તંત્રની બેદરકારીનો પર્દાફાશ: મોતના રસ્તે રાતોરાત બોર્ડ લાગ્યા, સ્થાનિકોએ HOD ધાર્મિક દવેની ધરપકડની માંગ સાથે મેદાન સંભાળ્યું
વડોદરા: માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટર માં ખાબકવાથી આશાસ્પદ યુવાન વિપુલ ઝાલાના કરુણ મોત બાદ વડોદરા મહાનગર સેવા સદન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો અને કાનૂની નિષ્ણાતોએ હવે સીધો આક્ષેપ કર્યો છે કે, આ માત્ર અકસ્માત નથી પણ તંત્રની ઘોર બેદરકારીને કારણે થયેલી હત્યા છે. આ મામલે કોર્પોરેશનના વોટર સપ્લાય વિભાગના HOD ધાર્મિક દવે સામે ગુનો દાખલ કરવાની માંગ ઉગ્ર બની છે.

ઘટનાસ્થળે ભેગા થયેલા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે અકસ્માત થયો ત્યારે ત્યાં કોઈ પણ પ્રકારના સુરક્ષા બોર્ડ કે બેરિકેડિંગ નહોતા. વિપુલના મોત પછી તંત્ર સફાળું જાગ્યું હોય તેમ રાતોરાત કામ ચાલુ હોવાના બોર્ડ અને બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો આ સાવચેતી પહેલા રાખવામાં આવી હોત, તો આજે એક નિર્દોષ યુવાનનો જીવ બચી ગયો હોત.
હાઈકોર્ટના એડવોકેટ ધર્મેન્દ્રસિંહ રાજપૂતે આ મામલે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું કે, પોલીસ માત્ર કોન્ટ્રાક્ટર અને નાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને સંતોષ માની રહી છે, જ્યારે ખરા જવાબદાર ઉચ્ચ અધિકારીઓ (HOD) ને છાવરવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો HOD ધાર્મિક દવે સામે ટૂંક સમયમાં FIR દાખલ કરવામાં નહીં આવે, તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરશે.

વિપુલ ઝાલાના પત્નીએ પણ નિવેદન આપ્યું છે કે તેમને માત્ર કોન્ટ્રાક્ટર સામેની કાર્યવાહીથી ન્યાય નહીં મળે, જે અધિકારીઓની બેદરકારીને લીધે તેમના પતિનું અવસાન થયું છે તેમની સામે કડક પગલાં લેવાવા જોઈએ. માંજલપુરની મહિલાઓ અને વડીલોમાં પણ આ ઘટનાને લઈને ભયનો માહોલ છે. વરિષ્ઠ નાગરિકોએ જણાવ્યું કે, “આખો વડોદરા રોડ-રસ્તાના નામે ખોદી નાખવામાં આવ્યો છે. હવે સાંજે ચાલવા નીકળતા પણ ડર લાગે છે કે ક્યાંક ખુલ્લી ગટર આપણો ભોગ ન લે.”
વડોદરા પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ હલ્લાબોલ કરવામાં આવશે.
મુખ્ય માંગણીઓ:
*HOD ધાર્મિક દવે સામે માનવ વધનો ગુનો (કલમ 304 મુજબ) દાખલ કરવામાં આવે.
*માત્ર કોન્ટ્રાક્ટર નહીં, પણ જવાબદાર તમામ સરકારી અધિકારીઓની ધરપકડ થાય.
*ભોગ બનનાર પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે.
*શહેરમાં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટ્સમાં સુરક્ષાના ધોરણોનું કડક પાલન થાય.