SURAT

સુરત એરપોર્ટના હયાત રન-વેનું વિસ્તરણ તો ભૂલી જાવ પેરેલલ રન-વે બનાવવો પણ મુશ્કેલ

સુરત: સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ નામ આપી દેવાયું છે પરંતુ હજુ પણ અહીં વિદેશના મોટા વિમાનોની અવરજવર શક્ય બની નથી, તેના માટે નાનો રન-વે જવાબદાર છે. ઓએનજીસીની પાઈપલાઈનના લીધે ડુમસ તરફ રન-વેનું વિસ્તરણ શક્ય નહીં હોય તંત્ર પેરેલલ રન-વે બનાવવા વિચારણા કરી રહ્યું હતું, પરંતુ તાજેતરમાં એક રિપોર્ટમાં થયેલા ખુલાસા અનુસાર હવે પેરેલલ રન-વે બનાવવો પણ મુશ્કેલ છે. આ તરફ વેસુમાં ઊંચી ઈમારતો હોય હયાત રન-વેનો પૂરતો ઉપયોગ કરી શકાતો નથી, તેથી સુરતમાં વિદેશના મોટા વિમાનો ઉતરે અને વર્લ્ડક્લાસ લેવલનું એરપોર્ટ બને તે સપનું રોળાઈ જાય તેવા સંજોગો ઉભા થાય છે. હવે સુરત એરપોર્ટ પર દેશવિદેશના મોટા બોઈંગ વિમાનો ઉતરે તેમ કરવું હોય તો એક જ વિકલ્પ છે અને તે એરપોર્ટને નડતરરૂપ વેસુની ઇમારતોના બાંધકામને દૂર કરવું.

  • સુરત એરપોર્ટનો ડુમસ તરફનો રન-વે 2905 મીટરથી લાંબો નહીં થાય
  • ઓએનજીસીએ વિમાન લેન્ડિંગ સમયે સેન્સર્સ નાંખી વાઇબ્રેશનની તપાસ કરી સરવે રિપોર્ટ સબમિટ કર્યો
  • ઓએનજીસીની પાઈપલાઈન ડાયવર્ટ કે કલવર્ટ થશે નહીં

સુરત એરપોર્ટના ડુમસ તરફના વર્તમાન-04 રન-વેને 2905 મીટરથી લંબાવી 3810 મીટર કરવાનું ઓએનજીસીની પાઇપ લાઈનને લીધે શક્ય બનશે નહીં. પેટ્રોલિયમ મંત્રાલયના આદેશ પછી ઓએનજીસી દ્વારા સુરત એરપોર્ટના રન-વે પર મોટા (એરબસ, બોઇંગ) અને નાના (એટીઆર, સીઆરજે) કક્ષાનાં વિમાનોના લેન્ડિંગ સમયે ઓએનજીસીની ગેસપાઇપ લાઇન પર કેટલું વાઈબ્રેશન આવી શકે છે, એને લઈ ગ્રાઉન્ડ લેવલ સરવે કર્યો હતો. સેન્સર્સ નાંખી વાઈબ્રેશનની અસર ચકાસવામાં આવી હતી. વર્ષ-2020માં સરવે કરવાનો આપવામાં આવેલો આદેશ ઓએનજીસીએ ભારે રાજકીય દબાણ પછી તાજેતરમાં પૂર્ણ કરી સરકારમાં રિપોર્ટ રજૂ કર્યો હોવાનું એક આરટીઆઇ અરજીના ઉત્તરમાં જણાવ્યું હતું.

કહેવાય છે કે, 3810 મીટરના રન-વે વિસ્તરણ માટે ગેસ લાઇન ડાયવર્ટ કરવી કે કલવર્ટ કરવાની કોઈ વાત કંપનીએ કરી ન હતી. આ એક સૂચન હતું. હેવી ગેસ પાઇપ લાઇન ઉપરથી રન-વે પસાર કરવો શક્ય નથી. કારણ કે, આ ડ્રેનેજ કે પાણીની પાઇપલાઇન નથી. રન-વે વધવાની શક્યતા ધૂંધળી થઈ છે તે જોતાં રન-વેને નડતરરૂપ 27 પ્રોજેક્ટનાં બાંધકામો પણ બચી શકે છે. ઓએનજીસી દ્વારા સબમિટ કરવામાં આવેલા પાઇપલાઇનને લગતા રિપોર્ટની વિગત કંપની દ્વારા સુરત એરપોર્ટ એડ્વાઇઝરી કમિટીની છેલ્લી બેઠકમાં પણ આપવામાં આવી હતી. જેની મિનીટ્સ નોંધ પણ લખાઈ છે.

નવી ઉપાધિ: પેરેલલ રન-વે બનાવવામાં ઓએનજીસીની સાથે જીએસપીસીની ગેસ લાઇન નડશે
સુરત એરપોર્ટના હયાત રન-વેના ઓબ્સટેકલને લીધે જમીન સંપાદન કરી પેરેલલ રન-વે બનાવવાની વાત રજૂ કરવામાં આવી હતી. પરંતુ પ્રાથમિક સરવેમાં એવું જણાયું છે કે, ઓએનજીસીની વેસુ-આભવા લાઇન ઉપર એક્સટેન્શન એરિયામાં ઓએનજીસીનો મુખ્ય વાલ્વ આવી જાય છે. નીચેની ગેસ પાઇપલાઇન રન-વેને નડે છે. આગળ જતાં એરપોર્ટ પરિસરમાં ઓએનજીસી અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટની લાઇન ભેગી થાય છે. એ જોતાં જીએસપીસીની મંજૂરી લેવાનો નવો મુદ્દો ઊભો થશે. બીજી તરફ ઓએનજીસીનો મુખ્ય વાલ્વ એરપોર્ટ પરિસરમાં આવી જશે તો કંપનીને આવવા-જવા માટે રસ્તો આપવો પડશે. અત્યારે વાલ્વ એરપોર્ટ બહાર છે. એ જોતાં પેરેલલ રન-વે માટે ઊંડાણપૂર્વકનો સરવે કરી નિર્ણય લેવો પડે એવી સ્થિતિ ઊભી થઇ છે.

Most Popular

To Top