SURAT

સુરતના તબીબે માનવતા ખાતર જમીન રહેવા આપી, પશુપાલકે કબજો કરી ધમકી આપી

સુરત: (Surat) ઘોડદોડ રોડ ખાતે રહેતા તબીબે સણિયા હેમાદમાં આવેલી તેમની જમીન પશુપાલકને (Cattle Breeder) માનવતા ખાતર વગર ભાડે રહેવા માટે આપી હતી. પરંતુ આ પશુપાલકની નિયત બગડતાં આ જમીન ઉપરથી કબજો ખાલી કરવા ઈન્કાર કરી ધમકી આપી હતી. જેને પગલે વૃદ્ધ તબીબે સારોલી પોલીસ સ્ટેશનમાં પશુપાલકની સામે લેન્ડ ગ્રેબિંગની (Land Grabbing) ફરિયાદ નોંધાવી છે.

  • માનવતા ખાતર રહેવા આપેલી જમીન પર પશુપાલકે કબજો કરી ધમકી આપી
  • લવજી બાદશાહ મારફતે પશુપાલકે સણિયા હેમાદની જમીન વાપરવા તબીબનો સંપર્ક કર્યો હતો
  • તબીબે જમીન વેચવા કાઢતા ખાલી કરવા કહેતા પશુપાલકે જમીન ખાલી કરવા ઇનકાર કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

ઘોડદોડ રોડ પર આવેલી જમનાનગર સોસાયટીમાં રહેતા ૭૧ વર્ષીય મનસુખભાઇ મોહનભાઇ સેંજળીયા વરાછા રોડ ઉપર ઋતા હોસ્પિટલમાં ગાયક્નોલોજીસ્ટ ડોક્ટર તરીકે સેવા આપે છે. મનસુખભાઈએ સારોલી પોલીસ સ્ટેશનમાં સુરેશભાઇ સંગ્રામભાઇ (ધાંધળ) રબારીની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. મનસુખભાઈના નાના ભાઈ હિંમતભાઇનું વર્ષ ૨૦૧૧ માં અવસાન થયું હતું. તેનાથી નાનો હસમુખભાઇ (રહે. ૩૬, સહજપાર્ક રો-હાઉસ, એ.કે.રોડ) બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે. મનસુખભાઈ તથા તેમના નાના ભાઈ હસમુખભાઇએ સણીયા હેમાદના રે.સ.નં.૧૦૭/૧, બ્લોક નં.૧૦૬ વાળી ૫૦૫૯ ચો.મી. ખેતીની જમીન વિજુબેન ઇશ્વરભાઇ ખંડુભાઈ સહિત ૭ જમીન માલિકો પાસેથી રૂપિયા ૧,૦૧,૧૮,૦૦૦ માં ખરીદી હતી.

જમીનના મુળ માલિકોને પુરેપુરી રકમ ચુકવી આપતા ૮ મે ૨૦૧૩ ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જમીન ખરીદ્યા પછી મનસુખભાઈના પરીચીત લવજીભાઇ ડાલીયા (બાદશાહ) મારફતે સુરેશભાઇ સંગ્રામભાઇ (ધાંધળ) રબારીએ તેમનો સંપર્ક કર્યો હતો. સુરેશે પોતે ગરીબ હોવાથી પશુપાલનનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાથી થોડા સમય માટે જમીન પશુઓ બાંધવા વપરાશ કરવા માંગી હતી. અને આ જમીન મનસુખભાઈ કહેશે ત્યારે ખાલી કરી આપશે તેવી ખાતરી અને ભરોસો આપ્યો હતો. વર્ષ ૨૦૨૦ માં મનસુખભાઈ જમીન વેચાણ કરવા માંગતા હોવાથી સુરેશને આ જમીન ખાલી કરવા કહ્યું હતું. સુરેશે એક મહિનામાં બીજી જગ્યા શોધી આ જમીનનો કબજો ખાલી કરી આપીશ તેવું જણાવ્યું હતુ.

ત્યારબાદ કોરોના આવી જતા સુરેશે થોડો સમય આપવા વિનંતી કરતા મનસુખભાઈએ માનવતાના નાતે કોરોના મહામારી હળવી થયા બાદ જમીન ખાલી કરી આપવા જણાવ્યું હતુ. ત્યારપછી પણ જમીન ખાલી નહીં કરતા મનસુખભાઈએ જમીન ખાલી કરવા વિનંતી કરતા સુરેશ અને તેના પરિવારે જમીન ખાલી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. સુરેશભાઇ સંગ્રામભાઇ (ધાંધળ) રબારીએ જમીન પચાવી ગેરકાયદેસર કબજો કરતા તેની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top