Entertainment

પલ્લવીનો ‘જોશ’ એકટ્રેસ તરીકે સારો તો નિર્માત્રી તરીકે ન્યારો

પલ્લવી જોશી અચાનક ચર્ચામાન આવી ગઇ. જેમ નીના ગુપ્તા ભુલાયેલી હતી અને હવે ચર્ચામાં છે. કળાકારોના જીવન એવાં જ હોય છે. પલ્લવીનો ફરી પરિચય થયો ત્યારે તે ફકત અભિનેત્રી જ નથી, નિર્માત્રી પણ છે અને નિર્માત્રી તરીકે તો તે ચાર ટી.વી. સિરીયલ- ‘અનુબંધ’, ‘આરોહણ’ અને ‘અસંભવ’- ‘ભારત કી બાત’ સાથે પણ જોડાયેલી હતી. પોતે સિરીયલ બનાવે ત્યારે તે પોતાને અભિનય કરવા મળે એ માટે નથી બનાવતી. તેના માટે વિષય મહત્વનો હોય છે. ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પણ ઇતિહાસના ચુકાયેલા સમયને ફરી કહેવા માટે બનાવી છે. પલ્લવી અને તેના પતિ વિવેક અગ્નિહોત્રી પહેલીવાર આખા દેશમાં ચર્ચાયા. પહેલીવાર અઢળક કમાયા. અમેરિકા, યુરોપ, જર્મની, સિંગાપોર, થાઇલેન્ડ, બેંગકોક સહિત અનેક દેશોમાં તે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ લઇને ફરી રહી છે.

પોતાની આ ફિલ્મ તેના માટે માત્ર વ્યવસાયિક સાહસ નથી. આ ફિલ્મ વડે તેણે ભારતમાં જે બન્યું હતું તે અન્ય દેશોને કહેવું છે અને તે તેના માટે ન્યાયની પ્રક્રિયાના ભાગરૂપે છે. આપણે દસ્તાવેજી ફિલ્મોની વાત કરતા રહ્યા અને આ ક્રિયેટ કરેલી દસ્તાવેજી ફિલ્મ છે, જે તથ્ય આધારીત છે. હવે તેઓ એવી જ બે ફિલ્મો બનાવી રહ્યા છે એવા જ ઘટનાક્રમ પર આધારીત છે જેને આપણે વિગતે જાણતા નથી. પલ્લવી જોશીને આપણે જાણતા થયાતે પહેલાં તેના ભાઇ અલંકાર જોશીને જાણતા થયેલા જે બાળકલાકાર તરીકે ખૂબ જ લોકપ્રિય હતો. બંને ભાઇ-બહેન દેખાય છે પણ સરખા.

અલંકારને મોટા થવાનો મોકો નહીં મળ્યો પણ ‘સુરજ’, ‘અંદાઝ’ ‘સીતા ઔર ગીતા’, ‘ખોટે સિક્કે’, ‘દીવાર’, ‘શોલે’ સહિતની તેની ઘણી ફિલ્મો યાદ આવશે. પલ્લવીની કારકિર્દી તેનાથી થોડી મોડી શરૂ થયેલી. પણ તે બે નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવી ચુકી છે. તે પણ તેના ભાઇની જેમ જ બાળ કળાકાર રહી છે પણ પછી ‘રિહાઇ’, ‘સુરજ કા સાતવાં ઘોડ’, ‘ત્રિષાગ્નિ’, ‘રૂકમાવતી કી હેવલી’, ‘વોહ છોકરી’માં કામ કર્યું ત્યારે બધાને સમજાયું કે તે વિચાર ગંભીર છે. બેનેગલની ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’માં તે કસ્તુરબા ગાંધી છે. તેની અન્ય ફિલ્મોમાં ‘ઇન્સાફ કી આવાઝ’, ‘અંધા કાનૂન’, ‘મુજરિમ’, ‘સૌદાગર’, ‘પનાહ’ છે. ટી.વી. સિરીયલોનો સમય શરૂ થયો તો તેણે ‘તલાશ’, ‘આરોહણ’, ‘અલ્પવિરામ’, ‘જૂસ્તુજૂ’ જેવી સિરીયલોમાં કામ કર્યું. તેણે મલયાલમ ને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રેણુકા શહાણે દિગ્દર્શીત મરાઠી ફિલ્મમાં તેણે રીટાની મુખ્ય ભૂમિકા ભજવી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની પ્રોફેસર રાધિકા મેનન આપણી આંખ સામે છે. વિવેક અગ્નિહોત્રીને તે 1997માં પરણી અને હવે તેઓ બે સંતાનોના માતા પિતા છે. ગયા વર્ષે જ તે ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ માટે નેશનલ એવોર્ડ મેવી ચુકી છે અને તેમાં તેણે ઇતિહાસકાર આયેશા અલી શાહની ભૂમિકા ભજવેલી.

Most Popular

To Top