Entertainment

‘રામાયણ પાર્ટ-1’માં રણબીરની મર્યાદા અને યશનું રૌદ્ર સ્વરૂપ છવાયું, VFX ભવ્ય પણ સંગીત-સંવાદ ફીકા

એક તરફ અયોધ્યાના રાજકુમાર રામ છે, જેમના માટે મર્યાદા અને ધર્મ સૌથી મહત્ત્વનાં છે. બીજી તરફ લંકાનો રાજા રાવણ છે, જેની પાસે અપાર જ્ઞાન, શક્તિ અને ત્રણેય લોક પર રાજ કરવાનો અહંકાર છે. આ બંને મહાન પાત્રોની ટક્કર પહેલાંની વાર્તાને આશરે ₹4,000 કરોડના વિશાળ સિનેમાઈ કેનવાસ પર રજૂ કરવી સરળ નથી. ખાસ કરીને જ્યારે આ મહાગાથા માત્ર મનોરંજન નહીં, પરંતુ કરોડો લોકોની આસ્થા સાથે પણ જોડાયેલી હોય. નિતેશ તિવારીની ‘રામાયણ પાર્ટ વન’ આ જ જવાબદારી સાથે મોટા પડદા પર આવી છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રૂપમાં ગંભીરતા, શાલીનતા અને મર્યાદા જાળવી રાખે છે, જ્યારે યશનો રાવણ પોતાના રૌદ્ર સ્વરૂપ અને દમદાર હાજરીથી છવાઈ જાય છે. અયોધ્યાની ભવ્યતા, લંકાનું વૈભવ અને ભવિષ્યમાં થનારા મહાયુદ્ધની તૈયારીઓ ફિલ્મને વિશાળ સ્વરૂપ આપે છે. જોકે, આટલી મોટી મહાગાથાનો પહેલો ભાગ દર્શકો પર કેટલી અસર છોડી જાય છે, તે જાણવું પણ રસપ્રદ છે.

ફિલ્મની શરૂઆત રામથી નહીં, પરંતુ રાવણના ઉદયથી થાય છે. વાર્તા પહેલાં લંકાના એવા રાજાની દુનિયામાં લઈ જાય છે, જેની પાસે જ્ઞાન, શક્તિ અને તપસ્યાથી મેળવેલા વરદાનો છે. રાવણ કઠોર તપસ્યા કરીને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરે છે અને વરદાન મેળવે છે. ત્યાર બાદ તેની મહત્ત્વાકાંક્ષા વધતી જાય છે. તે ઇન્દ્રને પરાજિત કરે છે અને પોતાના સાવકા ભાઈ કુબેર પાસેથી લંકાનું રાજ્ય મેળવી લે છે. ફિલ્મમાં રાવણના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેને દશાનન કેમ કહેવામાં આવે છે અને તેના દસ મસ્તકો પાછળની પૌરાણિક ઓળખ શું છે, તે પણ વાર્તામાં વણી લેવામાં આવ્યું છે. અહીં રાવણ માત્ર એક શક્તિશાળી રાજા તરીકે નહીં, પરંતુ જ્ઞાન, તપસ્યા અને અહંકારના સંગમ તરીકે સામે આવે છે. તેની મહત્ત્વાકાંક્ષા અને સત્તાની ભૂખ તેને એક પ્રભાવશાળી પાત્ર બનાવે છે. ત્યાર બાદ વાર્તા અયોધ્યા તરફ વળે છે. ભગવાન વિષ્ણુના અવતાર રામનો જન્મ રાજા દશરથના ઘરે થાય છે. તેમના બાળપણથી લઈને ઋષિ વિશ્વામિત્ર સાથેની યાત્રા, મિથિલામાં સીતા સાથેનો સ્વયંવર અને શિવધનુષ તોડવા સુધીની ઘટનાઓ દર્શાવવામાં આવે છે. રામ અને સીતાના વિવાહ બાદ બધું સુખદ રીતે આગળ વધી રહ્યું હોય છે, પરંતુ રાજમહેલની રાજનીતિ વાર્તાની દિશા બદલી નાખે છે.

કૈકેયી પોતાના બે વરદાન માંગે છે, જેના પરિણામે રામને 14 વર્ષનો વનવાસ મળે છે. રામ સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં જવા નીકળી પડે છે. વનવાસ દરમિયાન શૂર્પણખાનો પ્રસંગ આવે છે અને ત્યાર બાદ મારીચના સુવર્ણ મૃગનું માયાજાળ વાર્તાને નિર્ણાયક વળાંક પર લઈ જાય છે. રામ અને લક્ષ્મણ આશ્રમથી દૂર જતાં સાધુના વેશમાં આવેલો રાવણ સીતાનું હરણ કરી લે છે. સીતાને બચાવવા માટે જટાયુ રાવણ સાથે યુદ્ધ કરે છે. આ યુદ્ધમાં ઘાયલ થયેલો જટાયુ રામને સીતાના અપહરણની જાણકારી આપે છે અને અંતિમ શ્વાસ લે છે. અહીં ફિલ્મનો પહેલો ભાગ એક મોટા ભાવનાત્મક વળાંક પર પહોંચે છે. સીતાહરણની ઘટના આગળની મહાગાથા માટે પાયો તૈયાર કરે છે. ફિલ્મના પોસ્ટ-ક્રેડિટ સીનમાં હનુમાનજીની ઝલક પણ જોવા મળે છે. સની દેઓલને પાછળથી અને બાજુથી ઊડતા દર્શાવવામાં આવ્યા છે. આ દરમિયાન ‘જય શ્રી રામ’નો નાદ સંભળાય છે, પરંતુ તેમનો ચહેરો દેખાડવામાં આવતો નથી. આ નાનો સીન આગામી ભાગ માટે દર્શકોની ઉત્સુકતા વધારી દે છે. હવે હનુમાનજીની લંકાયાત્રા, અશોકવાટિકા, રામસેતુ અને લંકાયુદ્ધ જેવા મોટા પ્રસંગો માટે બીજા ભાગની રાહ જોવી પડશે.

ભગવાન રામનું પાત્ર ભજવવું કોઈપણ અભિનેતા માટે મોટી જવાબદારી છે. રણબીર કપૂર આ ભૂમિકામાં સંયમ અને ગંભીરતા લાવવાનો પ્રયાસ કરે છે. તેમના ચહેરા પર શાલીનતા અને વર્તનમાં મર્યાદા જોવા મળે છે. તેઓ રામને જરૂર કરતાં વધુ નાટકીય બનાવવાને બદલે સહજ અને ગૌરવપૂર્ણ રીતે રજૂ કરે છે. આ પાત્રમાં તેમની શાંત અભિવ્યક્તિ અને ગંભીરતા ધ્યાન ખેંચે છે. સાઈ પલ્લવી સીતાના પાત્રમાં પોતાની સ્વાભાવિક અદાકારી અને ભાવપૂર્ણ અભિવ્યક્તિથી સહજતા લાવે છે. રવિ દુબે લક્ષ્મણના રૂપમાં ભાઈ પ્રત્યેનું સમર્પણ અને રક્ષકની ભાવના દર્શાવે છે. જોકે, ફિલ્મમાં સૌથી વધુ પ્રભાવિત કરનાર પાત્ર યશનો રાવણ છે. તેનું રુઆબદાર વ્યક્તિત્વ, દમદાર અવાજ, આંખોમાં દેખાતો અહંકાર અને પડદા પરની હાજરી પાત્રને વિશાળતા આપે છે. તેની એન્ટ્રી અને મોટા દૃશ્યોમાં તેનો અંદાજ ખાસ ધ્યાન ખેંચે છે. યશ રાવણના રાજવી ઠાઠ, શક્તિ, ક્રોધ અને રૌદ્ર સ્વરૂપને પોતાના અભિનયથી જીવંત બનાવે છે. ફિલ્મમાં તેનું પાત્ર સૌથી યાદગાર આકર્ષણોમાંનું એક બની રહે છે. અરુણ ગોવિલ દશરથના પાત્રમાં, લારા દત્તા કૈકેયીના રૂપમાં, શિબા ચઢ્ઢા મંથરા તરીકે અને રકુલ પ્રીત સિંહ શૂર્પણખાની ભૂમિકામાં જોવા મળે છે. તમામ કલાકારો પોતાની ભૂમિકાને અનુરૂપ અભિનય કરે છે. સની દેઓલના હનુમાનજી તરીકેના પોસ્ટ-ક્રેડિટ સીનથી આગામી ભાગમાં તેમના પાત્રને લઈને પણ ઉત્સુકતા વધી છે.

