Surat Main

પેપરલીક મામલે સુરતમાં બબાલ : આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, 20 જણાને ઢસડીને પોલીસ ઉઠાવી ગઈ

સુરત: પેપરલીક કૌભાંડ (Paperleak Scam) મામલે આજે સુરતમાં (Surat) ધમાલ મચી હતી. આજે ગુરુવારે સવારે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના (Aam Admi Party) કાર્યકરો અને આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, ત્યારે કચેરીના દરવાજા પર જ પોલીસે અટકાવી દેતાં બંને પક્ષે ઘર્ષણ થયું હતું. તેમ છતાં આપના કાર્યકરો કલેક્ટર કચેરીમાં ધસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે પોલીસે ટીંગાટોળી કરી બળજબરીપૂર્વક આપના કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોને ખેંચી ખેંચીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. અંદાજે 20 જેટલાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે.

હેડક્લાર્કની પરીક્ષાના પેપર ફૂટવાના કૌભાંડે હવે રાજકીય રંગ લીધો છે. આ કેસમાં સરકારમાં સામેલ કેટલાંક લોકોની સંડોવણીની આશંકા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કસૂરવારો સામે ખાસ કરીને અસિત વોરા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ઠેરઠેર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. બે દિવસ પહેલાં ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન વેળા આપના કાર્યકરો પર પોલીસે દંડાવાળી કરી હતી. કેટલાંક કાર્યકરોના માથા ફૂટી ગયા હતા. આગેવાનોને પોલીસે જેલ ભેગા કર્યા હતા. ગઈકાલે મહેશ સવાણીને પણ અમદાવાદમાં પોલીસે પકડી લીધા હતા. હવે આ વિરોધની આગ સુરત સુધી આવી પહોંચી છે.

ભાજપ ચોર છે, સી.આર પાટીલ ચોર છે.. આપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા

આપના કાર્યકરો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીના ગેટ પર જ ઘર્ષણ થયું હતું. આપના કાર્યકરોએ આવેદનપત્ર આપવા માટે જિલ્લા સેવા સદનની અંદર જવા દેવા પોલીસને રજૂઆત કરી હતી, પરંતુ તેમને અંદર જવા દેવામાં આવી રહ્યાં નહોતા. આથી આપના કેટલાંક કાર્યકરોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ભાજપ પાર્ટી ચોર છે. સી.આર. પાટીલ ચોર છે. આ પ્રકારના સતત નારા લગાડવામાં આવી રહ્યાં હતાં. પાટીલના વિરોધમાં આપના કાર્યકરો દ્વારા જબરદસ્ત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

બે દિવસ પહેલા વરાછા વિસ્તારમાં સહી ઝુંબેશ કર્યા બાદ આજે આપના કાર્યકરો સવારે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા. કલેકટર કચેરી ખાતે આપના કાર્યકરો અને નેતાઓ દ્વારા ભાજપના નેતાઓના નામના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેના કારણે પોલીસે તેમને અટકાવ્યા હતા પરંતુ આપના કાર્યકરો ઘર્ષણમાં ઉતર્યા હતા જેથી પોલીસે બળ પ્રયોગ કરતા પહેલા જ કાર્યકરોને રાઉન્ડઅપ કરવાનું શરૂ કર્યુ હતું.

અમે આતંકવાદી નથી, મહિલાઓએ બળાપો વ્યક્ત કર્યો

મહિલા કાર્યકરોને મહિલા પોલીસે ટીંગાટોળી કરીને વાનમાં બેસાડી હતી. મહિલાઓએ કહ્યું હતું અમે આતંકવાદી નથી. અમે લોકોના પ્રશ્નો ઉઠાવવા આવ્યા છે, પરંતુ તેમ છતાં તેઓને પણ ખેંચીને વાનમાં બેસાડવામાં આવ્યા હતા.બીજી તરફ અન્ય પોલીસ જવાનો પણ આપના કાર્યકરોને ટીંગાટોળી કરીને વાનમાં લઇ જતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા સવારમાં જ આમ આદમી પાર્ટીના 20 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે અને તમામ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top