વડોદરા : વડોદરા શહેરમાં તારીખ 18 જૂન શનિવારના રોજ દેશના વડાપ્રધાન લાંબા સમય બાદ શહેરમાં આવી રહ્યા છે.ત્યારે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.રાત્રી દરમિયાન પણ રોડ રસ્તા સહિતની કામગીરી આરંભી દેવાઈ છે.જેને લઈ અનેક વખત રજુઆત કરવા છતાં પણ લોકોની સમસ્યાનો નિવેડો લાવવામાં નિષફળ નિવડેલા પાલિકાના સત્તાધિશો અને અધિકારીઓ હવે કામે લાગી ગયા છે. ત્યારે વડાપ્રધાન આવી રીતે મુલાકાત કરતા રહે જેથી તમામ સુવિધાઓ નગરજનોને મળી રહે તેમ કેટલાક નાગરિકો જણાવી રહ્યા છે.
આગામી 18 મી તારીખના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનવા જઈ રહ્યા છે.કર્મ ભૂમિ પર વડાપ્રધાનના આગમનને વધાવવા માટે તમામ સરકારી તંત્ર કામે લાગી ગયું છે.એરપોર્ટ થી એક ભવ્ય રોડ શો યોજાશે.ત્યારે રોડ-શો અને જાહેર સભામાં પાંચ જીલ્લામાંથી નાગરિકો ઉમટી પડવાના છે.સાડા ચાર લાખ ઉપરાંત લોકો વડાપ્રધાનના રોડ શોમાં તેમજ લેપ્રેસી મેદાન ખાતે યોજાનાર કાર્યક્રમમાં જોડાશે.ત્યારે બીજી તરફ મેદાન ખાતે જર્મન સિસ્ટમથી 7 ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે.વરસાદ અને સંભાવિત વાવાઝોડાથી બચી શકાય તેવું પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે બીજી તરફ વડોદરા મહાનગર પાલિકામાં જ્યાં સુધી કોઈ વિરોધ ,રજૂઆત કે પછી કોઈ ઉગ્ર આંદોલન કરવામાં નહીં આવે ત્યાં સુધી શહેરમાં રોડ રસ્તાથી લઈ પાણી સુધીની કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
પરંતુ હવે જ્યારે આગામી 18 મી જૂને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે છે.ત્યારે રાત્રે બાર વાગ્યે પણ યુદ્ધના ધોરણે રોડ રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.તંત્રના પાપે નાગરિકો પાણી, રોડ ,રસ્તા, ગટરો સહિતની સમસ્યાની ભારોભાર યાતનાઓ ભોગવી રહ્યા છે.પરંતુ જ્યારે હવે વડાપ્રધાન વડોદરાની મુલાકાતે છે.ત્યારે શહેરના એરપોર્ટ સર્કલથી જ્યાં રોડ શો અને કાફલો પસાર થવાનો છે,તે સમગ્ર માર્ગ પર રોડ પર ડામર નાખવાની કામગીરી રાત્રી દરમિયાન પણ કરવામાં આવી રહી છે.
મોટી સંખ્યામાં પાલિકાના કર્મચારીઓ રોડરોલરો ડમ્પરો લઈને કામગીરીમાં જોતરાયા છે.ત્યારે બીજી તરફ વડાપ્રધાનની મુલાકાતને કારણે વડોદરા એરપોર્ટ થી સંગમ અને જે જે રૂટ ઉપર રોડ શો યોજાશે તે તમામ રૂટ પરના નવા બનેલા રોડ રસ્તા ની ભેટ નગરજનો મળશે. જ્યારે બીજી તરફ કેટલાક નાગરિકો એતો જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અવારનવાર મુલાકત કરવી જોઈએ જેથી કરીને નગરજનોને પાણી,રોડ,રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે મુશ્કેલીઓ વેઠવી ન પડે.
વડાપ્રધાનના સૂચિત કાર્યક્રમ સંદર્ભે મુખ્ય સચિવ પંકજકુમારે સ્થળ મુલાકાત કરી
વડોદરા શહેરમાં આગામી તા.18મીના રોજ યોજાનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૂચિત કાર્યક્રમના અનુસંધાને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે મુખ્ય સચિવ પંકજ કુમારે સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી.જ્યાં અગ્ર સચિવ સોનલ મિશ્રા અને કલેકટર અતુલ ગોરે આયોજનની માહિતી આપી હતી.મુખ્ય સચિવ પંકજ કુમારે સભાસ્થળની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી તૈયારીઓ નિહાળી હતી.તે બાદ અધિકારીઓ સાથે બેઠક કરી આવશ્યક સૂચનો કર્યા હતા.આ દરમિયાન પોલીસ કમિશનર શમશેર સિંઘ,મ્યુ.કમિ શાલિની અગ્રવાલ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સભા સ્થળે જનસેલાબ ઉમટી પડશે જ
લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળ માટેની જે કુલ સંખ્યા છે એના કરતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં આવવાના છે.કારણ કે પાંચ વર્ષ પછી નરેન્દ્ર ભાઈ મોદી પ્રથમવાર વડોદરા શહેરના પ્રવાસે આવે છે. આઠ વર્ષ દરમિયાનમાં તેમના માધ્યમથી થયેલા સેવાના અને સુશાસનના કાર્યો એ લોકો સુધી લઈ જવા માટેનો આ અનોખો પ્રયત્ન પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાંખ દ્વારા થઇ રહ્યો છે.સમગ્ર શહેર અત્યારે તેમને આવકારવા માટે થનગની રહ્યું છે.
– ડો.વિજય શાહ, પ્રમુખ,ભાજપ