સુરત: 20મી સપ્ટેમ્બરે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ સાથે શ્રાદ્વ શરૂ થઇ ગયા છે, આગામી 6 ઓક્ટોબર સુધી શ્રાદ્ધ ચાલશે. ઉધના ભીડભંજન મંદિરના જયેશ ભટ્ટે જણાવ્યું હતું કે, પિતૃપક્ષ તેવો સમય હોય છે, જ્યારે પિતૃલોકના દ્વાર ખુલે છે અને આપણા પૂર્વજો ધરતી પર વિચરણ કરે છે. આ સમયે તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, જેનાથી તેમને મોક્ષ મળે છે. જે પૂર્વજોના નામ તમને યાદ નથી તેનું તર્પણ તમે સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા એટલે કે પિતૃપક્ષના છેલ્લા દિવસે કરી શકો છો.
વિશેષ કૃપા માટે લોકો પિતૃપક્ષ દરમ્યાન રોજ બ્રાહ્મણને ભોજન કરાવે છે. પિતૃપક્ષ દરમ્યાન તમારે દરેક જીવનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમ્યાન તમારે પશુ-પક્ષીને પણ ભોજન અને જળ આપવું જોઈએ. કોઈ પણ જીવને ધુત્કારવો કે પરેશાન ના કરો, આનાથી તમારા પૂર્વજ નારાજ થઈ શકે છે. 27મી સપ્ટેમ્બરે શ્રાદ્વ નથી.
પિતૃઓ માટે કરવામાં આવતું શ્રાદ્ધ શાસ્ત્રોમાં જણાવેલ યોગ્ય સમયે કરવું જ ફળદાયી હોય છે. દિવસના આઠમાં મુહૂર્તમાં શ્રાદ્ધ કરવું શુભ માનવામાં આવે છે. આ મુહૂર્તને કુતુપકાળ કહેવામાં આવે છે. જે સવારે 11.36 થી 12.24 વચ્ચેનો સમયગાળો હોય છે. માન્યતા છે કે આ સમયે પિતૃઓનું મુખ પશ્ચિમ દિશા તરફ હોય છે. જેથી પિતૃઓ પોતાના વંશજો દ્વારા શ્રદ્ધાથી ભોગ ધરાવેલ ભોજન કોઈ મુશ્કેલી વિના ગ્રહણ કરી લે છે.
તારીખ શ્રાદ્વ
- 21 એકમનું શ્રાદ્વ
- 22 બીજનું શ્રાદ્વ
- 23 ત્રીજનું શ્રાદ્વ
- 24 ચોથનું શ્રાદ્વ
- 25 પાંચમનું શ્રાદ્વ
- 26 છઠનું શ્રાદ્વ
- 28 સાતમનું શ્રાદ્વ
- 29 આઠમનું શ્રાદ્વ
- 30 નોમનું શ્રાદ્વ
- 01 દશમનું શ્રાદ્વ
- 02 અગિયારસનું શ્રાદ્વ
- 03 બારસનું શ્રાદ્વ
- 04 તેરસનું શ્રાદ્વ
- 05 ચૌદશનું શ્રાદ્વ
- 06 સર્વ પિતૃનું શ્રાદ્વ
ધર્મગ્રંથો પ્રમાણે પિતૃઓની પૂજા માટે ભાદરવા મહિનાનો વદ પક્ષ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કેમ કે, ગ્રંથો પ્રમાણે વદ પક્ષને પિતૃઓનો દિવસ અને સુદ પક્ષને રાત કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં દક્ષિણને પિતૃઓની દિશા માનવામાં આવે છે. ત્યાં જ ચંદ્ર લોકમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આસો મહિનાના વદ પક્ષમાં ચંદ્ર પૃથ્વીની નજીક આવી જાય છે. એટલે આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણનું વિધાન છે. ભાદરવા મહિના દરમિયાન કન્યા રાશિમાં સૂર્ય હોય ત્યારે પિતૃ કર્મ કરવા જોઈએ, તે જ શ્રાદ્ધ પક્ષ છે.
પવિત્ર નદીમાં કાળા તલ પ્રવાહિત કરવાથી પુણ્ય ફળ મળે
પિતૃપક્ષમાં પવિત્ર નદીમાં કાળા તલ પ્રવાહિત કરીને તર્પણ કરવાની પરંપરા છે. નદીમાં તર્પણ કરી શકો નહીં તો મંદિરમાં અથવા કોઇ જરૂરિયાતમંદ લોકોને કાળા તલનું દાન કરવાથી પણ પુણ્ય ફળ મળે છે. પિતૃપક્ષમાં રોજ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઇએ. રોજ સવારે જલ્દી જાગવું અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું. ભાગવત ગીતાનો પાઠ કરવો અને તેમાં જણાવેલી નીતિઓને જીવનમાં ઉતારો. ઘરમાં શાંતિ જાળવી રાખો. ક્લેશ ન કરો.
જરૂરિયાતમંદને ગોળનું દાન કરવાથી ઘરનો કલેશ દૂર થાય
શ્રાદ્ધના દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને ગોળ, ઘી, અનાજ, ગાય, કાળા તલ, જમીન, મીઠું, વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું જોઇએ. ગોળના દાનથી ઘરનો ક્લેશ દૂર થાય છે, ગાયના દાનથી સુખ-સમૃદ્ધિ વધે છે. ઘીનું દાન કરવાથી શક્તિ વધે છે. અનાજનું દાન કરવાથી ઘરમાં ધન-ધાન્યની ખોડ પડતી નથી. કાળા તલનું દાન કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે.