Charchapatra

સોનીફળિયાનો જોખમકારક રસ્તાને બદલો

થોડા સમય પહેલા જ શહેરના કોટ વિસ્તારના સોની ફળીયામાં આવેલ ટીનએજર્સ ટેલરના માલિકનું તેમની દુકાન પાસે જ અકસ્માતમાં મોત થયું! દુ:ખદ કરૂણાંતિકા! ચોક ગાંધીજીના પૂતળાથી અંદર દાખલ થઇ હિંદુ મિલન મંદીર તરફ મારે જવું હોય તો લોઢાના ચણા ચાવવા બરાબર છે! સાગર હોટેલ અને હજુરી કુલ્ફીના જંકશન પાસે જે ચાર રસ્તા પડે છે ત્યાં ચારેય દિશામાંથી આવતો ટ્રાફીક ભેગો થઇ જાય છે અને એમાંથી બહાર નીકળવું એ અભિમન્યુના કોઠા સમાન છે! સાગર હોટેલથી હિંદુ મિલન મંદીર તરફ જવા માટેનો રસ્તો ખૂબ જ સાંકડો છે. વળી રસ્તાની બંને તરફ અનેક દુકાનો આવેલી છે અને એક મસ્જીદ પણ છે જયાં બંને તરફ વહેલી સવારથી મોડી રાત સુધી ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનો ખડકલો જોવા મળે છે.

જેને લઇને ચોક તરફ જવા કે આવવા માટે ખુબ જ અઘરૂ છે તેમાંયે પગપાળા જવાની તો કોઇ શકયતા જ નથી! આર્યસમાજની પાછળથી આવતો ટ્રાફીક પણ આજ રસ્તે ડાયવર્ટ થતો હોઇ અહીં ટ્રાફીકની પારાવાર સમસ્યા છે! થોડા વર્ષ પહેલા સોની ફળીયા વિસ્તારના તત્કાલિન નગર સેવક દીપકભાઇ આફ્રીકાવાળાના સંનિષ્ઠ પ્રયાસથી ચોકબજારમાં ભરાતુ બકરા બજાર બંધ થતા રાહતનો શ્વાસ લીધો હતો. તો હવે આ કરૂણાંતિકા પછી સ્થાનિક નગર સેવકો અને પોલીસ તંત્રજ જાગીને આ વિસ્તારમાં બીજી દુ:ખદ ઘટના ના બને તે માટે ત્વરિત પગલા લે તે જરૂરી છે!!
સુરત               – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top