Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ પરિવાર મને પ્રેમ નથી કરતો, મોટા ભાઈને કરે છે અને એને જ બધું લઈ દે છે, પરિવારથી નારાજ થઈ મધ્યપ્રદેશનો 12 વર્ષનો બાળક સુરત આવી ગયો હતો. બાળક ઘરેથી સાયકલ લઈને સ્કૂલે જવા નીકળ્યો હતો. ત્યારબાદ તે સ્કૂલે જવાની જગ્યાએ ટ્રેનમાં બેસીને સુરત આવી ગયો હતો. તેમજ બાળક ઘરે ‘મુઝે અપનોંને લુંટા ગૈંરોમે કહાં દમ થા, મુઝે મમ્મીને મારા ગૈંરોમે કહા દમ થા’ તેમ ચીઠ્ઠી લખીને મૂકી આવ્યો હતો. સુરત રેલવે પોલીસે બાળકને સહી-સલામત પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો.

  • પરિવાર મને પ્રેમ નથી કરતો, મોટાભાઈને કરે છે અને એને જ બધું લઈ દે છે, પરિવારથી નારાજ થઈ બાળક ઘરેથી નીકળી પડ્યો હતો
  • ઘરેથી સાયકલ લઈને સ્કૂલે જવા નીકળેલા MPના બાળકનું સુરત રેલવે પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસની શી ટીમ પેટ્રોલીંગમાં હતી, દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર એક બાળક એકલો બેસેલો હતો. જેથી પોલીસની નજર તેની ઉપર પડી હતી. પોલીસને શંકા જતાં બાળકની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ બાળકે કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેથી તેને પોલીસ મથકે લઈ આવ્યા હતા અને વિશ્વાસમાં લઈને તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

જેમાં ‘માતા-પિતા તેને પ્રેમ કરતા ન હતા અને મોટા ભાઈને પ્રેમ કરે છે, બધી વસ્તુઓ મોટાભાઈને જ લઈ આપે છે. તેને કંઈ લઈ દેતાં નથી તેમજ તેને ભણવા બાબતે બોલ્યા કરતાં’ હોય તે વાતનું માઠું લગાવી તે સોમવારે ઘરેથી સાયકલ લઈને સ્કૂલે જવા નીકળ્યો હતો. દરમિયાન તે મધ્યપ્રદેશના રીવા રેલવે સ્ટેશન ખાતે સાયકલ મૂકીને ટ્રેનમાં ચડીને સુરત આવી ગયો હતો.

વધુમાં તે 12 વર્ષનો હોય અને ઘરે પરત જશે તો માતા-પિતા તેને મારશે તે બીકથી પોલીસને પરિવારનો મોબાઈલ નંબર આપતો ન હતો. પોલીસે બાળકને વધુ વિશ્વાસમાં લઈને ઘરનું એડ્રેસ લઈને ગુગલ મેપ પર સર્ચ કરી નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી બાળક વિશે જાણકારી મેળવી હતી. જેમાં બાળકના પિતાએ રામપુર બધેલાન પોલીસ સ્ટેશનમાં બાળકની મિસિંગ ફરિયાદ નોંધાવી હતી. તેમજ તે ઘરે એક ચીઠ્ઠી લખીને ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

જેથી સુરત રેલવે પોલીસે પરિવારનો સંપર્ક નંબર લઈ પરિવારનો સંપર્ક કરી તેના માતા-પિતાને સુરત બોલાવી પરિવારને સહી સલામત બાળક સોંપ્યો હતો અને માતા-પિતાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્યની બહાર નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

જબ મૈં કમાને લગુંગા, તબ મૈં મોબાઈલ ખરીદ કે પાપા કો ફોન કરૂંગા
”મુઝે અપનોને લુંટા ગૈરોમેં કહાં દમ થા, મુઝે મમ્મીને મારા ગૈરોમેં કહાં દમ થા, મૈં જા રહા હુ, મુઝે મત ઢુંઢના. જબ મૈં કમાને લગુંગા તબ મૈં મોબાઇલ ખરીદ કર પપ્પા કો ફોન કરૂંગા.”

To Top