Columns

સમયની રેતીમાં સમાધિ લેવાની કથા

બેટીનો નીચલો હોઠ રૂદનથી કંપ્યો અને માએ તેને ખોળામાં ઉપાડી લીધી. પછી એવું થયું કે મા એ હોઠ બની ગઈ, જે કંપી રહ્યો હતો. બેટીનું માથું ખભા પર રાખીને તેને સહેલાવા, ગણગણવા લાગી કે એક મોટો હાથી રાહ જોઈને બેઠો છે કે બેટી આવે, તેની પર સવારી કરે અને બંને ઝૂમ ઝૂમ કરે અને પાંદડાં ગુસપુસ કરે છે અને સાંભળ – સાંભળ વાર્તાઓ સંભળાવી રહ્યાં છે. બેટી હસી પડી. આ થયું તો મા હાસ્ય બની ગઈ. બેટીનું રુદન ધીરે ધીરે સ્થિર શ્વાસોમાં બદલાઈ ગયું અને માનું ડૂસકું શ્વાસ બની ગયું. બેટી ઊંઘી ગઈ અને મા સુંદર સપના તેને ઓઢાડતી રહી. એ પળે એક પ્રેમ દેહાકાર થયો. માનો શ્વાસ ખોવાતો ગયો. બેટીનો શ્વાસ કિલકારી કરવા લાગ્યો અને હાથીની પીઠ ઉલ્લાસથી બોલાવવા લાગી.

ફ્રેંચ ફિલોસોફર અને જેમણે નોબેલ પુરસ્કાર ઠુકરાવ્યો હતો તેવા એન્ટી-એસ્ટાબ્લીશમેન્ટ લેખક જ્યાં પોલ સાર્ત્રએ “સાહિત્ય શું છે” નામના એક પુસ્તકમાં લખ્યું હતું, – “શબ્દો ભરેલી પિસ્તોલ જેવા હોય છે. લેખક જ્યારે બોલે છે, ત્યારે તે ગોળી છોડે છે. એ કદાચ મૌન હોય પણ તેણે ગોળી છોડવાનો વિકલ્પ પસંદ કર્યો જ છે તો પછી તેણે એક મર્દની જેમ જ છોડવી જોઈએ. બરાબર નિશાન સાધીને અને નહીં કે એક બાળકની જેમ માત્ર અવાજનો આનંદ લેવા માટે આંખો બંધ કરીને આડેધડ.”

ભાષા અભિવ્યક્તિનું સાધન છે. તેને વાપરવા માટેની એક કળા હોય છે. જેમ અણઘડ હાથમાં રિવોલ્વર જાનલેવા સાબિત થાય, તેવી રીતે ભાષાને વાપરતા ન આવડે તો અભિવ્યક્તિનું ખૂન કરી નાખે. ભાષાનો એક હુન્નર હોય છે. શબ્દોની એક મીઠાશ હોય છે. ઉચ્ચારનું એક સંગીત હોય છે. ભાષા પાસેથી કામ લેવું એ પીંછી પાસેથી કામ લેવા જેવું છે. કોઈ તેમાંથી પદ્ય બનાવે, કોઈ ગદ્ય ઉતારે પણ તેના મનમાં એક ચિત્ર અથવા કલ્પના હોય છે અને તે શબ્દોના માધ્યમથી તેને ચણે છે.

ઉપર જે એક અંશ છે તે બૂકર પુરસ્કાર વિજેતા ગીતાંજલિશ્રીની હિન્દી નવલકથા “રેત સમાધિ”માંથી લીધો છે. ગીતાંજલિશ્રી શબ્દો પાસેથી કેવું કામ લે છે, તેનું આ ઉદાહરણ છે. બેટી રડે છે અને મા તેને છાની રાખે છે. આ એક સાવ સામાન્ય ઘટનાને ગીતાંજલિએ પ્રેમની નક્કર અભિવ્યક્તિમાં તબદીલ કરી નાખી છે. બેટી રડે છે તો મા રડે છે. એ હસે તો મા હસે છે. બેટી શાંત થઇ જાય છે તો મા સ્થિર થઇ જાય છે. બેટી ઊંઘમાં સપનું જુવે છે, તો મા પણ ઊંઘી જાય છે.

ભાષા “રેત સમાધિ”નું એક સશક્ત પાસું છે. એવા બીજા પણ છે, જેમ કે નવલકથામાં 80 વર્ષની એક વૃદ્ધ સ્ત્રીનો ડિપ્રેશન સાથે સંઘર્ષ છે અને સરહદ પાર કરીને પાકિસ્તાન જવાની જીદ છે. સ્ત્રીના એ સંઘર્ષમાં અનેક નવા પાત્રો વાચકને મળતા રહે છે. ઘણી વાર તો સ્ત્રીના ઘરમાં પડેલી નિર્જીવ ચીજો જીવંત થઈને તેમના કિસ્સાઓ કહેવા લાગી જાય છે. જેમ કે, “જિંદગી શું છે? નાનકડા વર્તુળમાં ચાલવાનું જાણે છે, જાણે એક પગદંડી પર હજુ તો શરૂ થઇ ત્યાં ખતમ. પરંતુ વિશાળ – વિકરાળ પણ જાણે છે, જેમ પગદંડીમાંથી ખુલ્લા રસ્તા પર નીકળી આવે અને મોટા રસ્તાને જઈ મળે જે મહામાર્ગ હોય, ગ્રાન્ડ ટ્રંક રોડ જેવો ઐતિહાસિક હાઈવે હોય, તેનું પગદંડી સાથે દૂર – સુદૂર જોડાઈ જવું વાર્તામાં નવો વળાંક લાવે છે.