‘દંગલ’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવનારા નિતેશ તિવારી માટે ‘રામાયણ’ એક અલગ પ્રકારનો પડકાર છે. આ ફિલ્મમાં માત્ર વાર્તા કહેવાની નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા અને અપેક્ષાઓનું પણ ધ્યાન રાખવાનું છે. ફિલ્મની શરૂઆત રાવણના ઉદયથી કરવાનો નિર્ણય રસપ્રદ છે. તેનાથી રામ અને રાવણની દુનિયાને અલગ-અલગ રીતે સ્થાપિત કરવાની તક મળે છે. અયોધ્યાથી લઈને લંકા સુધીની વિશાળ દુનિયા અને પૌરાણિક વાતાવરણને પડદા પર સર્જવાનો પ્રયાસ ફિલ્મના મોટા વિઝનને દર્શાવે છે. જોકે, કેટલીક જગ્યાએ વાર્તાની લાગણીઓને વધુ ઊંડાણ આપી શકાયું હોત. કેટલાક સંવાદો પાત્રોની વિશાળતા અને ગંભીરતાની સરખામણીમાં એટલું વજન ધરાવતા નથી. રામાયણનાં પાત્રોના સંવાદો માત્ર માહિતી આપતા નથી, પરંતુ દર્શકોના મનમાં લાંબા સમય સુધી યાદ રહી જાય છે. આ મામલે ફિલ્મ વધુ અસરકારક બની શકી હોત.

સ્ક્રીનપ્લેની વાત કરીએ તો રામાયણની ઘટનાઓ દર્શકોને પહેલેથી જ ખબર છે. આવી સ્થિતિમાં ઘટનાઓને કયા ક્રમમાં અને કેવી રીતે રજૂ કરવામાં આવે છે, તે જ મુખ્ય પડકાર છે. ફિલ્મ રાવણની પૃષ્ઠભૂમિથી શરૂઆત કરીને રામના જન્મ, લગ્ન, વનવાસ અને સીતાહરણ સુધી પહોંચે છે. બંને સંસારને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી આગળ થનારા સંઘર્ષ માટે પાયો તૈયાર થાય. 3 કલાક અને 15 મિનિટની લાંબી ફિલ્મ હોવા છતાં કેટલાક ભાગોમાં વાર્તાની ગતિ ધીમી પડી જાય છે. કેટલીક ઘટનાઓને વધુ કસાવટ સાથે રજૂ કરી શકાય હતી. ફિલ્મનો અંત પરંપરાગત વિજયી ક્લાઇમૅક્સ જેવો નથી, પરંતુ આગળ થનારી મોટી લડાઈના સંકેત સાથે થાય છે. આથી પહેલો ભાગ એક સ્વતંત્ર વાર્તા કરતાં વિશાળ મહાગાથાની ભૂમિકા વધારે લાગે છે.

અયોધ્યાનું રાજસી વૈભવ, લંકાનું વિશાળ સામ્રાજ્ય, ભવ્ય મહેલો, કુદરતી દૃશ્યો અને પૌરાણિક દુનિયાને જે મોટા પાયે તૈયાર કરવામાં આવી છે, તે પ્રભાવિત કરે છે. ફિલ્મના VFX અનેક દૃશ્યોમાં શાનદાર છે. તેનું વિઝ્યુઅલ સ્કેલ ભારતીય સિનેમાની તકનીકી મહત્ત્વાકાંક્ષાને દર્શાવે છે. પ્રોડક્શન ડિઝાઇન, કોસ્ચ્યુમ, સિનેમેટોગ્રાફી અને એક્શન કોરિયોગ્રાફી પણ આ વિશાળ દુનિયાને વિશ્વસનીય બનાવવામાં યોગદાન આપે છે. મોટા પડદા પર ફિલ્મના દૃશ્યો ખાસ અનુભવ આપે છે. જોકે, કેટલાક રાક્ષસો અને માયાવી પ્રાણીઓને દર્શાવતા દૃશ્યોમાં VFX થોડા નબળા પડે છે. તેમના લુક અને મૂવમેન્ટમાં ક્યાંક કૃત્રિમતા અનુભવાય છે. આ ખામી અમુક દૃશ્યો પૂરતી મર્યાદિત છે. એકંદરે ફિલ્મનું વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ ભવ્ય અને પ્રભાવશાળી છે.

