Comments

શાળા પ્રવેશોત્સવ : ખાનગીમાં સંચાલકોને, સરકારીમાં અધિકારીઓને

જેમ સમાજમાં ઉત્સવો આવે છે તેમ સરકારમાં પણ ઉત્સવો આવે છે. જૂન મહિનો એ પહેલેથી શિક્ષણના નવા વર્ષની શરૂઆતનો મહિનો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ‘કન્યા કેળવણી રથ’ શરૂઆતમાં ‘પ્રવેશોત્સવ’ પછી ‘ગુણોત્સવ’ એ ઉત્સવો શરૂ કરેલા. જો કે આ બધા જ કાર્યક્રમો માત્ર સરકારી પ્રાથમિક શાળાઓ પૂરતા જ મર્યાદિત છે. વર્તમાનપત્રો અને ચેનલો આ ઉત્સવોની ચર્ચા એવી રીતે કરે છે કે જાણે આખા ગુજરાતના શિક્ષણ જગતમાં તે યોજાતો હોય ના! શિક્ષણ ટ્રેનિંગ, શિક્ષકોનું ગુણવત્તા પરીક્ષણ, પરીક્ષા, પ્રવેશોત્સવ, ગુણોત્સવ (જૂના સમયનું ઇન્સ્પેકશન) આ બધું જ સરકારી શાળાઓમાં જ થાય છે.

સરકાર ખાનગી શાળાનાં શિક્ષકો કે શાળા 2 માંથી એકેયનું ગુણવત્તા પરીક્ષણ કરતી નથી. જેમાં ગુજરાતનાં નગરો, મહાનગરોના સંપન્ન વર્ગના 90% થી વધારે બાળકો ભણે છે. રાજકારણમાં ‘પ્રવેશોત્સવ’ ગમે ત્યારે યોજાય છે, જે અત્યારે મહારાષ્ટ્રમાં ઉજવાઇ રહ્યો છે. શિક્ષણમાં જે પ્રવેશોત્સવ ઉજવાય છે, તેનાં 2 દૃશ્યો સામે આવ્યાં છે. આમ તો ઉપર જણાવાયું તેમ ખાનગી પ્રાથમિક શાળાઓ કે જે મોટે ભાગે ઇંગ્લીશ મિડિયમ છે, તેમાં સરકાર પ્રવેશોત્સવ ઉજવતી નથી પણ છેલ્લાં વર્ષોમાં ગુજરાતનાં સંપન્ન પરિવારોને ઇંગ્લીશ મિડિયમનું જે ઘેલું લાગ્યું છે તથા ‘સરકારી શાળામાં તો બાળકો ભણાવાતાં હશે’ એવી જે માનસિકતા પ્રવર્તે છે, તેને ખાનગી સ્કૂલનાં સંચાલકોને ‘ઘી – કેળાં મહોત્સવ’ કરાવી દીધો છે.

અધૂરામાં પૂરું સરકારી શાળાઓની ભૌતિક હાલત દિનપ્રતિદિન બગડતી રહી. છેલ્લાં વર્ષોને બાદ કરતાં શિક્ષકો વગર જ શાળા ચાલતી રહી, એટલે ખરો પ્રવેશોત્સવ તો આ ખાનગી શાળાના સંચાલકો જ ઉજવવા લાગ્યા છે. શિક્ષણમાં સંખ્યા એ નફાનો કારક છે. જો કોઇ સંચાલક પહેલાં 5 વર્ષ શિક્ષણ ઉપર ધ્યાન આપે તો પછી સ્કૂલ આખી જિંદગી તેને 7 પેઢી કમાય એટલું રળી આપે. આ વ્યવસાય ‘આંધળી આવક’ શબ્દ પ્રયોગ સમજવામાં મદદ કરે છે.

વિચારો 100 બાળકો પ્રવેશ લે છે. જે પ્રવેશ ફોર્મના 100, પ્રવેશ ફી ના 500, શિક્ષણ ફી મહિને માત્ર 250 લેખે ગણો તો પણ વરસના 3000, ઇતર ફી માત્ર વરસે 1000 ગણો તો પણ કુલ 5000 થાય. તો 100 વિદ્યાર્થીના 5 લાખ. હવે જ્યાં મહિને 1000 ફી હોય, શાળામાં 500 થી 1000 છોકરા હોય ત્યાં આ આવકો શું હશે? એમાંય જે શાળા પુસ્તકો વેચે, ડ્રેસમાં કમિશન મેળવે, ટુર્સ ગોઠવે, વાર્ષિકોત્સવના રૂપિયા ઉઘરાવે તે કેટલું કમાતી હશે? મોટાં શહેરોમાં તો 5000 થી 5 લાખના ડોનેશન લેવાય છે, જે પ્રવેશોત્સવને આનંદમય બનાવે છે. સંચાલકો આ ઉત્સવ બરાબર ઉજવે છે અને વળી તેમને ખર્ચ પણ કરવાનો હોતો નથી. આજે સામાન્ય શાળાઓમાં વાલી – વિદ્યાર્થી દીઠ સત્રની શરૂઆતમાં 25 હજાર મિનીમમના ખર્ચે છે. જરા વિચારો તો ખરા! સ્કૂલ ડ્રેસવાળા, સ્ટેશનરીવાળા, પુસ્તકોવાળા વરસમાં 2 જ મહિના ધંધો કરે છે, છતાં તેઓ આખા વરસનું કમાય છે. તો કમાણી કેટલી હશે?

ખાનગી શાળાઓમાં પ્રવેશની મોસમ એ કમાણીની મોસમ છે. તો સરકારી શાળામાં પ્રવેશોત્સવ અધિકારીઓને ફરવાની, નેતાઓને ફોટા પડાવવાની અને સરકારને જાહેરાતની મોસમ બનતી જાય છે. અગાઉ નહોતી છપાતી એટલી મોટી ‘પ્રવેશોત્સવ’ની જાહેરાતો આ વખતનાં છાપાઓમાં છપાય છે. તેમાં ઘણાને ગુજરાતમાં ‘AAP’ની અસર દેખાય છે. શિક્ષણ ફી અને શિક્ષણની ગુણવત્તા આ વખતે ગુજરાતના રાજકારણમાં મહત્ત્વનો મુદ્દો બનશે તેવું લાગે છે, પણ આપણે વાત કરવી છે સરકારી પ્રવેશોત્સવના જમીન પરના અનુભવોની. સરકારે પ્રવેશોત્સવ ઉજવવાની અને ખાસ તો અસરકારક રીતે ઉજવવાની જાહેરાત કરી છે. એટલે અધિકારીઓ દોડતા થઇ ગયા છે. પ્રવેશની કાર્યવાહી હજુ તો શરૂ જ થઇ છે અને 100 % પ્રવેશના આંકડા છપાવવા માંડયા છે પણ જાહેરાતોમાં લાખો રૂપિયા ખર્ચનારું તંત્ર શાળા કક્ષાએ પ્રવેશોત્સવના ખર્ચ માટે શું આપે છે?

જ્યાં સ્થાનિક નેતાઓ થોડા જાગૃત અને ઉત્સાહી છે, ત્યાં શાળા પ્રવેશોત્સવના વાસ્તવિક ખર્ચા માટે આર્થિક સગવડ થાય છે. પણ ઘણાં બધાં ગામડાંમાં તો અધિકારીઓ સીધો શાળાનાં શિક્ષકોને જ ઓર્ડર કરતા જોવા મળ્યા છે. શાળામાં શણગાર, અધિકારીઓ, મહેમાનોની આગતાસ્વાગતા, ભોજનનો ખર્ચ – આ બધું જ કાં તો શિક્ષકોએ ઉઠાવવાનું અથવા ગામમાંથી ઉઘરાણું કરવાનું! પ્રવેશોત્સવના ભોજન સમારંભોની ગુણવત્તાના સમાચારો પણ છાપામાં આવવા માંડયા છે. શાળામાં તમામ કામગીરી વિદ્યાર્થીઓ પાસે કરાવવાના ફોટા પણ વાયરલ થવા માંડયા છે. ખરી કરુણતા એ છે કે રાજકીય નેતાઓ, અધિકારીઓ, પ્રવેશોત્સવના મુખ્ય મહેમાનો પોતાનાં સંતાનો (અથવા પૌત્ર, પૌત્રીઓ)ને સવારે ખાનગી શાળામાં એડમિશન અપાવી ગરીબ – મજૂરોનાં બાળકોના સરકારી શાળામાં પ્રવેશોત્સવમાં ભાષણ કરવા પહોંચી જાય છે. એમને શરમ પણ નથી આવતી!

