રાજકોટ: છેલ્લાં કેટલાંય દિવસથી હવામાનમાં આવેલા પલટાના લીધે રાજ્યમાં ઠેરઠેર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે બુધવારે રાજકોટમાં બપોર બાદ એક કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેના લીધે ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. ધોધમાર વરસાદ વરસવાના લીધે જનજીવન અટકી ગયું હતું. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. નદીઓની જેમ પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હજુ 2 દિવસ સુધી માવઠું પડશે તેવી આગાહી કરી છે.
આજે બુધવારે રાજકોટ, અમરેલી, કચ્છ-ભુજ અને જુનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટમાં સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ રહ્યું હતું અને બપોર બાદ ચોમાસું જામ્યું હોય તેમ વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સત્તાવાર આંકડા અનુસાર રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં 21 મીમી, ઈસ્ટ ઝોનમાં 31 મીમી અને વેસ્ટ ઝોનમાં 32 મીમી વરસાદ ખાબક્યો હતો.
આ ઉપરાંત જસદણના આટકોટ, વીરનગર, ખારચીયા, જંગવડ અને પાંચવડા સહિતના ગામડાંમાં પણ હળવા ઝાપટાં પડ્યા હતા. કમોસમી વરસાદના લીધે પાક નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવવા લાગ્યો હતો. ગોંડલના કોલીથડ અને ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ તૂડી પડ્યો હતો.
રાજકોટ યાર્ડમાં પાક પલળ્યો
ધોધમાર વરસાદના લીધે રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘઉં અને ધાણાનો પાક પલળી ગયો હતો, જેના લીધે ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. વેપારીઓએ ખરીદેલો પાક બગડી જતા તેઓને પણ માથે હાથ દઈને રાવાનો વારો આવ્યો હતો. તાત્કાલિક વેપારી, દલાલો અને યાર્ડના સત્તાધીશો વચ્ચે બેઠક યોજાઈ હતી અને આવતીકાલથી ત્રણ દિવસ સુધી જણસીની આવક નહીં કરવા નિર્ણય લેવાયો હતો. ખેડૂતોને ધાણા, ચણા અને ઘઉં નહીં લાવવા અપીલ કરાઈ હતી.
આગામી બે દિવસ રાજ્યના આ શહેરોમાં વરસાદની આગાહી
હવામાન ખાતાએ આગામી બે દિવસ તા. 22 અને 23 માર્ચે માવઠાની આગાહી કરી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. બનાસકાંઠા, અરવલ્લી, સાંબરકાંઠા, અમદાવાદ, દાહોદ, મહીસાગર અને નર્મદામાં માવઠું પડી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.