Top News

More Posts

   The Latest

Most Popular

પ્રતિનિધિ વડોદરા તા.20
વૃદ્ધ મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્રની ચીલઝડપ કરનાર તથા ઘરફોડ ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે હરણી રોડ પર વૃંદાવન ટાઉનશિપ પાછળથી ઝડપી પાડ્યા હતા. બંને આરોપી પાસેથી સોનાની ચેન, ચાંદીની વસ્તુઓ બાઈક અને બે મોબાઇલ મળી 2.30 લાખનો મુદ્દા માલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં અવાર નવાર ચાલવા નીકળેલી મહિલાઓને ગળામાંથી સોનાની ચેન કે મંગળસૂત્ર આંચકી લેવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે આવા બાઈક ચેન સ્નેચરોને ઝડપી પાડવા માટે ક્રાઈમની ટીમ 19 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી હરણી રોડ વૃન્દાવન ટાઉનશીપ પાછળ બે શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યા છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે બાતમી મુજબના સ્થળ પર જઈને બે શખ્સ દિલીપ રમણ વાદી તથા અક્ષય પુનમ દેવીપુજક (બંને રહે. વુડાના મકાન, વાઘોડીયા રોડ)ને ઝડપી પાડ્યા હતા. બંને શખ્સોની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અંગઝળતી કરાતા તેઓ પાસેથી બે મોબાઇલ તથા એક તુટેલ સોનાની ચેઇન તેમજ થેલીમાંથી ચાંદીની વસ્તુઓ મળી આવી હતી. આ બન્ને પાસેથી મળેલી વસ્તુઓ તેમજ તેઓ પાસેના મોબાઇલ અને બાઈકના પુરાવો રજુ કરવા કહેતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. જેથી બન્નેની પુછપરછ કરતા ત્રણેક દીવસ પહેલા વાઘોડીયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસેની ગલીમાં ચાલતા જઇ રહેલ વૃધ્ધ મહીલાના ગળામાંની સોનાની ચેઇન આંચકી હતી ત્યારબાદ તે જ સમયે રસ્તે હાથમાં થેલી લઈને જઈ રહેલી મહીલાના હાથમાંથી પર્સ સાથેની થેલી ઝુંટવી લીધી હતી. ઉપરાંત સાતેક મહીના પહેલા સિંધવાઇ માતા રોડ ખાતેની નંદીગ્રામ સોસાયટીના મકાનમાંથી રોકડ રકમની તેમજ અઢી માસ પહેલા પાણીગેટ આર્યુવેદીક કોલેજ પાસેની નવનીતપાર્ક સોસાયટી બંધ મકાનમાંથી સોનાચાંદીના દાગીના વસ્તુઓની ઘરફોડ ચોરી તથા આમોદર ગામ પાસેથી એક વ્યક્તિના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લીધો હતો.આમ ક્રાઈમ બ્રાન્ચે સોનાની ચેઇન, ચાંદીની વસ્તુઓ, બે મોબાઈલ અને બાઇક મળી રુ. 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે બન્ને શખ્સને પાણીગેટ અને મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

To Top