Business

જ્ઞાની મારો આત્મા

ગત બે અંકોમાં જ્ઞાનીનો વિશેષ મહિમા સમજ્યા. હવે ભગવાન જ્ઞાનીને પોતાનો આત્મા કેમ કહે છે તે જાણીએ.  સમસ્ત વિશ્વમાં સરસ્વતીના આરાધકો અર્થાત્ છાત્રો તો ઘણાં પરંતુ સરસ્વતીને જ્યાં કૃપા કરવાની ઇચ્છા થાય એવા છાત્રો તો જૂજ જ મળે. ગલીમાં ધોકાથી લઈને વિશાળ મેદાનોમાં ક્રિકેટ રમનારાઓની સંખ્યા અઢળક પરંતુ સર્વશ્રેષ્ઠતાની શ્રેણીમાં તો સચીન જેવા કોઈક જ આવે.  એ જ રીતે સમગ્ર ભૂમંડળમાં ભગવાનની ભક્તિ કરનારા ભક્તો તો અસંખ્ય પરંતુ ભગવાન સ્વયં જે ભક્તને પોતાનો આત્મા કહે, એ ભક્તની ભક્તિની પરાકાષ્ઠા કહેવાય.  આપણે પૂર્વે “આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી તેમજ જ્ઞાની” એમ ચાર ભક્તોના પ્રકાર જાણ્યા. જ્ઞાનીની સર્વોત્કૃષ્ટતા  ગાતાં ભગવાન કહે છે,

“उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।
आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ।।” (७/१८)
અર્થાત્ સર્વ ભક્તો ઉત્કૃષ્ટ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે, કારણ કે તેની સર્વે ઈન્દ્રિયો માત્ર અને માત્ર એક મારામાં (પરબ્રહ્મમાં) સ્થિત છે.” અહીં ત્રણ બાબત પ્રભુ શીખવે છે. એક, સર્વાદર ભાવનાથી સૌને બિરદાવવા. ભલે જ્ઞાની સર્વોત્કૃષ્ટ ગણાવ્યા હોય પરંતુ અન્યની પણ પ્રશંસા જોવા મળે છે. બીજું, જ્ઞાની ભક્તો પ્રતિ પોતાનો અતુલ્ય પ્રેમ અને કયાં કારણથી જ્ઞાની પ્રભુનાં આત્મા, પ્રિય છે તેની સ્પષ્ટતા. ૭/૩ શ્લોકમાં ભગવાન જણાવે છે કે, “અનેક મનુષ્યોમાં ભગવત્યપ્રાપ્તિ માટે કોઈક જ પ્રયત્ન કરે છે અને એવા અનેક પ્રયત્નશીલ સાધકોમાંથી કોઈક જ મને જાણી શકે છે.”

કદાચ, ઉપરોક્ત શ્લોકમાં ભગવાને જ્ઞાની ભક્તને જ મનમાં રાખીને ઉપદેશ આપ્યો હશે જે ૭/૧૮માં સ્પષ્ટ શ્લોકોમાં ઉદઘાટિત કર્યો. ભગવાન સ્વામિનારાયણ પણ જ્ઞાની ભક્તની સર્વશ્રેષ્ઠતા જણાવતાં કહે છે, “શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે?” પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં.

પછી શ્રીજીમહારાજ બોલ્યા કે, “જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી. અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી; તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે, તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારુ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે.” માત્ર પરમાત્મામાં આસક્તિ અને જગતથી સંપૂર્ણ વિરક્તિ એ જ્ઞાનીનું અદ્વિતીય લક્ષણ અને વિશેષતા છે. જ્ઞાની પૂર્ણ નિર્માની ભક્ત હોય છે. અહંકારનો લેશ પણ તેને સ્પર્શે નહિ. નાના હરિભક્તનો પણ તે મહિમા વિશેષ સમજે જેથી દાસત્વભક્તિ પણ તેને સહજ સિદ્ધ હોય છે.

આ બાજુ જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિશેે મોટી ખોટ છે અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દૃઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દીનવચન બોલાય નહીં તો એ પણ એને વિશેે મોટી ખોટ છે. જગતનાં કનક, કામિની અને કીર્તિની કામનાથી નહીં પરંતુ માત્ર કીરતારના કીર્તનથી જ જ્ઞાનીનું જીવન વીતે છે. તેને એક માત્ર પ્રભુમાં જ રસ હોય છે. વિશ્વવંદનીય વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની અકિંચન સાધુતાની યશોગાથા જ્ઞાનીની પ્રત્યેક શાસ્ત્રોમાં ગુંથેલી પરિભાષાઓને જીવનમાં જીવવા માટે બોધ આપનારી ‘માર્ગદર્શિકા’ સમાન છે.

તા. ૬/૮/૧૯૯૪ દરમ્યાન યુરોપમાં ‘પ્રાગ’ શહેરમાં સૌ ભક્તો શહેરમાં ખ્યાતનામ સ્થળની મુલાકાત માટે જતા હતા પરંતુ પ્રમુખસ્વામી મહારાજ  સાથેના સેવક ભક્ત ટપાલની સેવા હોવાથી  રોકાયા હતા. તેમને પણ જવા મળે એ ઉમદા હેતુથી બાપાએ કહ્યું : “તમારે જવું હોય તો જજો. ટપાલ અહીં આપતા જજો.” પરંતુ ભક્તે કહ્યું, “મને ત્યાં જવામાં રસ નથી.” ત્યારે જ બાપાએ જાણે શા માટે ગીતામાં જ્ઞાની ભક્તને વખાણ્યા હશે. એેણે ઘટસ્ફોટ કરતાં પ્રત્યુત્તર આપ્યો કે “આપણનેય કશાયમાં રસ નથી, એક ભગવાન સિવાય.” હા, આ જ્ઞાની ભક્તની વિશેષતા છે. એક ભગવાન સિવાય બધેથી વૃત્તિઓનો નિરોધ તેમને સહજ હોય છે. તો ચાલો, આ ગીતાયાત્રામાં પ્રસ્તુત શ્લોકકથિત “જ્ઞાનગતિ”ને પ્રાપ્ત કરી ‘પરમધામ’નું ફળ મેળવીએ.

Most Popular

To Top