Business

સાધનાને સંયમથી શણગારીએ

આજે સંસારમાં જોઇએ તો માનવ તો શું સાધક પણ સંયમને તોડીને અસંયમી જીવન જીવે છે. એને મુખ મળ્યું છે મધુર વચન અને સંયમથી, વિવેકથી બોલવા માટે પરંતુ આજે તેની વાણીમાં સંયમ રહ્યો નથી. તે વાચાળ બની ગયો છે. ઇચ્છાઓનો દાસ બની ગયો છે. આશંકાઓના મૃગજળમાં ફસાયો છે. આદિકાળમાં માનવ સંયમી જીવન જીવતો હતો એટલે કે તે કર્મેન્દ્રિયોનો રાજા હતો. એની કોઇ પણ ઇન્દ્રિય ચલાયમાન થતી નહોતી પરંતુ સમયની સાથે સાથે માનવનું જીવન બદલાતું ગયું.

કર્મેન્દ્રિયોએ આંધીની જેમ એને ભવસાગરમાં અટવાવીને અનેક તૃષ્ણાઓનો ગુલામ બનાવી દીધો. શકિતહીન બનાવી દીધો. ભગવાનથી દૂર થઇ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારના વિકારોરૂપી મરૂભૂમિમાં અટવાઈ જઇ અશાંતિ અને અસહાયતા અનુભવવા લાગ્યો એટલે વખતોવખત ‘સંયમી સાધકોએ’ જીવનને સંતુલિત રાખવા માટે માનવને સંયમ- નિયમના કેટલાક ઉપાયો સમજાવ્યા અને ઉપદેશ આપ્યો કે સંયમી જીવન જ સુખ-શાંતિ અને સંતુષ્ટતાથી ભરપૂર છે. આવા સંયમી સાધકો આધ્યાત્મ પથના રાહીઓએ શ્રેષ્ઠ ઇશ્વરીય જ્ઞાનને જીવનમાં ધારણ કરવું પડે.

વાણીને વશમાં રાખવી પડે. જયાં જેટલી જરૂર હોય તેટલા જ શબ્દોનો ઉપયોગ કરવો જોઇએ. અર્થાત્ દસ શબ્દોની જરૂર હોય ત્યાં બે શબ્દથી કામ ચલાવવું જોઇએ. તો અનેક વ્યર્થ વિચારોથી મુકિત મળે અને આવું વ્યર્થ વિચારોથી મુકત મન જ પ્રભુચિંતનમાં સહજ લાગે છે. વધુ પડતું બોલનારનું મન પ્રભુપ્રેમનો અનુભવ કરી શકતું નથી. કહેવાયું છે કે  જીભ બોલવાનું તેમ જ સ્વાદ લેવાનું કામ કરે છે એટલે ખાન-પાન ઉપર પણ આપણો સંયમ હોવો જરૂરી છે. જો તેમ ન થાય તો આ જીભ સાધકને ખાન-પાનના રવાડે ચઢાવી દે છે અને પ્રભુના દિવ્ય ગુણોના રસાસ્વાદથી દૂર કરી દે છે એટલે સાધકે શુધ્ધ સાત્ત્વિક ભોજન ઇશ્વરની યાદમાં જ સ્વીકારવું જોઇએ. જે થકી પ્રભુ આનંદમાં લીધેલું ભોજન બ્રહ્મભોજન બની રહે છે.

નિયમ પર અનેક લોકો ચાલે છે પણ સંયમ પર તો થોડા સાધકો જ ચાલી શકે છે. કેટલાક સાધકો સંયમને આજે અધવચ્ચેથી જ છોડીને સંસારમાં અટવાય જાય છે. આવા સાધકો સદગતિને પામતા નથી એટલે સાધકે પોતાના જીવનને પરમ પિતા પરમાત્મા શિવની તપસ્યાથી તપાવવું જોઇએ અને સંસારમાં સંયમનો પ્રકાશ ફેલાવીને સદગતિ પ્રાપ્ત કરવી જોઇએ.

જે સાધકે કર્મેન્દ્રિયોને પૂરી વશ કરી લીધી છે તે સાધક સંસારમાં બાદશાહ છે. મહાવીર છે, અંગદ છે. એવા સાધકના જીવનમાં પવિત્રતાનો બાગ દિવ્ય ગુણોના પુષ્પોની સૌરભથી મહેકે છે. જો સાધક પવિત્રતાના સંયમને તોડે છે તો તે પવિત્રતાના બાગને સળગાવીને ઉજજડ બનાવે છે અને આવા સાધકો સંસારની ટીકાટિપ્પણીથી વ્યાકુળ બની જાય છે અને ન કરવાનાં કામો કરી બેસે છે.પવિત્રતાના સંયમમાં રહેનારા સાધકોનું જીવન ત્યાગ અને તપસ્યાથી મહેકી ઊઠે છે. વૈરાગ્ય એનો સાથી છે. સંસારની કોઇ પણ આસુરી શકિત યા તોફાન સાધકને ડગાવી શકતું નથી. તે અંગદની જેમ આગળ વધતો જાય છે. પરમાત્માના સાંનિધ્યનો અનુભવ કરી તે પરમ શાંતિ અને પરમ આનંદને પ્રાપ્ત કરી અનુભવી  બનતો જાય છે અને જગતમાં પૂજનીય બની જાય છે.

સાધકે ચર્મચક્ષુથી નહીં પરંતુ જ્ઞાનચક્ષુથી સદા જાગૃત રહી પરમાત્માના દર્શન કરતા રહેવું જોઇએ. બીજાઓને આત્મિકભાવ, સાક્ષીભાવથી જોવા જોઇએ. તે અન્યોના અવગુણોને કાનો દ્વારા સાંભળશે નહીં. ઇશ્વરીય સત્સંગના મહાવાકયો જ સાંભળી મનન- ચિંતન કરશે. જે થકી જીવનમાં દિવ્યતા આવે છે. આવો સંયમી સાધક સંસાર માટે દર્પણ સમાન છે તેમ જ દિવ્ય ગુણોથી શણગાર સજેલો હશે. જેને જોઇને સામી વ્યકિત સહજભાવે મનથી ઝૂકી જાય છે અને તે સાધકના પથ પર ડગ ભરવા અન્ય માનવીઓ પણ પ્રેરણા લે છે.

સંયમી સાધક સાધનાના બળે જીવનની ચડતી-પડતીથી કયારેય ડરતો નથી. સંઘર્ષોથી ગભરાતો નથી. સમસ્યાઓનો  નિર્ભયતાથી સામનો કરતા આગળ પ્રગતિ કરતો જાય છે. અપમાનથી ગભરાતો નથી. મહિમા સાંભળીને રોકાતો નથી. પરમાત્માએ આપેલા ‘વિજયી ભવ’ના વરદાનને ગળાનો હાર બનાવી સફળતા તરફ પ્રયાણ કરતો રહે છે. સંયમી સાધક સહનશીલ, સત્યવાદી અને સમર્થવાન હોવાને લીધે સર્વસ્વ પ્રભુને સમર્પણ કરીને સિધ્ધિઓનાં સોપાન સર કરતો અન્યો માટે પથદર્શક બની દુ:ખ-અશાંતિ, પાપાચાર-ભ્રષ્ટાચારના કળિયુગી પહાડને દૂર કરી સુખ-શાંતિ, પવિત્રતાવાળી સ્વર્ગીય સૃષ્ટિને જલ્દીથી આ ધરા ઉપર લાવવા શુભ ભાવના અને શુભકામનાઓ સાથે પ્રભુચિંતનની મસ્તીમાં મસ્ત ફકીર બની પુરુષાર્થ કરતો આગળ વધતો રહે છે. આત્મબંધુ, આવો આપણે પણ આવા સંયમી સાધકો પાસેથી પ્રેરણા લઇને આત્મચિંતન કરી પરમાત્મા પાસેથી સુખ-શાંતિનો ખજાનો પ્રાપ્ત કરી, પવિત્રતાના રાહ પર ચાલતા રહીએ અને મિત્ર-સંબંધીઓને પણ આ માર્ગ પર ચાલવા પ્રેરણાસ્ત્રોત બની રહીએ અને સંયમી જીવન જીવી અન્યોને પણ જીવવા માટે પ્રેરણાદાયી બની રહીએ.
ઓમ શાંતિ….

Most Popular

To Top