Columns

વિજ્ઞાનીઓએ ‘ગોડ પાર્ટિકલ’ની શોધ કરી તેનાથી ધર્મગુરુઓએ ડરવાની જરૂર નથી

ઇશ્વરે જો આ દુનિયાની રચના કરી હોય તો એ કેવો બુદ્ધિમાન હશે કે આજે કરોડો વર્ષો પછી હજારો વિજ્ઞાનીઓ ભેગાં મળીને પણ એ રચનાને સમજી અથવા સમજાવી શકતા નથી. આજથી લગભગ અડધી સદી પહેલાં બ્રિટીશ વિજ્ઞાની પિટર હિગ્ગ્સે અને ભારતીય વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝે એવી થિયરી રજૂ કરી હતી કે એક પરમાણુ કરતાં પણ નાનો કણ છે, જે પદાર્થના દળ માટે જવાબદાર છે. વિજ્ઞાનીઓ દ્વારા આ કણને ‘હિગ્ગ્સ-બોસોન પાર્ટિક્લ’ એવું નામ આપવામાં આવ્યું હતું. ૫૦ વર્ષ પછી આ કણને પ્રયોગશાળામાં પ્રોટોનમાંથી છૂટો પાડવાનો દાવો વિજ્ઞાનીઓએ કર્યો છે. ઇશ્વરે જે બ્રહ્માંડની રચના કરી હશે તેને સમજવાની દિશામાં આ પહેલું પગથિયું છે, પણ હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે.

વિજ્ઞાનીઓના મતે આજથી આશરે ૧૩.૭ અબજ વર્ષ પહેલાં ‘બીગ બેન્ગ’નામનો ધડાકો થયો અને આપણા બ્રહ્માંડનો જન્મ થયો ત્યારે તેમાં આ ‘હિગ્ગ્સ-બોસોન’પાર્ટિકલની ભૂમિકા બહુ ચાવીરૂપ હતી. આ કણને શોધવા માટે દુનિયાના ટોચના વિજ્ઞાનીઓ ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડની સરહદે જમીનથી ૧૦૦ મીટર ઊંડે ભોંયરામાં ખોદવામાં આવેલી પ્રયોગશાળામાં ચાર વર્ષથી પ્રયોગો કરી રહ્યા હતા. આ પ્રયોગો કરવા માટે ૨૭ કિલોમીટર લાંબું દુનિયાનું સૌથી મોટું ‘પાર્ટિકલ એક્સલરેટર’પૃથ્વીના પેટાળમાં બનાવ્યું હતું, જેથી પ્રયોગશાળામાં બહારનાં કિરણોત્સર્ગની કોઇ અસર ન થાય. આ પ્રયોગોમાં ભારતના પણ આશરે ૧૦૦ વિજ્ઞાનીઓ સામેલ હતાં. તેમણે ભેગાં મળીને જે કણ શોધી કાઢ્યો છે એ ‘હિગ્ગ્સ-બોસોન’કણ હોવાની શક્યતા બહુ ઉજળી છે. એકવીસમી સદીની આ સૌથી મોટી વૈજ્ઞાનિક શોધ માનવામાં આવે છે.

આજના પદાર્થ વિજ્ઞાનમાં ‘હિગ્ગ્સ-બોસોન’કણનું મહત્ત્વ સમજવા માટે આપણે ‘પાર્ટિકલ ફિઝીક્સ’નામે ઓળખાતી વિજ્ઞાનની શાખામાં ડોકિયું કરવું પડશે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં ગ્રીકમાં થઇ ગયેલા તત્ત્વચિંતક ડેમોક્રિટસે એવું સૂચન કર્યું હતું કે આપણું વિશ્વ અબજો સૂક્ષ્મ કણોનું બનેલું છે, જેને તેણે ‘એટમ’એવું નામ આપ્યું હતું. ઇ.સ.૧૮૦૨ ની સાલમાં જોહન ડાલ્ટન નામના અંગ્રેજ વિજ્ઞાનીએ ‘એટમ’ની અને તત્ત્વોની આધુનિક થિયરી રજૂ કરી હતી.

