Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાતમાં શિક્ષકોએ હડતાલ પાડી તે પછી આ વર્ષે સ્કૂલ પરીક્ષા બોર્ડ દ્વારા રેકોર્ડ બ્રેક પરિણામ આપવામાં આવ્યાં છે. જાહેર પરીક્ષાઓ માટે સતત યુપી બિહારની ટીકા કરનારા સૌ ગુજરાતીઓએ ગુજરાતના શિક્ષણની ચિંતા કરવા જેવી છે. દસમાનું ૮૨ ટકા, બારમા સામાન્ય પ્રવાહનું ૯૦ ટકાથી વધુ અને સાયન્સનું ૮૨ ટકાથી વધુ પરિણામ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ ઊંચાં પરિણામો માટે ચિંતા એટલે છે કે અગાઉ ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન કોરોનાના કારણે શિક્ષણ લગભગ આડા પાટે ચડી ગયું હતું.

આપણે ઓનલાઈન શિક્ષણથી આશ્વાસન મેળવ્યું હતું . સાચી ચિંતા એ હતી કે આઠમા-નવમામાં ભણતાં બાળકો બોર્ડની પરીક્ષામાં આવશે તો શું થશે? વળી દસમા બોર્ડમાં લગભગ માસ પ્રમોશન પામેલાં વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે તો શું થશે? પણ જે દેશ કે રાજ્યમાં વેપારીઓ જાગૃત હોય ત્યાં પ્રજા ભલે સરખી રીતે જીવી ના શકે, પણ વેપારીઓ તેને મારવા પણ ના દે તે નક્કી. જ્યાં પ્રજા નેતાઓ પાછળ આંધળો વિશ્વાસ મૂકતી હોય, નેતાઓ અધિકારીઓના ભરોસે શાસન ચલાવતા હોય અને અધિકારીઓ વેપારીઓ સાથે મળેલા હોય ત્યાં પ્રજા સીસ્ટેમેટીક્લ લુંટાયા કરે.

ગુજરાતના ઉચ્ચ મધ્યમ વર્ગમાં બાળકોની સંખ્યા સતત ઘટતી જાય છે. શહેરી કુટુંબોમાં હવે એક કે બે જ બાળકો હોય છે એટલે પ્રાથમિકમાં પ્રવેશ મેળવતાં બાળકોની  સંખ્યા ઘટતી જાય છે. આગળ જતાં દસમા અને બારમામાં બેસતાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વર્ષ દર વર્ષ ઘટી જ જવાની છે. ખાનગીકરણના પવન પછી ગુજરાતમાં ખાનગી સ્કૂલ કોલેજોનો રાફડો ફાટ્યો. એન્જિનિયરીંગ,ફાર્મસી, સાયન્સ વગેરેમાં બોર્ડની પરીક્ષામાં બેસતાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધી જાય એટલી બેઠકો વધી ગઈ. શરૂઆતમાં પ્રવેશ માટે પડાપડી થઇ. ડોનેશનો લેવાયાં. પણ પાઘડીનો વળ છેડે…કોલેજો વધતી ગઈ, વિદ્યાર્થીઓ ઘટતાં ગયાં. એમાંય ગયાં વર્ષોમાં થોડાં નીચાં પરિણામો આવ્યાં અને બેઠકો ખાલી રહી તેમાં શિક્ષણના બજારમાં ફાળ પડી. હાય હાય….આ તો નુકસાન!

આપણે ત્યાં શિક્ષણ સંસ્થાઓમાં રાજકારણીઓ અને અધિકારીઓ,વેપારીઓ પાછલા બારણે જોડાયેલા છે. માટે પરીક્ષા પદ્ધતિ સરળ કરો, પ્રશ્નપત્ર સરળ કરો ની ફોર્મ્યુલા આવી. અધૂરામાં પૂરું પેપર તપાસતી વખતે વિદ્યાર્થીના જવાબમાં “હાર્દ’’- જુવો ની સૂચના આવી. આ સૂચનાનું ખરેખર હાર્દ આજે પરિણામ સ્વરૂપે આપણી સામે છે. ગુજરાતમાં હવે સ્કૂલો અને કોલેજોની અછત નહીં પડે! “સબકા સાથ સબકા વિકાસ,’’ જેણે પરીક્ષા આપી તે તમામ પાસ.” ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જો ગુજરાતના ઉજજવળ ભવિષ્ય માટે સહેજ પણ ચિંતિત હોય તો તેણે તાત્કાલિક ધોરણે આ ઊચાં પરિણામો માટે બેઠક બોલાવવી જોઈએ. પરીક્ષા બોર્ડની વિશ્વસનીયતા માટે ચિંતા કરવી જોઈએ. દર વખતે નીચા પરિણામ માટે ચિંતા થાય છે, પણ ખરેખર તો ઊંચાં પરિણામ માટે ચિંતા કરવાની જરૂર છે. પણ આવું નહિ થાય કારણ કે ગુજરાતમાં તો હવે ખાનગી સ્કૂલ કોલેજોમાં પ્રવેશ માટે રૂપિયા આપવાની યોજના પણ અગાઉથી જ ઘડી નાખવામાં આવી છે.

સરકારના રૂપિયા સીસ્ટમેટિક રીતે ખાનગી સંચાલકોના ખિસ્સામાં જાય તે વ્યવસ્થામાં વિદ્યાર્થી અને વાલી તો માધ્યમ માત્ર છે. માટે ખરેખર તો હવે ગુજરાતમાં વાલીઓએ જાગૃત થવાની જરૂર છે. જો જરૂર ના હોય તો બાળકને બારમા ધોરણ પછી જનરલ એજ્યુકેશનમાં ભણાવવાને બદલે કાઈ રોજગારલક્ષી કૌશલ્યલક્ષી કોર્સમાં ભણાવજો. શિક્ષણના આ બજારમાં તમને નપાસ કોઈ નહિ કરે, ફી ભરો અને આગળ વધો ના વિષચક્રમાં ફસાતાં પહેલાં વિચારજો.બોર્ડનાં ઊંચાં પરિણામો શિક્ષણના નીચા ધોરણનું પરિણામ છે. ‘ધૂમકેતુ’ લખી ગયા છે, પડે છે ત્યારે સઘળું પડે છે. જ્યોતીન્દ્ર દવેએ હળવી શૈલીમાં લખ્યું હતું કે દાળ બગડે તેનો દિવસ બગડે ,અથાણું બગડે તેનું વરસ બગડે પણ શિક્ષણ બગડે તેનું જીવન બગડે!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top