National

રામ મંદિર બની રહ્યું છે તે અયોધ્યા શહેરમાંથી 12 હેન્ડ ગ્રેનેડ મળતા પોલીસ દોડતી થઇ ગઈ

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના અયોધ્યા(Ayodhya)માં રામ મંદિર(Ram temple)નું નિર્માણ થઇ રહ્યું છે. જો કે આ જ શહેરમાંથી એક એવી વસ્તુ મળી આવી જેના પગલે પોલીસ તેમજ સેનામાં ખળભળાટ મળી ગયો હતો. અયોધ્યામાં આવેલા સેના(Army)ના ટ્રેનિંગ સેન્ટર પાસેથી 12 હેન્ડ ગ્રેનેડ(Hand grenade) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બનાવની જાણ થતા પોલીસ(Police)કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ હેન્ડ ગ્રેનેડ સેનાના ટ્રેનિંગ સેન્ટરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર કેન્ટ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. કેન્ટોનમેન્ટ બોર્ડના નિર્મલી કુંડી ચારરસ્તા પાસે પડ્યા હતા. આ વિસ્તાર સેનાની દેખરેખમાં રહે છે અને રાત્રે 10 વાગ્યા પછી અહીં આવવાની મનાઈ છે. આવી સ્થિતિમાં આ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ મળવાની ઘટના ચોંકાવનારી છે. જોકે રાહતની વાત એ છે કે આ હેન્ડ ગ્રેનેડનો નાશ કરવામાં આવ્યો છે. પરંતુ આ હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

હેન્ડ ગ્રેનેડનો નાશ કરવામાં આવ્યો
મિલિટરી ઈન્ટેલિજન્સનું કહેવું છે કે આ હેન્ડગ્રેનેડને રવિવારે બપોરે 2 વાગ્યે નષ્ટ કરવામાં આવ્યા હતા અને અયોધ્યા પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. આ મામલે અયોધ્યાના SSP શૈલેષ પાંડેનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે હેન્ડ ગ્રેનેડ મળવાની માહિતી ડોગરા રેજિમેન્ટલ સેન્ટર દ્વારા કેન્ટ પોલીસ સ્ટેશનમાં એક પત્ર દ્વારા આપવામાં આવી છે. હેન્ડ ગ્રેનેડનો નાશ કરવામાં આવ્યો છે.

બોર્ડનાં ચેરમેને ઉઠાવ્યા સવાલ
અયોધ્યા કેન્ટોન્મેન્ટ બોર્ડના અધ્યક્ષ મિલન નિષાદે જણાવ્યું કે નિર્મલી કુંડમાં રહેતા એક સ્થાનિક યુવકે આ હેન્ડ ગ્રેનેડને સૌથી પહેલા જોયા. તેણે આ માહિતી મિલિટરી ઈન્ટેલિજન્સને આપી હતી. હેન્ડ ગ્રેનેડ મળી આવવાનો મામલો નિર્મલી કુંડ ચારરસ્તાની બાજુમાં આવેલા નાળા પાસેનો છે. જ્યાં એક તરફ સેનાએ ફેન્સીંગ કરી છે. તેની બીજી બાજુ ઝાડીઓ અને ઝાડ વચ્ચે હેન્ડ ગ્રેનેડ પડેલા જોવા મળ્યા હતા. આખરે આ હેન્ડ ગ્રેનેડ સેનાના ટ્રેનિંગ સેન્ટરથી લગભગ અઢીથી ત્રણ કિલોમીટર દૂર કેવી રીતે પહોંચ્યા. આટલી દુર સુધી ગ્રેનેડ હાથ વડે ફેંકી શકાતા નથી અને નજીકમાં માત્ર શૂટિંગ રેન્જ છે જ્યાં તેઓ પ્રેક્ટિસ કરતા નથી. આથી આ તપાસનો વિષય છે.

સેનાના પીઆરઓનું નિવેદન
અયોધ્યાના એસએસપી શૈલેષ પાંડેનું કહેવું છે કે ડોગરા રેજિમેન્ટલ સેન્ટરે એક પત્ર દ્વારા કેન્ટ પોલીસ સ્ટેશનને હેન્ડ ગ્રેનેડ મળવાની જાણકારી આપી હતી. બીજી તરફ, આર્મી પીઆરઓ શાંતનુ પ્રતાપ સિંહે આવા કોઈ કેસની જાણ હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ વસ્તુઓ સામાન્ય છે. તે ઘણીવાર થાય છે કે કેટલાક હેન્ડ ગ્રેનેડ તાલીમ દરમિયાન વિસ્ફોટ થતા નથી, જે પછીથી પુનઃપ્રાપ્ત થાય છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને સુરક્ષા દળો ખૂબ જ તૈયાર છે, આવી સ્થિતિમાં ઝાડીઓમાંથી મળેલા હેન્ડગ્રેનેડ અનેક અટકળો ચાલી રહી છે.

Most Popular

To Top