ઇ.સ. ૧૮૯૭ ની સાલમાં બ્રિટનના વિજ્ઞાની જોસેફ થોમ્પસને ઋણ વીજભાર ધરાવતાં ઇલેક્ટ્રોનની શોધ કરી એ ભૌતિકશાસ્ત્રની ઘણી મોટી શોધ હતી. ઇ.સ.૧૯૧૯ માં ન્યુઝીલેન્ડના વિજ્ઞાની અર્નેસ્ટ રૂધરફોર્ડે શોધી કાઢ્યું કે પ્રત્યેક ‘એટમ’માં એક નાભિ (ન્યુક્લિયસ) હોય છે, જેમાં ધન વીજભાર ધરાવતો પ્રોટોન હોય છે. આ નાભિની આજુબાજુ ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોન્સ ફરે છે. ઇ.સ.૧૯૩૨ માં શોધાયું કે ‘એટમ’ની નાભિમાં ન્યુટ્રોન પણ હોય છે, જે વીજભારરહિત હોય છે, પણ દળ (માસ) ધરાવતો હોય છે. ઇ.સ.૧૯૩૨ માં ઇલેક્ટ્રોનનો વિરોધી પોસીટ્રોન શોધાયો, જે ધન વીજભાર ધરાવે છે, પણ દળ ધરાવતો નથી. ઇ.સ.૧૯૩૪ માં ઇટાલીના વિજ્ઞાની એનરિકો ફેરમીએ ‘ન્યુટ્રિનો’નામનો કણ શોધી કાઢ્યો, જે કોઇ વીજભાર કે દળ પણ ધરાવતો નથી. ઇ.સ.૧૯૫૦ ના દાયકામાં ‘પાર્ટિકલ એક્સલેરેટર’નામના સાધનની શોધ કરવામાં આવી, જેના થકી ‘એટમ’ના બંધારણ માટે જવાબદાર ૧૧ અલગ અલગ કણો શોધી કાઢવામાં આવ્યા.

ઇ.સ.૧૯૬૪ માં બ્રિટીશ વિજ્ઞાની પિટર હિગ્ગ્સે એવી થિયરી રજૂ કરી કે ‘બિગ બેન્ગ’વખતે બ્રહ્માંડમાં જે પદાર્થ અસ્તિત્વમાં હતો, એ ઊર્જાના સ્વરૂપમાં હતો, પણ તેનું કોઇ દળ નહોતું. બિગ બેન્ગની કેટલીક ક્ષણો પછી એક નવતર કણ પેદા થયો, જેણે આ બધા કણોને દળ આપ્યું. આ દળદાર કણોમાંથી પછી સૂર્ય, ચન્દ્ર, તારાઓ, ગ્રહો, પૃથ્વી, પહાડો, નદીઓ વગેરેનું સર્જન થયું. આ કણને ‘હિગ્ગ્સ-બોસોન’નું નામ આપવામાં આવ્યું, પણ તેને કોઇએ છૂટો પાડ્યો નહોતો. આ કણ ભૌતિકશાસ્ત્રની દૃષ્ટિએ ૧૨ મો કણ હતો, પણ બાકીના ૧૧ કણના અસ્તિત્વનો પાયો હતો. અત્યાર સુધી બાકીના ૧૧ કણો પ્રયોગશાળામાં પેદા થઇ શક્યા હતા, પણ હિગ્ગ્સ-બોસોન કણને પેદા કરવામાં સફળતા મળતી નહોતી.

યુરોપની પ્રયોગશાળામાં વિજ્ઞાનીઓએ પ્રોટોન કણોને પ્રકાશની ઝડપની ૯૯. ૯૯૯૯૯૯૧ ટકા ઝડપે અથડાવ્યા ત્યારે તેમાંથી અબજો કણો છૂટા પડ્યા, જેમાંના કેટલાક ‘હિગ્ગ્સ-બોસોન’કણો હતા. હિગ્ગ્સ-બોસોન કણો પ્રોટોન કરતાં ૧૦૦ થી ૨૦૦ ગણા દળદાર હોય છે, પણ તેનું આયુષ્ય એક સેકન્ડના અબજના અબજના દસ લાખમા ભાગ જેટલું જ હોય છે. ત્યાર બાદ તેનું રૂપાંતર અનેક બીજા કણોમાં થઇ જાય છે, જે સ્થાયી સ્વરૂપ ધરાવતા હોય છે. હિગ્ગ્સ-બોસોન કણને ‘ગોડ પાર્ટિકલ’કહેવામાં આવે છે, કારણ કે જો ઇશ્વરે બ્રહ્માંડની રચના કરી હોય તો આ કણના ઉપયોગથી જ કરી હશે.

