ઘરમાં ઘૂસી 13 વર્ષની છોકરીનો હાથ પકડી છેડતી કરનાર કાપોદ્રાના રોમિયોને કોર્ટે બરોબરની આશિકી શિખવાડી

સુરત : કાપોદ્રામાં માતા-પિતાની ગેરહાજરીમાં સગીરાની છેડતી કરીને તેને ચિઠ્ઠીમાં મોબાઇલ નંબર આપનાર યુવકને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની સખત કેદની સજા કરતો હુકમ કર્યો હતો.

  • કાપોદ્રાનો મનીષ વારંવાર સગીરાની સામે ખરાબ નજરે જોઇને ગંદા ઇશારા કરતો હતો
  • મનીષ બારૈયા સગીરાના માતા-પિતાને પણ ધમકાવતો હતો
  • મૂળ ભાવનગરના અને હાલ લંબેહનુમાન રોડ પર રહેતા પરિવારે આખરે પોલીસ ફરિયાદ કરી

આ કેસની વિગત મુજબ મુળ ભાવનગરના વતની અને સુરતમાં (Surat) લંબેહનુમાન રોડ ઉપર રહેતી મહિલા પતિની સાથે બહાર સામાન ખરીદવા માટે ગઇ હતી. આ દરમિયાન તેની નાની પુત્રીનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, મમ્મી તું ઝડપથી ઘરે આવ, મારે તારુ કામ છે, હું ફોન પર તને કંઇ નહીં કહું. આ મહિલા ઘરે પહોંચી ત્યારે સગીરાએ જણાવ્યું હતું કે, સામે જમવા માટે આવતો મનીષ દુદાભાઇ બારૈયાએ નીચેથી મને બુમો પાડીને ચીસાચીસ કરી હતી. મોટી બહેને દરવાજો ખોલતા મનીષ ઘરની અંદર આવી ગયો હતો અને મારો હાથ પકડીને મને ચિઠ્ઠી આપી હતી. જેમાં મનીષનો મોબાઇલ નંબર લખ્યો હતો. મનીષે આ બાબતે માતા-પિતાને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત વારંવાર મનીષ સગીરાની સામે ખરાબ નજરે જોઇને ગંદા ઇશારા કરતો હતો અને છેડતી પણ કરી હતી.

બનાવ અંગે મનીષ બારૈયાની સામે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને મનીષની ધરપકડ કરી હતી. દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ મનીષને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂા.5 હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો.

14 વર્ષીય સગીરાને ભગાડી જઇ બળાત્કાર કરનારના જામીન નામંજૂર
સુરત : કાપોદ્રામાંથી 14 વર્ષીય સગીરાને ભગાડી જઇને બળાત્કાર કરનાર આરોપીના જામીન નામંજૂર કરાયા હતા. આ કેસની વિગત મુજબ છોટાઉદેપુરનો વતની મીત ઉર્ફે ભયલુ ઇશ્વરભાઇ ચંદુભાઇ રાઠવા (તડવી)ની 9 મહિના બાદ ધરપકડ કરવામાં આવી હતી. મીત 14 વર્ષની સગીરાને લલચાવીને ભગાડી ગયો હતો. સાતથી આઠ મહિના પોતાની સાથે રાખીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ સગીરાની સાથે લગ્ન કર્યા ન હતા અને તરછોડી દીધી હતી. બનાવ અંગે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો. દરમિયાન 9 મહિના બાદ પોલીસે મીતની ધરપકડ કરી હતી. જામીન મુક્ત થવા માટે મીતએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સામે સરકારી વકીલ નીતિન ચોડવડીયાએ દલીલો કરી જામીન નામંજૂર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સગીરાની માતાએ જાતે જ કોર્ટમાં દલીલો કરી હતી અને આરોપીના જામીન સામે વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી મીતના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

Most Popular

To Top