SURAT

દારૂનો કેસ નહીં કરવા બુટલેગર પાસે 5000ની લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

સુરત: (Surat) સરથાણાના પોલીસ સ્ટેશનના (Sarthana Police Station) શક્તિદાન ગઢવી નામના હેડ કોન્સ્ટેબલે (Head Constable) એક બુટલેગરની સામે દારૂનો કેસ નહીં કરવા અને મોટરસાઇકલ પરત આપવા માટે 10 હજારની લાંચ માંગી હતી. જો કે, બુટલેગરે રૂા. પાંચ હજારનું કહેતા તે માની ગયો હતો. ચોકીની બાજુમાં જ લાંચના રૂપિયા ઉઘરાવતા એસીપીએ છટકુ ગોઠવીને હેડ કોન્સ્ટેબલને પકડી પાડ્યો હતો, જ્યારે તેના ખાનગી માણસને વોન્ટેડ જાહેર કર્યો હતો. પકડાયેલો શક્તિદાન પોતાની મિત્રની ઇકો ગાડી લઇને ફરતો હતો અને જે બુટલેગર પાસેથી દારૂની (Alcohol) બોટલ લીધી હતી તે પોતાની કારમાં મુકી દીધી હોવાની વિગતો પણ મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા પોલીસે એક આરોપીને વિદેશી દારૂના કેસમાં પકડી પાડ્યો હતો. ત્યારે પોલીસે બુટલેગરની મોટરસાઇકલ કબજે લઇને કેસ કરવાની વાત કરી હતી. આ કેસ નહીં થાય અને બુટલેગરને જવા દેવામાં આવે તે માટે સરથાણા પોલીસના કોન્સ્ટેબલ શક્તિદાન દાજીદાન ગઢવીએ પોતાના પ્રાઇવેટ માણસ નામે રઘુભાઇ ગલાણી મારફતે રૂા. 10000ની માંગણી કરી હતી. આખરે મામલો રૂા. 5 હજારમાં પત્યો હતો, અને આ રૂપિયા લસકાણા પોલીસ ચોકીની બાજુમાં આપી જવા માટે જણાવ્યું હતું. બુટલેગર રૂપિયા આપવા માંગતો ન હોવાથી તેને સીધી જ એસીબીમાં ફરિયાદ કરી હતી. બાદમાં વલસાડ એસીબીના પીઆઇએ પોતાની ટીમ સાથે લસકાણા પોલીસ ચોકીની બાજુમાં ટ્રેપ ગોઠવી હતી. બુટલેગર રૂપિયા લઇને હે.કો. શક્તિદાનને આપ્યા ત્યારબાદ એસીબી પોલીસ ત્રાટકી હતી અને લાંચના રૂપિયા કબજે લઇને શક્તિદાન તેમજ તેના માણસ રઘુ ગલાણીની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે શક્તિદાનની ધરપકડ કરી હતી જ્યારે રઘુ ગલાણીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

શક્તિદાન સામે દારૂનો વધુ એક ગુનો નોંધાયો
સરથાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવીએ એક ઇકો કારને પકડી પાડી હતી. જે તે છેલ્લા ત્રણ મહિનાથી વાપરતો હતો. ગાડીમાંથી એસીબી પોલીસે રૂા. 3170ની કિંમતની દારૂની નાની-મોટી આઠ બોટલો પણ કબજે લીધી હતી. કારમાંથી દારૂની બોટલો મળી આવતા લસકાણા પોલીસ ચોકીના પીએસઆઇએ હે.કો. શક્તિદાનની સામે દારૂ મળી આવ્યાનો અલગથી ગુનો નોંધ્યો હતો.

બે દિવસ પહેલા અજાણ્યો શક્તિદાનને જોઇને ગાડી મુકી ભાગી ગયો હતો
જાણવા મળ્યા મુજબ બે દિવસ પહેલા રાત્રીના સમયે શક્તિદાન પેટ્રોલીંગમાં હતો. લસકાણા પાસે મોટરસાઇકલ લઇને આવેલો એક યુવક શક્તિદાનને જોઇને ગભરાયો હતો, આ યુવકે પોતાની મોટરસાઇકલ રસ્તા ઉપર જ મુકી દઇને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના શક્તિદાને નિહાળી હતી. બાદમાં શક્તિદાનએ પોતાના માણસ રઘુ ગલાણીને બોલાવીને મોટરસાઇકલ કબજે લઇ લીધી હતી. મોટરસાઇકલની તપાસ કરી પરંતુ તેમાંથી શક્તિદાનને કોઇ વસ્તુ મળી ન હતી. બીજી તરફ શક્તિદાને પોતાની રીતે જ ગાડીના નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી હતી, આ મોટર સાઇકલ એક બુટલેગરની હોવાનું ધ્યાને આવતા તેને ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. બુટલેગર ખાલી હાથે શક્તિદાન પાસે આવ્યો હતો અને ગભરાઇને કહ્યું કે, બે દિવસ પહેલા તેની પાસે દારૂની બોટલ હોવાથી તે ગાડી મુકીને ભાગી ગયો હતો. બુટલેગરને ગભરાયેલો જોઇને શક્તિદાનની લાલચ જાગી હતી અને તેને દારૂનો કેસ નહીં કરવા તેમજ મોટરસાઇકલ કબજે નહીં કરવા માટે 10 હજારની લાંચ માંગી હતી.

શક્તિદાનએ વતનમાં લગ્નપ્રસંગમાં જવા માટે રજા માંગી, પરંતુ પીઆઇએ સ્પષ્ટ ના પાડી દીધી હતી
સરથાણામાં જ્વેલર્સ ઉપર ફાયરીંગની ઘટનાને બે દિવસ થઇ ગયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજથી તપાસના ધમધમાટ શરૂ કર્યો છે, ત્યાં જ સર્વેલન્સ સ્ટાફના હે.કો. શક્તિદાનએ લગ્નપ્રસંગમાં જવા માટે પીઆઇની પાસે રજા માંગી હતી. આ દરમિયાન પીઆઇએ સૌપ્રથમ ફાયરીંગના ઘટનાને ડિટેક્ટ કરવાનું કહીને આરોપીને પકડી લાવીને બાદમાં રજા લેવાનું કહ્યું હતું. જોગાનુજોગ શક્તિદાનએ બુટલેગરની પાસેથી રૂપિયા લેવાના હતા, અને બીજી તરફ રજા કેન્સલ થઇ. આ બંને વસ્તુ ભેગી થઇ ગઇ હતી, શક્તિદાનએ શનિવારે રાત્રે બુટલેગરને રૂપિયા લઇને બોલાવ્યો હતો. ત્યાં જ એસીબી પોલીસ પણ આવી ગઇ અને શક્તિદાનને પકડી લીધો હતો.

Most Popular

To Top