Madhya Gujarat

કઠલાલ- કણજરીમાં પાટીદાર પ્રમુખપદે નિમાયાં

નડિયાદ : કણજરી, કપડવંજ, ઠાસરા નગરપાલિકામાં પણ બીજા અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખો વરાયા છે. કપડવંજ અને ઠાસરામાં નગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી આ પ્રમુખ-ઉપપ્રમુખો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેથી ભાજપ પક્ષમાં ખુશીની લહેર ઉઠી છે. તો આ તરફ કણજરીમાં કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપે સરળતાથી પોતાના હોદ્દેદારોની નિમણૂક કરી દીધી છે. નડિયાદમાં ગુરૂવારે યોજાયેલી નગરપાલિકાના હોદ્દેદારોની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણોને કોરાણે મુકાયાનું સ્પષ્ટ દેખાયુ છે. કારણ કે, નડિયાદમાં અત્યાર સુધી પાટીદાર ફેક્ટર કામ કરતુ હતુ, તેને બદલે વણિક સમાજના પ્રમુખને મેન્ડેટ અપાયો, જ્યારે ઠાસરામાં ક્ષત્રિયને બદલે ત્યાં પણ વણિક ચહેરા પર ભાર મૂકાયો અને આ તરફ કપડવંજમાં પણ જ્ઞાતિ ફેક્ટર સાઈડમાં મુકી પંચાલ સમાજમાંથી પ્રમુખ બનાવાયા છે. અલબત્ત, ઠાસરા અને કપડવંજમાં ઉપપ્રમુખપદે પાટીદારોએ સ્થાન જાળવ્યું છે. જ્યારે કઠલાલ અને કણજરીમાં પ્રમુખપદે પાટીદારો નિમાયાં છે.

ઠાસરા નગરપાલિકામાં ભાજપ બિનહરીફ
જ્યારે ઠાસરા નગરપાલિકાના ભવનમાં યોજાયેલ ઠાસરા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખ પદે મનાલીબેન કુણાલકુમાર શાહ, ઉપપ્રમુખ પદે ભાવિનકુમાર મહેન્દ્રભાઈ પટેલ, કારોબારી ચેરમેનમાં રોનકભાઈ અરવિંદભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે પ્રજ્ઞેશભાઈ ઉષાકાંત ગોહિલ અને દંડક તરીકે ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ જાદવ બિનહરીફ ચૂંટાયા છે.

કણજરીમાં ભાજપે ખેલ પાડી દીધો
કણજરી નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી બાદ 24 બેઠકોમાંથી ભાજપને 12 જ્યારે કોંગ્રેસને 12 સીટો મળી હતી. ત્યારે પહેલી અઢી વર્ષી ટર્મ માટે ચિઠ્ઠી ઉછાળતા કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. આ વખતે ભાજપે ચિઠ્ઠીનું પણ સાહસ લીધુ નથી અને આગળના દિવસે જ કોંગ્રેસના એક મહિલા કાઉન્સિલરને બોર્ડથી દૂર રાખવા માટે પ્રયાસો કર્યા હતા. જેમાં ભાજપને સફળતા મળતા ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા વિજયભાઈ ચંદ્રકાન્તભાઈ પટેલ પ્રમુખ બન્યા છે, જ્યારે પ્રભાતભાઈ બાબુભાઈ ઠાકોર ઉપપ્રમુખ બન્યા છે.

કપડવંજમાં ભાજપના હોદ્દેદારો બિનહરીફ
કપડવંજ નગરપાલિકામાં ભાજપે જે રીતે મેન્ડેટ જાહેર કર્યા તે મુજબ જ બિનહરીફ વરણી કરાય છે. જેમાં પ્રમુખમાં વર્ષાબેન કલ્પેશભાઈ પંચાલ, ઉપપ્રમુખ પદે નીરવકુમાર કનુભાઈ પટેલ, કારોબારી ચેરમેનમાં અલ્પેશભાઈ ભૂદરભાઈ પંડ્યા, પક્ષના નેતા તરીકે દક્ષેશભાઈ ભરતભાઈ કંસારા અને દંડક તરીકે નીતિનભાઈ કનૈયાલાલ શાહની વરણી કરાઈ છે.

કઠલાલમાં ભાજપના 5 સભ્યએ ક્રોસવોટીંગ કર્યું
કઠલાલ : કઠલાલ પાલિકામાં પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં પાર્ટીની નો રિપીટની થિયરીને નેવે મૂકી આગળની ટર્મના ઉપ પ્રમુખ હર્ષદ પટેલને ભાજપે મેન્ડેડ આપતાં ભાજપના પાંચ સભ્યોએ બળવો કરી સાયકલ પર સવાર થઈ થોડા સમય અગાઉ સાયકલમાંથી ભાજપમાં જોડાયેલ પ્રશાંત દિલીપભાઈ પટેલ તરફે 9+5 મળી કુલ 14 સભ્યોએ વોટિંગ કરતા સ્થાનિક ધારાસભ્યની હાજરીમા ભાજપને થાપ ખાવાની વારી આવી હતી.

કઠલાલ પાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લી ઘડીએ હર્ષદભાઈ પટેલના નામનું મેન્ડેડ જાહેર કરવામાં આવતા તેઓએ ભાજપ તરફી પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવી હતી.જેના લઈ પ્રશાંત દિલીપભાઈ પટેલ દ્વારા હર્ષદ પટેલની સામે પ્રમુખ પદની દાવેદારી નોંધાવવાંમાં આવી હતી.ભાજપ તરફી ઉપ પ્રમુખ પદે જીજ્ઞેશ હર્ષદભાઈ ભાવસાર દ્વારા ઉમેદવારી નોંધાવતા સામે દાવેદાર ન હોવાથી બીન હરીફ થયા હતા.પરંતુ પ્રમુખ પદ માટે બે ઉમેદવાર થતા અગાઉ સાયકલના મેન્ડેડ પર જીતેલા 9 સભ્યો સહિત ભાજપના 5 સભ્યોએ મળી પ્રશાંત પટેલ તરફી મતદાન કરતા તેઓને પ્રમુખ તરીકે જાહેર કરાયા હતા.

બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય પણ સમગ્ર ઘટના ક્રમ દરમ્યાન હાજર હતા.તેઓને ક્રોસ વોટિંગની જાણ થતા ચૂંટણી રૂમ બહાર લાલ પીળા થઈ ગયા હતા.જ્યારે કેટલાક પાર્ટીના હોદ્દેદારો ચૂંટણી રૂમ બહાર ક્રોસ વોટિંગ કરનાર મહિલાઓના પતિને ગર્ભિત ધમકીઓ આપતાં હોવાનો ગણગણાટ ઉઠ્યો હતો.અગાઉ અઢી વર્ષ પ્રમુખ રહી ચૂકેલ સભ્ય દ્વારા પણ ક્રોસ વોટિંગ કરતા ભાજપે મેન્ડેડ આપવામાં થાપ ખાધી હોવાનો નગરમાં સુર ઉઠ્યો હતો. ચૂંટણી જીત્યા બાદ પ્રમુખ-ઉપપ્રમુખ દ્વારા વિજય યાત્રા કાઢવામાં આવતા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top