Editorial

નાના પક્ષોએ કોંગ્રેસના મતો કાપ્યા અને હરિયાણામાં કોંગ્રેસ હારી ગઈ

ભારતની ચૂંટણી વ્યવસ્થા એવી છે કે ભલે બહુમતિ મતદારો તેમને નાપસંદ કરે પરંતુ જો અન્ય ઉમેદવારોની સરખામણીમાં સૌથી વધુ મતો મળે તે વિજેતા બને છે. જે તે સમયે ભારતના બંધારણમાં આ જોગવાઈઓ કરવામાં આવી હતી. આ જોગવાઈને કારણે ભારતમાં હવે ગઠબંધનનું રાજકારણ જ ચાલી રહ્યું છે. હાલમાં દેશમાં એવી સ્થિતિ છે કે કોંગ્રેસે જીતવું હોય તો નાના પક્ષોનો સહારો લેવો જરૂરી છે. ભાજપના મતદારોમાં ભાગલા પડતા નથી અને કોંગ્રેસના મતદારોમાં ભાગલા પડે છે.

કોંગ્રેસની વિચારધારા જેવી વિચારધારામાં માનનારા મતદારોની સંખ્યા વધારે છે પરંતુ આ મતદારો વહેંચાઈ જતાં કોંગ્રેસે હારનું મોઢું જોવું પડે છે. પછી ભલે એક્ઝિટ પોલે અને મોટાભાગના રાજકીય નિષ્ણાંતોએ એમ કહ્યું હોય કે જે તે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે.  વાત હરિયાણાની છે. ખેડુત આંદોલન હોય કે પછી ખેલકૂદમાં થતાં શોષણ સામેનું આંદોલન, હરિયાણાએ મોટો ભાગ ભજવ્યો છે. દિલ્હી અને પંજાબ આપ પાર્ટીના કબજામાં આવી ગયા છે પરંતુ હરિયાણા રાજ્યમાં આપનો ગજ વાગતો નથી. જોકે, આમ આદમી પાર્ટીની એક ખાસિયત છે. જ્યાં તે જીતતી નથી ત્યાં તે કોંગ્રેસને હરાવે છે. આ સિનારીયો અગાઉ ગુજરાતની ચૂંટણીમાં થયો હતો અને હવે તેનું પરિવર્તન હરિયાણાની ચૂંટણીમાં થયું છે.

90 બેઠકો ધરાવતી હરિયાણા વિધાનસભાની ચૂંટણીની જ્યારે શરૂઆત થઈ ત્યારે તમામ લોકો એવું માનતા હતા કે હરિયાણામાં આ વખતે કોંગ્રેસ જ જીતશે. છેલ્લા એક દાયકાથી હરિયાણામાં ભાજપની સરકાર હતી. ખુદ ભાજપ પણ એવું માનતું હતું કે હરિયાણા હાથથી જશે. પરંતુ પરિણામો અલગ જ આવ્યા. ભાજપને ગત વખત કરતાં 8 વધુ એટલે કે 48 બેઠક મળી. જ્યારે કોંગ્રેસને ગત વખત કરતાં 7 બેઠક વધુ એટલે કે 37 બેઠકો મળી. જ્યારે ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)એ બે બેઠક જીતી હતી, જ્યારે અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠક જીતી હતી. જનનાયક જનતા પાર્ટી (JJP) અને AAP બંનેને ચૂંટણીમાં કોઈ સફળતા મળી નહીં.

ભાજપ અને કોંગ્રેસની મત ટકાવારી લગભગ સમાન હતી. ભાજપને 39.94 ટકા વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસને 39.09 ટકા વોટ મળ્યા. જ્યારે આપને 1.75 ટકા મતો મળ્યા. જો આપના મતોને કોંગ્રેસના મતોની સાથે ભેગા કરવામાં આવે તો કોંગ્રેસના મતો ભાજપ કરતાં વધી જાય. આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કેમ નહીં થયું તેના કારણો અલગ અલગ હોઈ શકે પરંતુ કોંગ્રેસ માટે એ જરૂરી હતું કે તેણે નાના પક્ષો સાથે ગઠબંધન કરવું જ જોઈતું હતું. અથવા તો નાના પક્ષોને પોતાની સાથે ભેળવી દેવાની જરૂરીયાત હતી કે જેથી મતો કપાઈ નહીં. હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસની ચોક્કસ જીતની સામે કપાયેલા મતોને કારણે હારનું મોઢું જોવું પડ્યું હતું.

ભૂતકાળમાં ભાજપની પણ એવી હાલત હતી પરંતુ ભાજપે ધીરેધીરે નાના પક્ષોના આગેવાનોને પોતાનામાં સમાવી લઈને નાના પક્ષોને પતાવી દેવાનું અને પોતે મજબુત થવાનું કાર્ય કર્યું હતું. મહારાષ્ટ્રમાં મનસેના આગેવાનોને ભાજપે પોતાની સાથે લઈ લીધા હતા અને તેને કારણે ભાજપ મહારાષ્ટ્રમાં મજબુત પક્ષ બની શક્યો.  કોંગ્રેસ ભલે જમ્મુ-કાશ્મીરમાં જીતનો આનંદ લે પરંતુ ત્યાં પણ કોંગ્રેસની સ્થિતિ સારી નથી. કોંગ્રેસની માત્ર 11 જેટલી જ બેઠક છે. જ્યારે નેશનલ કોન્ફરન્સની 40 બેઠક છે. કોંગ્રેસે ત્યાં નાના ભાઈની ભૂમિકામાં રહેવું પડશે અને ફારૂક અબદુલ્લાની સાથે કામ કરવું પડશે. જે સ્થિતિ કોંગ્રેસ માટે કપરી જ છે.

કોંગ્રેસની જે થિંક ટેન્ક છે તેણે ક્યાં તો નાના પક્ષો સાથે ગઠબંધન કરવાની અથવા તો અન્ય પક્ષના મજબુત આગેવાનોને પોતાની સાથે ભેળવવા પડશે. કોંગ્રેસના હાલના આગેવાનોમાં મોટાભાગના એવા છે કે જે કોંગ્રેસને જીતાડી શકે તેમ નથી. કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ સત્ય સમજી જશે તો મહારાષ્ટ્રની ચૂંટણી જીતશે અન્યથા મહારાષ્ટ્રમાં પણ હરિયાણા જેવી સ્થિતિ થશે તે નક્કી છે.

Most Popular

To Top