SURAT

લો બોલો, સુરતમાં વિડીયો જોઈ જોઈને ઘરેજ લેબ શરૂ કરી કરોડોનું ડ્રગ્સ પણ બનાવી લીધું

સુરત : દિવાળીના સમયે સુરત પોલીસે (Surat police) ડ્રગ્સની ડ્રાઇવ (drugs drive) શરૂ કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ કેસમાં પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે (crime branch) મહારાષ્ટ્રથી મનોજ નામના આરોપીને પકડી પાડ્યો હતો. તેની પુછપરછમાં મનોજ તેમજ તેના સાગરિતોએ મળીને પોતાના ઘરે જ યુ-ટ્યુબમાંથી વીડિયો (you tube video) જોઇને ઘરમાં જ લેબોરેટરી બનાવી હતી. તેમાં કેમિકલના ઉપયોગથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ (drugs) બનાવ્યું ને વેચી પણ દીધું હતું. પોલીસે મનોજને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી મનોજના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

સુરત પોલીસે દિવાળીના તહેવાર સમયે ડ્રગ્સની ડ્રાઇવ શરૂ કરીને એક જ દિવસમાં 1.50 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું. આ પૈકી પોલીસે અડાજણમાં રહેતા મોહંમદ સલમાન ઉર્ફે અમન મોહંમદ હનીફ ઝવેરીને 1 કરોડના ડ્રગ્સ, પાંચ મોબાઇલ તેમજ આઇટ્વેન્ટી કાર સાથે પકડી પાડ્યો હતો. સલમાનની પુછપરછમાં તપાસનો રેલો છેક મુંબઇ સુધી પહોંચ્યો હતો. આ કેસમાં પોલીસે કુલ્લે 15 જેટલા આરોપીને પકડ્યા હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર-મુંબઇના રાયગઢ પાસે જીરાડઅલીમાં જાન્હવી સોસાયટીમાં રહેતા મનોજ ઉર્ફે બાલા લક્ષ્મણ પાટીલને પકડી પાડ્યો હતો. મનોજને ડ્રગ્સ બનાવવા માટે વાપીમાં કેમિકલ ફેક્ટરીઓનો સંપર્ક કર્યો હતો. વાપીમાં ફોર, અમાઇન, બ્રોમીન અને એચઓએલ નામના કેમિકલ ખરીદ્યા હતા. આ પૈકી મનોજે ફોર નામનું કેમિકલ ખરીદવા માટે પ્રવિણ મ્હાત્રે તેમજ વીરામની મારફતે વાપી આવ્યો હતો અને વાપીમાં મનોજ ભગત નામના આરોપીને ત્રણ લાખ રૂપિયા આપીને ફોર નામનું કેમિકલ ખરીદ્યું હતું. ત્યારબાદ આ કેમિકલને મનોજ પાટીલ મહારાષ્ટ્રમાં પોતાના ઘરે લઈ જઈ ઘરમાં જ લેબોરેટરી શરૂ કરીને તેમાં ડ્રગ્સ બનાવતો હતો. આ ડ્રગ્સ તે સલમાન મારફતે સુરતમાં પહોંચાડતો હતો.

કેવી રીતે મેફેડ્રોન ડ્રગ્સ બનાવ્યું હતું…?
પકડાયેલા મનોજ પાટીલની પુછપરછમાં મનોજ પાટીલે સોશિયલ મીડિયા પર યુ-ટ્યુબ અને વીકિપીડિયાની સાઇટો ઉપરથી જુદા જુદા વીડિયો જોયા બાદ ઘરે જ લેબોરેટરી બનાવી હતી. ત્યારબાદ ડ્રગ્સ બનાવવા જરૂરી કેમિકલને વાપીની ફેક્ટરીમાંથી ખરીદીને પોતાના ઘરે જ ડ્રગ્સ તૈયાર કરી સૌપ્રથમ વીરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગાનો સંપર્ક કરતો હતો. વીરામના પ્રવિણ મ્હાત્રે મારફતે સલમાન સુધી પહોંચતો અને સલમાન સુરતમાં વિવિધ જગ્યાએ ડ્રગ્સનો કારોબાર કરતો હતો. સલમાને આ માટે ડુમસના સુલતાનાબાદમાં એક ફ્લેટ પણ રાખ્યો હતો. આ ઉપરાંત ડ્રગ્સને વેચવા માટે અલગથી એક્ટીવા મોપેડ રાખીને ડ્રગ્સનો કારોબાર કરતો હતો.

ડ્રગ્સ બનાવવા માટે કાંચની હાંડી અને થર્મોમીટરનો ઉપયોગ કરતો
પોલીસના જણાવ્યા પ્રમાણે મનોજ ડ્રગ્સ બનાવવા માટે 10 લીટર તથા 2 લીટર કાંચની હાંડી, પ્લાસ્ટિકનું ટબ, સ્ટરર, કંડેનસર, કાંચના બેન્ડ, પ્લાસ્ટિકનું બેઝ, ટેમ્પ્રેચર (થર્મોમીટર) મુંબઇથી ખરીદ કર્યું હતું. આ તમામ સાધનો વડે તે ડ્રગ્સ બનાવતો હતો અને બજારમાં વેચતો હતો.

પોલીસે રજૂ કરેલા રિમાન્ડના મુદ્દાઓ
— કેમિકલ તેમજ લેબના સાધન સામગ્રી કબજે કરવાના હોય
— આરોપીના મોબાઇલ ફોન કબજે કરાયા છે, તેમાંથી મેસેજ તેમજ વીડિયો રેકોડીંગ ચેક કરીને સીડીઆર કબજે કરવાના છે.
— એકાઉન્ટ ચેક કરવાના છે, વધુ એક આરોપી રઘુરામ રામેશ્વર રાઠોડની સાથે સંપર્કમાં છે કે નહી..? તેમજ આરોપીઓના છુપા સ્થાનો વિશે માહિતી મેળવવાની છે

Most Popular

To Top