પારડી: (Pardi) પારડીના મોતીવાડા બ્રિજ પર સુરતનો SRP પોલીસ (SRP Police) જવાન અને એક મહિલા કારમાં દારૂ (Alcohol) સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોતીવાડા બ્રિજ પાસે કાર નં. જીજે-38 બી-6549 આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 51 જેની કિં.રૂ. 8,000નો જથ્થો મળી આવ્યો હતો.
- પારડીમાં સુરતનો SRP જવાન કારમાં 8000 રૂપિયાના દારૂ સાથે ઝડપાયો
- પત્નીને લઈને કારમાં દારૂની હેરાફેરી કરવા જતાં પોલીસ પેટ્રોલિંગમાં દબોચી લેવાયો, પત્નીની પણ ધરપકડ
પોલીસે કાર ચાલક હિતેશ ખોડા ચૌહાણ અને તેની પત્ની અલ્પા હિતેશ ચૌહાણ (રહે.સુરત, મૂળ સુરેન્દ્રનગર)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે અંગજડતી કરતા હિતેશ ચૌહાણના ખિસ્સામાંથી ગુજરાત પોલીસ લખેલો આઈકાર્ડ મળી આવ્યો હતો. જે આઈ કાર્ડમાં સુરત વાવ એસઆરપી ખાતે નોકરી કરતો હોવાનો જાણવા મળ્યું હતું. પોલીસે દંપતીની ધરપકડ કરી કાર, દારૂનો જથ્થો, મોબાઇલ સહિત કુલ રૂ. 3.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત વાવ ખાતે એસઆરપીમાં નોકરી કરતો જવાન દારૂની હેરાફેરી કરતા પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.
વાપીના અંબાચ તેમજ લવાછાથી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ, 4.74 લાખનો દારૂ જપ્ત
વાપી: વાપી ડુંગરા પોલીસે અંબાચથી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલ જીપ કારમાંથી રૂ.2.56 લાખ અને લવાછાથી પસાર થતી કારમાંથી રૂ.2.17 લાખનો દારૂ જથ્થો ઝડી પાડ્યો હતો. પોલીસે જીપકારની કિંમત 8 લાખ અને કારની કિંમત 5 લાખ આંકી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે વાપી નજીકના અંબાચ ગામ, ચાર રસ્તા પાસે વોચ ગોઠવી જીપકાર નં.જીજે-21 સીએ-2647ને અટકાવી ચાલકનું નામઠામ પૂછતા ભાવિન પંકજભાઈ પટેલ (ઉં.24, રહે. વેલપરવા, તા.પારડી) હોવાનું જણાવ્યું હતું. વાહનમાં તપાસ કરતા તેમાંથી દારૂ-બીયરનો જથ્થો પાસપરમીટ વગરનો મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા આ દારૂનો જથ્થો ભરેલ કાર સેલવાસમાં રહેતા સંદિપ પટેલે આપી હતી અને તે વાંસદા તાલુકાના મહુડી ફળિયામાં રહેતા વિજયને પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જીપકારની કિંમત 8 લાખ, દારૂ-બીયરના જથ્થાની કિંમત 2,56,800 તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.10,57,300/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે બીજા બનાવમાં બાતમીને આધારે, પોલીસે લવાછા ગામ, ગ્રામપંચાયતની સામેથી પસાર થઈ રહેલ કાર નં. ડીએન-09 કે-2577ને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કારચાલક પોલીસને જોઈ વાહન છોડી ભાગી છૂટયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારની કિંમત 5 લાખ, દારૂ-બીયરના જથ્થાની કિંમત 2,17,200/- આંકી આગળની વધુ તપાસ હાથ ધરી છે.