Business

મનુષ્ય જાતમાંથી સંવેદના વિદાય લઇ રહી છે?

મનુષ્યના જીવનમાં જો દિવસો ઊગે અને આથમે પરંતુ મનુષ્યમાં કોઇ વૈચારિક પરિવર્તન આવતું જ ન હોય તો તે જીવનને જીવન કહી ન શકાય ને? ક્ષણેક્ષણે નવું જો જીવનમાં ઉમેરાતું રહે અને વાસી વિચારો દૂર થતા રહે તો તે જીવન સાર્થક જીવન ગણાય. બહુધા માણસો જૂના વિચારોમાં જ પોતાનું જીવન પૂરું કરી દે છે. જેઓ વિચારોમાં થીજી ગયા છે તેઓને પ્રવાહી રાખવા એ કામ સરળ નથી. આવા માણસો શરીરથી જીવે છે પરંતુ અંદરથી તો તેઓની મરણની પ્રક્રિયાઓ શરૂ થઇ ગઇ હોય છે.

મનુષ્યનું મન જ મનુષ્યને સ્વસ્થ પણ રાખી શકે છે અને મન જ માણસને દુર્બળ પણ કરી શકે છે. એવા કેટલાય લોકો છે કે જેઓના મનમાં સમય પ્રમાણે નવા વિચારો ગોઠવાયા જ નથી. નવી વ્યવસ્થા, નૂતન વિચારો તેઓથી દૂર છે તેથી એ બધું મનમાં તેઓને ઊતરતું જ નથી. માત્ર શ્વાસ લેવો અને જીવવું એ જ કંઇ જીવતા છીએ તેનું પ્રમાણપત્ર નથી. નવા યુગમાં રહેનારા પણ જૂના મનથી જીવે છે તેથી તેઓને બધું જ બગડી ગયું છે તેવું લાગ્યા કરે છે. હકીકતમાં તો આવા લોકો મનથી તો મૃત્યુ પામેલા જ છે પરંતુ શરીરથી જીવ્યા કરે છે. આવા જીવતા શબો પ્રત્યેક સમાજમાં અત્રતત્ર જોવા મળે છે.

હું જીવું છું તેવી પ્રતીતિ હરપળે જેઓ અનુભવે છે તેઓ નસીબવાળા છે. જીવનમાં જીવવાનો ધબકાર અનુભવાય તે સાચું જીવન છે. આ જીવવાનો ધબકાર ધીમે ધીમે શાંત થતો જાય છે. મનુષ્ય જીવે છે તેથી હરીફરી શકે છે, બોલી શકે છે પરંતુ જીવન જે ઉત્તમ આનંદથી જવું જોઇએ તે આનંદ જ તેના જીવનમાં રહ્યો નથી. આનંદને શોધવા આજનો માણસ વિવિધ માધ્યમોનો સહારો લે છે. આ સ્થિતિ કંઇ ભારતદેશની જ નથી પરંતુ સંપન્ન વિશ્વના ઘણા દેશોમાંના લોકોની પણ આ જ સ્થિતિ જોવા મળે છે.

નૂતન વર્ષો તો જીવનમાં આવ્યાં કરશે અને ચાલી પણ જશે પરંતુ કોઇના દુ:ખે દુ:ખી અને કોઇના સુખે સુખ અનુભવે તેવું જીવન જેઓ જીવે છે તે જીવન જ સાર્થક જીવન ગણાય છે. અખબારોના પાને વિશ્વના અમુકતમુક દેશમાં આટલા લોકો અગ્નિથી મરી ગયા કે ડૂબી ગયા એવા સમાચારો રોજરોજ વાંચતા આજનો માણસ બીજી જ ક્ષણે ચાનો ઘૂંટડો પી શકે છે. સમાચાર સાથે જાણે તેને નિસ્બત જ નથી. માનવીય સંવેદના ધીમે ધીમે મનુષ્યના હૃદયમાંથી ઓસરતી જાય છે. નવા વર્ષમાં આવા મુદ્દા પર વિચાર કરવાનો પણ આપણી પાસે સમય નથી. સમગ્ર મનુષ્ય જાતમાંથી સંવેદના વિદાય લઇ રહી છે તેનું સર્જન અણુબોંબ, નાગાસાકી, હીરોશિમા કાંડ ગણાવી શકાય છે. માનવીય સંવેદનાનો સુકાળ આવે તેવી આશા રાખીએ ને?

Most Popular

To Top