સરકારે શાળામાં બાળકો ભણવાની શરૂઆત કરે તેને ‘પ્રવેશોત્સવ’ નામ આપ્યું છે તે સરસ વાત છે. શિક્ષણની શરૂઆત ‘ઉત્સવ’ જ છે! આ જ ખરો તહેવાર છે એમાં બે મત નથી પણ એ ઉજવણીના નામે છાપામાં કરોડોની જાહેરાતો, અધિકારીઓની ગાડીઓના પેટ્રોલ – ડીઝલના ધુમાડા, મફતિયા ભોજન સમારંભો અને દંભથી લથપથ પ્રવચનોની કોઇ જરૂર નથી. ખરેખર શિક્ષણને કોઇ પ્રચારની જરૂર નથી. સરકારી શાળાઓ સુવિધાપૂર્ણ હોય, શિક્ષકો પૂરતી સંખ્યામાં ભરતી થયેલાં હોય, શિક્ષણસહાયક સામગ્રી ઉપલબ્ધ હોય એ પ્રવેશોત્સવનું મુખ્ય હાર્દ હોવું જોઇએ! 10 હજાર પ્રવાસી શિક્ષકોની ભરતી રાતોરાત કરવી પડે છે.

તે જ બતાવે છે આપણે માત્ર ‘જાહેરાત’માં રસ લઇએ છીએ, ખરી શિક્ષણવ્યવસ્થામાં નહીં!
આપણે પ્રાથમિકથી જ અંગ્રેજી ભણાવવાનું નક્કી કર્યું છે. તો અંગ્રેજી ભણાવી શકે તેવાં શિક્ષકો તમામ પ્રાથમિક શાળામાં છે? તે અત્યારે સુનિશ્ચિત થવું જરૂરી છે. સરકારે શિક્ષણની સુવિધા પૂરી પાડવાની છે. ઉત્સવ તો બાળકને ઉજવવાનો છે, શિક્ષણ મેળવીને! આ તો આપણી ગ્રામ પરમ્પરામાં કોઇ તહેવારના દિવસે મેળો ભરાય ત્યારે 2 – 3 દિવસ માટે ફુગ્ગાવાળા, પીપુડાવાળા, ચકડોળવાળા, નાસ્તાવાળા, રમકડાં, કાપડ વગેરે વેચનારા અસ્થાયી બજાર ઊભું કરી દે તેમ આપણી શાળાઓમાં એક આપાતકાલીન ઉત્સવનો માહોલ સર્જાય છે અને પછી હતા ત્યાં ને ત્યાં!
‘ખાલી ખાલી ખૂરસીયા હૈ
ખાલી ખાલી તંબૂ હૈ
ખાલી ચિડિયાકા બસેરા હૈ
ન તેરા હૈ… ન મેરા હૈ…
છેલ્લે,
ગુજરાતનાં ગામડાંની શાળાઓમાં પ્રવેશોત્સવ પત્યા પછી જે કચરો પડયો હોય, તે સાફ કરાવવાનું પણ તંત્ર વિચારે તો સારું! બાકી ‘વિદ્યાર્થીઓ ભણશે કયાં?’

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top