈશારો કર્યો હતો. કાર ચાલકે ગાડી રોકતા પોલીસે તેને ડાર્ક ફિલ્મ હોવાથી દરવાજો ખોલી બહાર ઉતરવા માટે કહ્યું હતું.

જોકે, ચાલકે કાર ભગાવી કારની પાસે ઉભેલા હેડ કોન્સ્ટેબલ શૈલેષ કાંતિલાલ બોનેટ સાથે અથડાયા હતા. અને અંદાજે 10 મીટર સુધી ઘસડાઇને રોંગ સાઇડ ફંગોળાયા હતા. શૈલેષને ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર થતા પીએસઆઇ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. કાર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે કાર ચાલકનો બાઈક ઉપર પીછો પણ કર્યો હતો પરંતુ ચાલક ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. શૈલેષે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટ કરી હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.

દંડથી બચવા ગભરાઈને ભાર્ગવ ભાગ્યો હતો

પોલીસે ફરિયાદ દાખલ કરી બાદમાં કારના નંબરના આધારે ઉગત ભેસાણ રોડ ઉપર વીરસાવરકર હાઈટ્સમાં રહેતા 31 વર્ષીય ભાર્ગવ દિપકભાઈ પંડ્યાને પકડી પાડ્યો હતો. ભાર્ગવ ખાનગી કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ કરે છે. ગઈકાલે ઇચ્છાપોરથી ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે પોલીસે ડાર્ક ફિલ્મ બાબતે રોકતા દંડથી બચવા ગભરાઈને ભાગી ગયો હતો. ભાર્ગવના પિતા અને ભાઈનું અવસાન થયેલું છે. તે માતાની સાથે રહે છે. અને હજી અપરિણીત છે.

Most Popular

To Top