ટ્રક – ટ્રેકટરોની ત્રાડથી પગદંડી ધ્રૂજી ઊઠે છે અથવા સિલ્ક રૂટ પર ચિરકાળથી ઉતારેલા રેશમી અહેસાસ તેને નરમીથી લપેટી લે છે. પગદંડી ચકિત થાય છે કે ક્યાંથી આવતા હશે રસ્તાઓ, ક્યા સમયમાંથી, ક્યા કાફલાઓમાંથી, સરહદોમાંથી અને ક્યાંથી ક્યાં આવી ગઈ હું? કેટલા અલગ અલગ જીવન પાર કરીને. શું હજી પણ એ જ પગદંડી છું કે તેનાથી પહેલાની જરા અમથી કેડી? પણ આ સવાલ કોણ પૂછશે? ક્યારે? અત્યારે? કોને ખબર?” “રેત સમાધિ” એક મધ્યમ વર્ગીય પરિવારની દિનચર્યા, સગાંસંબંધીઓ, વાદ – વિવાદ, લગાવ – અલગાવ અને ઈચ્છાઓ – સપનાનું ચિત્રણ કરે છે. એમાં એક બેટી અને એક માના સંબંધની આસપાસ વાર્તા ફરે છે.

નવલકથા 80 વર્ષની એક વૃદ્ધ ચંદ્રપ્રભા વિશે છે. તેના પતિનું અવસાન થઇ ચૂક્યું છે. ચંદ્રપ્રભા ડિપ્રેશનમાં આવીને તેના ઓરડામાં ભરાઈ ગયેલી છે. તેનો દીકરો અને દીકરી તેને બહાર લાવવા મહેનત કરે છે. એમાં પરિવારના આપસી સંબંધો પણ ઉજાગર થાય છે. એક દિવસ અચાનક ચંદ્રપ્રભાને પાકિસ્તાન જવાનો વિચાર આવે છે અને ખાટલામાંથી ઊભી થઈને જતી રહે છે. બધા તેને શોધે છે પણ ચંદ્રપ્રભા તેની જૂની યાદો, જૂની જગ્યાઓ અને જૂના સંબંધોની ખોજમાં સરહદ પાર જતી રહે છે. બહાનું એવું છે કે ત્યાં રોઝી નામની એક ટ્રાન્સજેન્ડર સ્ત્રી છે, જેને કોઈ સામાન સોંપવાનો છે. ચંદ્રપ્રભા મૂળ પાકિસ્તાનની ચંદા હતી અને ત્યાં તેના વિવાહ અનવર સાથે નક્કી થાય છે પરંતુ વિભાજન પછી તે ભારત આવીને ચંદ્રપ્રભા બનીને નવી જિંદગી શરૂ કરે છે. બે સંતાનોની મા ચંદ્રપ્રભાએ તેનો વર્તમાન તો જીવી લીધો છે પરંતુ કદાચ અતીત જીવવાનો રહી ગયો હતો. હવે તે પાછી ચંદા બનીને અનવરને શોધવા નીકળે છે. પ્રેમી તરીકે વિખૂટા પડેલા બંને મળે છે અને એકબીજાની માફી માંગે છે.

“રેત કી સમાધિ” ઈતિહાસની વાર્તા તો છે. જે સરહદ પાર જાય છે, સાથે એક સામાન્ય મહિલાની પણ કહાની છે જે તેની ભીતર મનોજગતમાં જાય છે. ‘રાજસ્થાન સાહિત્ય અકાદમી’ની અનિતા ગોયલ લખે છે – ‘સંયુક્ત પરિવારથી શરૂ થતી આ નવલકથા સરહદોની કહાનીમાં તબદીલ થાય છે. તેમાં માત્ર ભારત – પાકિસ્તાનની જમીન પર દોરાયેલી સરહદોની જ વાત નથી પરંતુ ઉંમરની સરહદો, સ્ત્રી – પુરુષ હોવાની સરહદો, જીવનની સરહદો, સમયની સરહદો, એકલતા અને પરિવારની સરહદો જેવી અનેક સરહદોના અસ્તિત્વ અને તેના તૂટવાની વાર્તા છે.’

નવલકથાનું શીર્ષક “રેત સમાધિ” સૂચક અને અર્થપૂર્ણ છે. અનિતા ગોયલ તેને ‘રેતીમાંથી ઊઠતી સમાધિ’ની કથા કહે છે. વાર્તામાં તેનો ઉલ્લેખ આવે છે. જેમ કે શરૂઆતમાં રેતીની સમાધિમાંથી ઊઠવાની વાત છે. ચંદ્રપ્રભા જીવન પ્રત્યે ઉદાસ છે. જીવવાની ઈચ્છા નથી પણ જેમ જેમ તેની પર લદાયેલી જવાબદારીઓ ઓછી થાય છે અને તે તેમાંથી બહાર નીકળે છે. ગીતાંજલિશ્રી લખે છે, – “તેની પર લદાયેલો વર્ષોનો કચરો રેતીની જેમ પડવા લાગ્યો. સરકી જાય, ગબડી પડે. એ આઝાદ થતી જાય, એ હળવી થતી જાય. એટલી હળવી કે રેતીની ભીતરથી જાણે સમાધિ ઊઠવા લાગે.” વાર્તાના અંતમાં તેને જ્યારે ગોળી વાગે છે, ત્યારે તે ઊંધા મોઢે રેતીમાં પડવાને બદલે આકાશ તરફ મોં રાખીને પીઠ પર પડે છે. મૃત્યુ પછી જાણે તે રેતીમાં સમાધિસ્થ થઇ ગઈ હતી.

Most Popular

To Top