Top News

More Posts

   The Latest

Most Popular

એક સફળ બિઝનેસમેનને ‘બિઝનેસમેન ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો.એવોર્ડ સમારંભ બાદની પત્રકાર પરિષદમાં બધા પત્રકારો તેમને ઘેરી વળ્યા અને તેમનો ઈન્ટરવ્યુ લેવાનો સમય મેળવવાની કોશિશ કરવા લાગ્યા. બિઝનેસમેન બોલ્યા, ‘ચાલો, અત્યારે મને બીજું કોઈ કામ નથી તો હમણાં જ અડધો કલાક તમને બધાને આપું છું. સાથે જ ઈન્ટરવ્યુ લઇ લો, જેથી મારો અને તમારા બધાનો સમય બચે અને આજનું કામ આજે જ થઈ જાય.’ બિઝનેસમેન એક સોફા પર બેઠા.બધા પત્રકારો સવાલો વિચારવા લાગ્યા અને એક પછી એક પૂછવા લાગ્યા, બિઝનેસમેને પોતાના જીવન વિષે ,બાળપણ વિષે ,પરિવાર વિષે ,શરૂઆતના દિવસો વિષે, સફળતાઓ અને નિષ્ફળતાઓ વિષે પ્રામાણિક જવાબો આપ્યા. એક પત્રકારે પૂછ્યું, ‘સર, તમારા મત પ્રમાણે જીવનમાં સફળ બિઝનેસ શરૂ કરવા શું સૌથી વધુ જરૂરી છે?

એક આઈડિયા , ઇન્વેસ્ટમેન્ટ, માર્કેટિંગ, મેનેજમેન્ટ સ્કીલ …’બિઝનેસમેન બોલ્યા, ‘ના, આ બધું બિઝનેસ શરૂ કરવા જરૂરી છે પણ તેને સફળ બનાવવા માટેની સિક્રેટ ફોર્મ્યુલા કૈંક અલગ જ છે!’ બધા પત્રકારોને આવો જવાબ સાંભળી નવાઈ લાગી અને બિઝનેસમેનની સિક્રેટ ફોર્મ્યુલા જાણવા બધા આતુર બન્યા. બિઝનેસમેન બોલ્યા, ‘આ સિક્રેટ ફોર્મ્યુલાનું નામ છે સફળતાની છ ચાવીઓ, જે મારા દાદા જેઓ નાના દુકાનદાર હતા તેમણે મને આપી છે.જીવનમાં બિઝનેસમાં કે બીજા કોઇ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આ છ ચાવીઓ બધાને જ કામ લાગે છે.સૌથી પહેલી ચાવી છે ‘સખત મહેનત’, નસીબ પર આધાર રાખીને બેસો નહિ. સતત એકસરખી અટક્યા વિના મહેનત કરો.ટૂંકા અને સહેલા રસ્તા ન શોધો.

આકરી મહેનત જ સફળતા અપાવે છે.બીજી ચાવી છે ‘ધીરજ’,તમે મહેનત કરો છો પણ ફળ નથી મળતું તો ધીરજ રાખો, તમે ધીરજ ગુમાવશો તો હારી જશો.તરત કંઈ નથી થતું પણ ધીમે ધીમે ચોક્કસ થાય છે અને એક દિવસ સફળતા મળે જ છે.ત્રીજી ચાવી છે ‘ત્યાગ.’ જીવનમાં જે જોઈએ તે મેળવવા માટે સૌથી પહેલાં જે ગમે છે તે બધાનો ત્યાગ કરવો પડે.આરામ છોડી મહેનત કરો, મોજ મસ્તી છોડીને કામ કરો.તમારી બધી તાકાત અને બધો સમય કામને આપી દો તો કામ તમને સફળતા અપાવશે. ચોથી ચાવી છે ‘શિસ્ત.’જીવનમાં જે કરો તે શિસ્ત જાળવીને કરો તો તમારો વિકાસ ચોક્કસ થશે.

કામ કરવાનું મન ન હોય છતાં કામ કરવું જરૂરી છે તે શિસ્ત છે.દરેક કામ સમય પર કરવું શિસ્ત છે.પાંચમી ચાવી છે ‘આત્મવિશ્વાસ’ પોતાની જાત પર અને પોતાના કામ પર વિશ્વાસ રાખી આગળ વધવું.બીજા ભલે શંકા કરે કે નકારાત્મક વાતો કરે આપણો આત્મવિશ્વાસ ક્યારેય ગુમાવવો નહિ. છઠ્ઠી ચાવી છે ‘એકધારિતા.’સતત એક સરખું કામમાં રત રહેવું , મહેનત કરતાં રહેવું, એક સરખી મહેનત સામાન્યને પણ શ્રેષ્ઠ બનાવી દે છે.એક સરખી અટક્યા વિનાની મહેનત ચોક્કસ સફળતા અપાવે છે.’બિઝનેસમેને આ છ ચાવીવાળો સિક્રેટ ફોર્મ્યુલા સમજાવી પોતાની સફળતાનું રહસ્ય સમજાવી દીધું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top