Madhya Gujarat

આંતરરાજ્ય કૌભાંડમાં પોલીસે વધુ 1252 બોગસ RC બુક કબજે લીધી

આણંદ : આણંદ પોલીસે બોગસ આરટી બુકના કૌભાંડમાં બનાસકાંઠાના છાપી ગામે દરોડો પાડી વધુ 1252 બુક કબજે કરી છે. આ ઉપરાંત પોલીસે લેપટોપ, પ્રિન્ટર મળી કુલ રૂ.56 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આરટીઓ એજન્ટ તરીકે કામ કરતાં બનાસકાંઠાના શખસે આ કૌભાંડને જન્મ આપ્યો હોવાનું ખુલ્યું છે. જોકે, તેણે બનાવેલી આરસી બુક એટલી હૂબહૂ બનાવી છે કે હજુ સુધી કોઇ પકડી શક્યું નથી. આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ 4થી સપ્ટેમ્બરના રોજ બાતમી આધારે ગુલામમોહંમદ ઉર્ફે ગુલો આદમભાઈ વ્હોરા (રહે.ઉમરેઠ)ની અટકાયત કરી તલાસી લેતાં તેની પાસેથી અલગ અલગ આરટીઓની કુલ 16 આરસી બુક મળી આવી હતી.

આ સંદર્ભે તપાસ કરતાં આરસી બુક ચીપમાં રહેલી માહિતી તથા કાર્ડ ઉપર છાપેલી માહિતી અલગ અલગ હોવાનું જણાઇ આવ્યું હતું. આગળની તપાસમાં  આરસી બુક તારીફ અબ્દુલહમીદ માકણોજીયા (રહે.રજોસણા, મુમનવાસ પરામાં, તા.વડગામ)એ બનાવ્યાં હોવાથી તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે સ્માર્ટ કાર્ડ પોતાના લેપટોપમાં છાપી પ્રિન્ટરથી કોપી કાઢી હોવાની કબુલાત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં ગુલામમોહંમદ ઉર્ફે ગુલોએ રૂ.અઢી હજારથી ત્રણ હજારમાં તારીફ માકણેજીયા પાસેથી મેળવી હતી. તારીફ પાલનપુર હાઈવે પર આવેલા છાપી ગામના ગોલ્ડન પ્લાઝામાં દુકાન ધરાવતો હોવાનું જણાતાં પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. આ દુકાનમાંથી 999 છાપેલી આરસી બુક, 253 અડધી છાપેલી તથા અડધી કોરી આરસી બુક મળી કુલ 1252 મળી આવી હતી. આ ઉપરાંત પ્રિન્ટર, લેપટોપ, પેન ડ્રાઇવ, થીનરની બોટલ, પ્રિન્ટર રોલ, કાપડના ટુકડા, મોબાઇલ મળી કુલ રૂ.56,790નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Most Popular

To Top