Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિકના (Paris Olympics) સમાપન બાદ હવે પેરિસ પેરાલિમ્પિક 2024 (Paris Paralympics 2024) રમાઇ રહી છે. જે 28 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. આ પેરાલિમ્પિકમાં ભારતે ઇતિહાસ રચી દીધો છે. ગઇકાલે રમાયેલી ટૂર્નામેન્ટ્સમાં ભારતે એક જ દિવસમાં કુલ 8 મેડલ્સ જીત્યા હતા. આ સાથે જ ભારત પાસે હવે કુલ 15 મેડલ થઇ ગયા છે.

પેરિસ પેરાલિમ્પિક્સનો 5મો દિવસ ભારત માટે ઐતિહાસિક રહ્યો હતો. ભારતે ગઇકાલે સોમવારે તા. 3 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડ 8 મેડલ જીત્યા હતા. ત્યારે ઓલિમ્પિક અને પેરાલિમ્પિકના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી, કે જ્યારે ભારતે એક જ દિવસમાં આટલા મેડલ જીત્યા હોય. ભારતે પાંચમા દિવસે બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. જેમાં ભારતના યોગેશે દિવસની શરૂઆત સિલ્વર સાથે કરી હતી જ્યારે નિત્યાએ બ્રોન્ઝ સાથે દિવસનો અંત કર્યો હતો. દરમિયાન નીતેશ કુમાર અને સુમિત એન્ટિલે પાંચમા દિવસે ભારત માટે ગોલ્ડ જીત્યો હતો.

પેરિસ પેરાલિમ્પિક્સના પાંચમા દિવસે ગઇકાલે સુમિત એન્ટિલે 70.59 મીટરના રેકોર્ડ થ્રો સાથે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે ભારતનો આ મેડલ દિવસનો સાતમો મેડલ હતો. સુમિત ઉપરાંત ભારતના સંદીપ અને સંદીપ સંજય સરગરએ પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જ્યારે સંદીપ ચોથા અને સંદીપ સરગર સાતમા ક્રમે રહ્યા હતા. સુમિત પહેલા તીરંદાજ શીતલ દેવી અને રાકેશ કુમારે મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત માટે આ દિવસનો છઠ્ઠો મેડલ હતો.

સોમવારે ભારતે બેડમિન્ટનમાં પાંચ મેડલ જીત્યા હતા. જેમાં નીતેશ કુમારે પુરુષોની પુરૂષ સિંગલ્સ SL3 મેચમાં બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે તુલસીમાથી મુરુગેસનને મહિલા સિંગલ્સ SU5 ગોલ્ડ મેડલ મેચમાં ચીનની કિયુ ઝિયા યાંગ સામે હાર્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે મનીષા રામદાસે દિવસનો ત્રીજો મેડલ જીત્યો હતો. મનીષાએ ડેનમાર્કની કેથરીન રોસેનગ્રેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સુહાસ યથિરાજે સિલ્વર જીતીને ભારતને બેડમિન્ટનમાં ચોથો મેડલ અપાવ્યો હતો. સુહાસને ગોલ્ડ મેડલ મેચમાં પુરૂષ સિંગલ્સ SL4 ઇવેન્ટની ફાઇનલમાં ફ્રાન્સના લુકાસ મઝુર સામે સીધી ગેમમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દિવસનો છેલ્લો બ્રોન્ઝ મેડલ નિત્યાએ જીત્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ પ્રથમ વખત છે જ્યારે ભારતે સતત બે પેરાલિમ્પિક ગેમ્સમાં ડબલ ડિજિટની મેડલ ટેલીને પાર કરી છે. ટોક્યોમાં ભારતે 19 મેડલ જીત્યા હતા. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે. ત્યારે આ 15 મેડલ્સ સાથે ભારતને મેડલ ટેલીમાં ફાયદો થયો છે. ભારત હવે 15મા સ્થાને છે. આ પહેલા એટલે કે 5મા દિવસની રમત શરૂ થાય તે પહેલા ભારત પાસે 7 મેડલ હતા અને ભારત 27માં સ્થાને હતું.

To Top