SURAT

હવે સુરત આ મામલે પણ દેશમાં અવ્વ્લ: સુમન શાળામાં ધોરણ-11 અને 12ના વર્ગો પણ શરૂ કરશે

સુરત: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (nagar prathmnik sikshan samiti)ના માધ્યમથી પ્રાથમિક શિક્ષણ અને સુમન શાળા (suman school)થકી માધ્યમિક શિક્ષણ બાદ સુરત મહાનગરપાલિકા (SMC) હવે સુમન શાળામાં ધોરણ-11 અને 12ના (higher secondary) વર્ગો પણ શરૂ કરશે. જેની શરૂઆત વર્તમાન સત્રથી જ યુદ્ધના ધોરણે થઇ જશે તેવી જાહેરાત સ્થાયી સમિતિ ચેરમેને કરી હતી. આ માટે જરૂરી તમામ કાર્યવાહીઓ પૂરી થઇ ચૂકી છે. તેમજ સ્થાયી સમિતિમાં શાસકો દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું હતું કે, ધો.11 અને 12 (આર્ટસ અને કોમર્સ)ના કુલ 3 માધ્યમના 14 વર્ગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે દેશમાં સુરત મહાનગરપાલિકા એવી પ્રથમ મહાનગરપાલિકા બની રહેશે. જેના દ્વારા સુમન હાઇસ્કૂલ ઉપરાંત ધો.11 અને 12ના શિક્ષણ પણ આપવામાં આવશે.

હાલમાં મનપા સંચાલિત સુમન હાઈસ્કૂલ નં.1થી 18માં ધોરણ–9 અને ધોરણ-10ના માધ્યમિક વિભાગનો અભ્યાસ વિદ્યાર્થીઓ મેળવે છે. તેમને ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ-10માં કોરોના મહામારીના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યા હતા. જેથી ધોરણ-11ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સુમન શાળાના વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થિનીઓને અન્ય ગ્રાન્ટેડ (નોન ગ્રાન્ટેડ) શાળાઓમાં પ્રવેશ મળી રહેવાની શક્યતા ઓછી છે. જેથી મનપા દ્વારા ધોરણ-11 અને 12ના ગુજરાતી, મરાઠી અને હિન્દી માધ્યમના કુલ 14 વર્ગ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જે માટે એડમિશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. મનપા દ્વારા ગુજરાતીના 8 વર્ગ, મરાઠીના 4 વર્ગ અને હિન્દીના 2 વર્ગ શરૂ કરાશે. દરેક વર્ગ માટે કુલ 4 શિક્ષકની જરૂરિયાતને ધ્યાને લઈ કુલ 56 શિક્ષક કોન્ટ્રાક્ટ બેઈઝ પર લેવામાં આવશે. આ તમામ વર્ગોમાં મળીને કુલ 910 વિદ્યાર્થી શિક્ષણ મેળવશે. તેમજ સુમન શાળામાં તમામ વર્ગમાં દીકરીઓને ફી માફી આપવામાં આવશે તેમ સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું. ઉચ્ચતર માધ્યમિક શાળાના ખર્ચ માટે ડ્રીમ સિટી, સ્માર્ટ સિટી સહિતના એસવીપી તેમજ અન્ય ઉદ્યોગ ગૃહોના સીઆરએસ ફંડને માધ્યમ બનાવાશે તેવું પણ ચેરમેને જણાવ્યું હતું.

ઇશુદાન સાથે ફોટા મુદ્દે ચર્ચામાં આવેલા સંજય સરાવગીએ મનપાને 10 લાખનું ફંડ આપ્યું

બુધવારે સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નવા નેતા ઇશુદાન ગઢવી અને તેના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ લક્ષ્મીપતિ મિલના માલિક સંજય સરાવગીનો આપના નેતાઓ સાથે ફોટો વાયરલ થતાં ભાજપના નેતાઓના ભવા ખેંચાયા હતા અને ગણતરીના કલાકોમાં સંજય સરાવગીએ પોતે રાજકીય માણસ નથી, આપ સાથેની મુલાકાત માત્ર ઔપચારિક હતી તેવો ખુલાસો કરતો મેસેજ ફરતો કરવાની ફરજ પડી હતી. ત્યારે આ વિવાદના બીજા જ દિવસે સંજય સરાવગી દ્વારા સુમન ઉચ્ચતર માધ્યમિકની કન્યાઓના અભ્યાસ માટે 10 લાખનું ફંડમાં આપવાની મૌખિક મંજૂરી આપવામાં આવી હોય અનેક તર્ક-વિતર્ક ચર્ચાઇ રહ્યા છે.

વર્ગ દીઠ વાર્ષિક 5 લાખનો ખર્ચ થશે, ઉચ્ચતર માધ્યમિક માટે 70 લાખ ખર્ચાશે

મનપા દ્વારા સુમન શાળામાં ધોરણ-11 અને 12ના કુલ 14 વર્ગ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં મનપાને એક વર્ગ દીઠ વાર્ષિક 5 લાખનો ખર્ચ થશે. વાર્ષિક ખર્ચને પહોંચી વળવા મહાનગરપાલિકાની એસપીવી કંપનીઓ અને શહેરના અન્ય ઔદ્યોગિક એકમો અંતર્ગત સીએસઆર ફંડ દ્વારા સંપૂર્ણ ફંડ મેળવીને કામગીરી કરવાનો પ્રયાસ કરાશે. મનપાને તમામ વર્ગો મળીને વાર્ષિક 70 લાખ ખર્ચ થવાનો અંદાજ છે.

Most Popular

To Top