Madhya Gujarat

ખેડા જિલ્લામાં જુગારધામ પર પોલીસની લાલઆંખ

નડિયાદ: ખેડા જિલ્લામાં જુગારનું દુષણ દિવસે-દિવસે વધી રહ્યું છે. જિલ્લામાં મોટા શહેરથી માંડી નાનામાં નાના ગામડાંઓમાં જુગારધામ ધમધમી રહ્યાં છે. ત્યારે આવા જુગારધામ ઉપર પોલીસે લાલઆંખ કરી દરોડા પાડવાના શરૂ કર્યાં છે. મંગળવારના રોજ જિલ્લાના મહુધા, ખેડા, મહેમદાવાદ તેમજ આગરવા ગામમાં ચાલતાં જુગારધામ ઉપર સ્થાનિક પોલીસે દરોડા પાડી કુલ ૧૭ જુગારીઓને ઝડપી  પાડ્યાં હતાં.

  • આગરવામાંથી ૫ જુગારી ઝડપાયાં

ઠાસરા તાલુકાના આગરવા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં છાપરા નીચે બેસી કેટલાક ઈસમો જુગાર રમતાં હોવાની બાતમી ડાકોર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો. અને સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં રમણભાઈ મથુરભાઈ તળપદા, છગનભાઈ સુકાભાઈ રાઠોડ, મહેશભાઈ રમણભાઈ તળપદા, ગુલામનબી અબ્દુલમીયાં વ્હોરા અને નરસિંહ કોયાભાઈ રાઠોડને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. તેમની પાસે અંગજડતીમાંથી રૂ.૨૪૪૦ તેમજ દાવ પરથી રૂ.૩૭૦ મળી કુલ રૂ.૨૮૧૦ ની મત્તા મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી પકડાયેલાં પાંચેય શખ્સો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • ખેડામાંથી જુગાર રમતાં ૬ શખ્સો ઝડપાયાં

ખેડા ટાઉન પોલીસે અંબિકા કોમ્પ્લેક્ષની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં જાવેદહુસેન બીસ્મીલ્લામીયાં શેખ, આસીફમીયાં ગનીભાઈ શેખ, સબ્બીરહુસેન અબ્દુલરહીમ શેખ, નુરમહંમદ મહેબુબભાઈ મલેક, ફેજલ ફારૂકભાઈ વ્હોરા અને રીયાઝભાઈ સફીમહંમદ વ્હોરાને કુલ રૂ.૫૯૧૦ ની મત્તા સાથે રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં.

  • મહુધામાં બે ઠેકાણે જુગાર રમતા પાંચ ઝડપાયાં

મહુધા પોલીસની ટીમે ગામમાં બે ઠેકાણે ચાલતાં જુગારધામ પર દરોડા પાડ્યાં હતાં.  સાંજના સમયે ગામમાં આવેલ ફિણાવ ભાગોળ વિસ્તારમાં ચાલતાં જુગારધામ પર દરોડો પાડી ઈરફાનહુસેન ઉર્ફે ઈકો ઐયુબહુસેન મલેક, ગુલામકાદર પીરસાબમીયાં મલેક અને ઈનાયતહુસેન મુર્તઝામીયાં મલેકને કુલ રૂ.૯૦૫૦ ના મુદ્દામાલ સાથે રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જ્યારે મોડી સાંજના સમયે મહુધા પોલીસે ગામમાં આવેલ ગુજરાતી શાળા સામે બગીચામાં ચાલતાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જેમાં કુલ રૂ.૪૬૦ ના મુદ્દામાલ સાથે કીરીટભાઈ હરમાનભાઈ પ્રજાપતિ અને રણજીતભાઈ પુનમભાઈ રાવળ પોલીસના હાથે પકડાઈ ગયાં હતાં.

  • મહેમદાવાદમાં વરલીમટકાના જુગારના આંકડા લખતો ઈસમ ઝડપાયો

મહેમદાવાદના દેસાઈપોળના નાકે જતીનભાઈ ઉર્ફે બાબુલ બંસીલાલ દેસાઈ વરલીમટકાના જુગારની બાતમી મહેમદાવાદ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડી વરલીમટકાના જુગારના આંકડા લખતાં જતીનભાઈ ઉર્ફે બાબુલ બંસીલાલ દેસાઈને રૂ.૮૦૦ ની મત્તા સાથે ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top