નડિયાદ: નડિયાદમાં પાર્કિંગ અને દબાણનો પ્રશ્ન વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાનો દુઃખાવો બન્યો છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમા રેલવે સ્ટેશન થઈ ટાઉન પોલીસ મથક અને ત્યાંથી બાવલે થઈ સંતરામ તરફ જતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વકરી છે. તેની પાછળનું મુખ્ય કારણ દબાણ, આડેધડ પાર્કિંગ અને ખોદી નખાયેલા રસ્તો છે. આ તમામ પરીબળોના કારણે મુખ્ય રોડ સાંકડો થઈ જતા ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નડિયાદ રેલવે સ્ટેશનથી એસબીઆઈ બેંક તરફ થઈ સરદાર સ્ટેચ્યુ અને ત્યાંથી સંતરામ તરફ જતા રસ્તા પર પસાર થવુ રાહદારીઓ અને વાહનચાલકો માટે કઠિણ બન્યુ છે. અહીં આ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર છે. આ ઉપરાંત અહીંયા જ ટાઉન પોલીસ મથક સહિત મુખ્ય બજાર વિસ્તાર અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય બ્રાન્ચ આવેલી છે. જ્યારે તાલુકા પંચાયત કચેરી અને અન્ય મહત્વના સરકારી એકમો આવેલા છે. જેના કારણે દિવસભર આ રોડ પર લોકોની ભારે અવર-જવર રહેતી હોય છે. આવા સમયે આ રોડ પર એક તરફ જૂની કલેક્ટર કચેરી થઈ એસબીઆઈ બેંકની બહારથી તાલુકા પંચાયત સુધી નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન માટે ખોદકામ કરેલું દેખાઈ રહ્યું છે.
કેટલાય દિવસોથી ખોદકામ કર્યા બાદ નગરપાલિકા દ્વારા આ રસ્તાના સુધારા માટે કોઈ પગલા લેવાયા નથી. તો વળી, અહીંયા પોતાના કામ લઈને આવતા લોકો માટે ચોક્કસ પાર્કિંગ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો ગમે તેમ મોટી ગાડીઓ અને ટુ-વ્હીલરો રસ્તા વચ્ચે પાર્ક કરી રહ્યા છે. તો વળી, અહીંયા લારી-ગલ્લાનો પણ અડ્ડો જમાયેલો દેખાતો હોય છે. આવા સંજોગોમાં રોડનો અડધો ભાગ બ્લોક થઈ જાય છે. પરીણામે સાંજના અને સવારના ટ્રાફિકના સમયગાળા દરમિયાન લોકોને ત્યાંથી પસાર થવામાં અગવડતા પડી રહી છે. એટલુ જ નહીં, અહીંયા ટ્રાફિક જામ થઈ જાય તેવા સંજોગોમાં વાહનચાલકોને કલાકો વેડફવાનો વખત આવે છે. અહીંયા નજીકમાં જ ટાઉન પોલીસ મથક આવેલુ છે, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા પાર્કિંગ અને દબાણ મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી, તો વળી, નગરપાલિકા કચેરી પણ 500 મીટરની ત્રિજ્યામાં આવેલી છે, પરંતુ પાલિકા દ્વારા પણ અહીંયા કોઈ પણ ચોક્કસ પગલા લેવાતા નથી. જેના કારણે અંતિમ મુશ્કેલીઓ નાગરીકોને જ ભોગવવાનો વખત આવ્યો છે.