ઇ.સ.૧૯૬૪ માં બ્રિટીશ વિજ્ઞાની પિટર હિગ્ગ્સે જે નવતર કણની શોધ કરી તેના માટે તેમણે ઇ.સ.૧૯૨૪ માં ભારતના વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝે કરેલી શોધની મદદ લીધી હતી. સત્યેન્દ્ર બોઝનો જન્મ ઇ.સ.૧૮૯૪ ની સાલમાં કોલકાતામાં થયો હતો. તેઓ કોલકાતા અને ઢાકા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા. ઇ.સ.૧૯૨૪ માં તેમણે આલ્બર્ટ આઇનસ્ટાઇનને એક સંશોધન પત્ર મોકલ્યું, જેમાં બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સની થિયરીનો પાયો હતો.

ઇ.સ.૧૯૨૪ માં બોઝ ફ્રાન્સ ગયા અને રેડિયમની શોધ કરનારા માદામ ક્યુરીને મળીને તેમની સાથે સંશોધન પણ કર્યું હતું. ત્યાર પછી બોઝ જર્મની ગયા અને તેમણે આઇન્સ્ટાઇન સાથે મળીને સંશોધન કર્યું. આ સંશોધનનો નિષ્કર્ષ એ હતો કે વિશ્વ મૂળભૂત રીતે બે પ્રકારના કણોનું બનેલું છે. તેમાંનો એક પ્રકાર બોઝના નામે બોસોન તરીકે ઓળખાયો તો બીજો પ્રકાર ફેર્મિનો નામે ઓળખાયો. આજ સુધી બોઝના સંશોધનના આધારે અનેક વિજ્ઞાનીઓને નોબેલ પ્રાઇઝ મળી ગયા છે, પણ સત્યેન્દ્ર બોઝને વિજ્ઞાનના આ સર્વોચ્ચ પારિતોષિકથી વંચિત રહેવું પડ્યું હતું. સત્યેન્દ્ર બોઝના અવસાન પછી ૩૪ વર્ષે તેમણે જે હિગ્ગ્સ-બોસોન કણની થિયરી રજૂ કરી હતી તે પ્રોગશાળામાં ખરી પુરવાર થઇ છે.

વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં ‘ગોડ પાર્ટિકલ’ની શોધ કરી છે તેનાથી ધર્મગુરુઓએ ડરવાની જરૂર નથી. આ શોધને કારણે લોકો ધર્મની શ્રદ્ધા ગુમાવી દેશે અને વિજ્ઞાનીઓને જ ભગવાન માનવા લાગશે, એવો ભય પણ રાખવાની જરૂર નથી. તેનું કારણ એ છે કે ‘ગોડ પાર્ટિકલ’એક જડ કણ છે, જેમાંથી સૃષ્ટિનું સર્જન થયું હોવાનું માનવામાં આવે છે. આ જડ કણમાંથી ચેતન બ્રહ્માંડની રચના કેવી રીતે થઇ અને કોણે કરી, તેનો તાગ હજી વિજ્ઞાનીઓ મેળવી શક્યા નથી.

આ બ્રહ્માંડની દરેક ચીજો એટલા પરફેક્ટ પ્લાનિંગથી બનાવવામાં આવી છે કે તેના માટે અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિની જ જરૂર પડે. જે કોઇ બુદ્ધિશાળી વ્યક્તિએ કે શક્તિએ આ રચના કરી હોય તેને જ આપણે ઇશ્વર કહેવા પડે. આજના વિજ્ઞાનીઓ જે દિવસે આ સમગ્ર સૃષ્ટિની રચનાને સમજી શકશે અને તેના જેવી રચના કરી શકશે ત્યારે આપણે વિજ્ઞાનીઓને જ ઇશ્વર ગણીશું. ઈશ્વરમાં અને વિજ્ઞાનીમાં ફરક એટલો છે કે વિજ્ઞાનીઓ પ્રયોગો કરીને સત્યનું જ્ઞાન પામે છે, જ્યારે ઈશ્વર પોતે જ જ્ઞાનસ્વરૂપ છે.

Most Popular

To Top