Dakshin Gujarat

ખેરગામમાં કાયદો-વ્યવસ્થા જાળવવા 144ની કલમ લગાવી દેવાઇ

ખેરગામ : વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની કાર (Car) પર તોફાની તત્ત્વોએ હુમલો કરી કાચ તોડી અનંત પટેલને માર માર્યો હતો. આ ઘટના બાદ ધારાસભ્ય અનંત પટેલે સારવાર કરાવી ધરણા ઉપર બેસી ગયા હતા અને આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ સ્થિતિમાં અમુક તત્ત્વો કાયદો અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે એવી શક્યતાને જોતા નવસારી (Navsari) જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા જાતિવાદ ઉગ્ર બને નહીં એ માટે ખેરગામ પોલીસમથક (Police Station) વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા ઉપર તા.9 ઓક્ટોબરથી તા.18 ઓક્ટોબર સુધી નવસારી કલેક્ટરે પ્રતિબંધ ફરમાવી દીધો છે.

  • ખેરગામમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થવા ઉપર પ્રતિબંધ
  • શાંતિ જોખમાય નહીં, જાતિવાદ ઉગ્ર બને નહીં અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસની ફ્લેગ માર્ચ
  • આવનારા દસ દિવસ કાયદાનું પાલન નહીં કરવાવાળા સામે કડક કાર્યવાહીના સંકેત

આ હુકમ સરકારના કાર્યક્રમોમાં, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા, એસટી બસ કે રેલવેમાં મુસાફરી કરવા માંગતા, મંદિર, મસ્જિદ કે દેવળમાં પ્રાર્થના માટે જતી સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઇડ વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્ય ઉપર હુમલા બાદ ટોળાએ દુકાનમાં આગચંપી અને આગ હોલાવવા આવેલા બમ્બાની તોડફોડ કરતા વાતાવરણ તંગ બની જવા પામ્યું છે ત્યારે હવે પછી ખેરગામ વિસ્તારમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ધારાસભ્યની કાર ઉપરના લોહીના સેમ્પલ એફએસએલમાં મોકલાયા
ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર હિંસક હુમલા ઘટનામાં સ્થળ અને ધારાસભ્યની કાર ઉપરના બ્લડના સેમ્પલ નવસારી એફએસએલની ટીમે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ખેરગામમાં નવસારી જિલ્લા પોલીસની ફ્લેગ માર્ચ
ખેરગામ : ખેરગામમાં કોઈ અનિચ્છિય ઘટના ન બને તે માટે ખેરગામ સહિત નવસારી જિલ્લાની પોલીસ દ્વારા ખેરગામ બજાર સહિતના વિસ્તારોમાં પીએસઆઇ એસ.એસ.માલની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે. કાયદો વ્યવસ્થાને નુકસાન પહોંચાડનારાઓને સ્પષ્ટ સંકેત પણ આપવામાં આવ્યા હોય તેમ લાગે છે. ત્યારે આવનારા દસ દિવસ કાયદાનું પાલન નહીં કરવા વાળા સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.

Most Popular

To Top