એ. આર. રહમાન અને હાન્સ ઝિમર જેવા દિગ્ગજ સંગીતકારોનું એકસાથે કામ કરવું ફિલ્મની સૌથી મોટી અપેક્ષાઓમાંનું એક હતું. રામાયણ જેવી મહાગાથામાં સંગીત માત્ર દૃશ્યોને સાથ આપતું નથી, પરંતુ વાર્તાનો એક મહત્વપૂર્ણ ભાગ બને છે. રામના પ્રવેશ સમયે એવી ધૂનની અપેક્ષા હતી, જે તેમના પાત્રની ગરિમા અને દિવ્યતાનો અહેસાસ કરાવે. તેવી જ રીતે, રાવણના આગમન સાથે એવું સંગીત હોવું જોઈએ, જે તેના રૌદ્ર વ્યક્તિત્વને વધુ વિશાળ બનાવે. પરંતુ ફિલ્મમાં એવી કોઈ યાદગાર થીમ મ્યુઝિક સંભળાતી નથી, જે થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી પણ મનમાં વસેલી રહે. કેટલાક દૃશ્યોમાં બેકગ્રાઉન્ડ સ્કોર પોતાની હાજરી નોંધાવે છે, પરંતુ એકંદરે સંગીત તે જ જાદુ સર્જી શકતું નથી, જેની આ મહાગાથા પાસેથી અપેક્ષા હતી. આટલા મોટા નામો સાથે ફિલ્મનું સંગીત પણ તેના VFX જેટલું ભવ્ય અને યાદગાર હશે તેવી આશા હતી. આ મોરચે થોડી નિરાશા અનુભવાય છે.

‘રામાયણ પાર્ટ વન’ ભારતીય સિનેમાનો એક વિશાળ અને મહત્વાકાંક્ષી પ્રયાસ છે. રણબીર કપૂર રામની ભૂમિકામાં ગંભીરતા અને મર્યાદા લઈને આવે છે, જ્યારે યશ પોતાના રાવણ અવતારથી ખાસ છાપ છોડે છે. શાનદાર VFX, વિશાળ પ્રોડક્શન ડિઝાઇન અને પૌરાણિક વિશ્વની ભવ્યતા ફિલ્મની સૌથી મોટી તાકાત છે. બીજી તરફ, કેટલીક જગ્યાએ વાર્તાની ધીમી ગતિ, સંવાદોનો અપેક્ષિત પ્રભાવ ન પાડી શકવો અને યાદગાર થીમ મ્યુઝિકનો અભાવ તેના અનુભવને થોડો ઓછો કરે છે. રાક્ષસોના VFXમાં પણ કેટલીક જગ્યાએ સુધારાની શક્યતા છે. તેમ છતાં, ફિલ્મમાં મોટા પડદા પર જોવા લાયક ઘણું બધું છે. ખાસ કરીને યશનો રાવણ અને ફિલ્મનું વિશાળ દૃશ્યાત્મક વિશ્વ દર્શકોને પ્રભાવિત કરે છે. પહેલો અધ્યાય પૂરો થતાં જ દર્શકોના મનમાં એક મોટો પ્રશ્ન રહી જાય છે કે હવે રામ અને રાવણ વચ્ચે થનાર મહાયુદ્ધ પડદા પર કેટલું ભવ્ય અને યાદગાર બનશે.

Most Popular

To Top