Dakshin Gujarat

વઘઇ-સાપુતારા રોડમાં આવતી ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાકમાં હવે વાહનો આ રીતે રહેશે સુરક્ષિત

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં શામગહાનથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ઘાટવાળા વળાંકોમાં અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો (Roller Crush Barrier) સંભવત સૌ પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ અમલીકરણ કરાતા અકસ્માતમાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકારે 1015.01 લાખની માતબર રકમથી શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો નોંધાયો છે.

  • ડાંગના ઘાટમાં રોલર ક્રશ બેરીયરથી અકસ્માતમાં ઘટાડો
  • રાજ્ય સરકારે 1015.01 લાખની રકમથી ડાંગ જિલ્લાનાં 11 ભયજનક વળાંકોમાં પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો
  • રોલર ક્રશ બેરીયર્સ સાથે વાહન અથડાઇને ફરીથી મુળ લેનમાં આવી જતા અકસ્માત નિવારી શકાય છે

ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઇ-સાપુતારા રોડ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાક આવે છે. આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન વિભાગનાં મંત્રી દ્વારા રસ્તાનાં કુલ 11 ભયજનક વળાંકોમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહજી જાડેજા તથા માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેર એસ.આર.પટેલ દ્વારા રાજ્ય સરકારની અકસ્માત નિવારણની કામગીરીને ધ્યાને લેતા જિલ્લામાં અકસ્માત નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે. અકસ્માતથી બચવા માટે મુસાફરોમા જાગૃકતા આવે તે માટે વિવધ કાર્યોક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લામા ગત દિવસો કરતા હાલ અકસ્માતોના કેસોમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

રોલર ક્રશ બેરીયર્સથી બસના 28 મુસાફરોનો બચાવ થયો
માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર.પટેલે જણાવ્યું હતુ કે, સરકારના અકસ્માત નિવારણના ભાગરૂપે ગુજરાતમા સંભવતઃ પ્રથમ પાટલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં હાલ 11 ભયજનક વળાંકની સ્થિતીએ રોલર લગાવવામા આવ્યા છે. દેવીપાડા–બારખાધ્યા ફાટક પાસેની અંબિકા નદી નજીકના વળાંકમા બસનો ગંભીર અકસ્માત થયો હતો. પરંતુ અહી રોલર સિસ્ટમના કારણે બસના 28 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. દેવીપાડાના સ્થાનિક વિજય પટેલે જણાવ્યું છે કે, ભુતકાળમા દેવીપાડા-બારખાધ્યા ફાટક પાસે ગંભીર અકસ્માતો થતા જોયા છે. પંરતુ રોલર ક્રશ બેરીયર હોવાના કારણે અકસ્માતોની સંખ્યામા ઘટાડો થયો છે.

શું છે રોલર ક્રશ બેરીયર્સ
રોલર ક્રશ બેરીયર્સ સૌ પ્રથમ વર્ષ 2006માં કોરીયામાં નાંખવામાં આવી હતી. ત્યારબાદ આજદિન સુધીમાં કુલ 33 દેશમા રોલર બેરીયર્સ અકસ્માત સ્થળ પર નાંખવામા આવેલી છે. જેમાં ભારત દેશમાં સૌ પ્રથમ હિમાચલ પ્રદેશ રાજ્યમાં નેશનલ હાઇવે પર રોલર ક્રશ બેરીયર લગાડવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાત રાજ્યમાં સાપુતારા રોડ પર આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ રોલર બેરીયર્સ કોરીયાની ઇ.ટી.આઇ. કંપની દ્વારા બનાવવામાં આવે છે. જે કંપનીમાંથી દરેક કોમ્પોનેન્ટ ઇમ્પોર્ટ કરવામાં આવે છે.

2006માં કોરીયામાં સૌ પ્રથમ નાંખવામાં આવેલા રોલર બેરીયર્સ હજીપણ અકબંધ છે. રોલર બેરીયર્સની ક્રેશ ટેસ્ટીંગ આસ્ટો (AASHTO) દ્વારા કરવામાં આવેલી છે. રોલર બેરીયર્સ ઇમ્પેક્ટ એનર્જીને રોટેશનલ એનર્જીમાં ફેરવે છે. જેથી વાહન અથડાઇને ફરીથી મુળ લેનમાં આવી જાય છે. જેનાથી પ્રાણઘાતક અકસ્માત નિવારી શકાય છે. રોલિંગ સેફ્ટી બેરિયર્સ અસર ઊર્જાને શોષવા કરતા વધુ કરે છે. તેઓ સંભવિત રીતે સ્થાવર અવરોધને તોડવાને બદલે વાહનને આગળ ધકેલવા માટે અસર ઉર્જાને રોટેશનલ એનર્જીમાં રૂપાંતરિત કરે છે. જેની ડ્રોઈંગમાં બતાવ્યા પ્રમાણે ડિઝાઇન આપવામાં આવી છે.

Most Popular

To Top