Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: ( Surat) શહેરની યુનિક હોસ્પિટલમાં મહારાષ્ટ્રથી સારવાર માટે આવેલી આધેડ મહિલાનું ગઈકાલે બપોરે મોત નીપજ્યું હતું. છતાં હોસ્પિટલ દ્વારા બિલના (Bill) રૂપિયા બાકી હોવાથી 24 કલાક બાદ આજે બપોરે મૃતદેહ (Dead body) સોંપવામાં આવ્યો હોવાનો આક્ષેપ પરિવારે કર્યો હતો. હોસ્પિટલે (Hospital) 2.70 લાખ બાકી બિલ વસૂલવા 24 કલાક મૃતદેહ નજરકેદ રાખ્યો હોવાની વાત સામે આવી છે. આ બાબતે પરિવારે પોલીસ (Police) કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી જેથી મૃતદેહ કેમ્પસમાં લાવારીસ મૂકી દેવાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. આખરે પોલીસે મૃતદેહ આપવા બાબતે સમજાવી સમાધાન કરાવ્યું હતું.

  • ખાનગી હોસ્પિટલો માટે કોરોના એટલે ધૂમ કમાણીનું સાધન બની ગયું
  • મૃતદેહ નીચે કેમ્પસમાં બિનવારસી હાલતમાં મૂકી દેવાયો હતો
  • પોલીસે મૃતદેહ આપવા બાબતે સમજાવી સમાધાન કરાવ્યું

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ યુનિક હોસ્પિટલ દ્વારા બિલના રૂપિયા બાકી હોવાથી મહારાષ્ટ્રની એક આધેડ મહિલાની લાશને 24 કલાક નજરકેદ રાખવામાં આવી હતી. આધેડ મહિલા છેલ્લા 17 દિવસથી સારવાર હેઠળ હતી. મહિલાના સંબંધી પૃથ્વીરાજસિંહે જણાવ્યું હતું કે, સુલોચનાબેન જમાદાર મહારાષ્ટ્રના વતની છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સુરતમાં સારવાર માટે ખસેડાયાં હતાં. છેલ્લા 17 દિવસથી દર્દી યુનિક હોસ્પિટલમાં દાખલ હતી. શરૂઆતમાં પરિવારે 2.70 લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવી હતી.

આ સિવાય પાંચ લાખનું મેડિકલ બિલ આપ્યું હતું. ગઈકાલે બપોરે બે વાગે તેમનું મોત થયું હતું. તેમના મોત બાદ હોસ્પિટલ દ્વારા બીજા 2.70 લાખ રૂપિયા બિલની માંગણી કરાઈ હતી. પરિવારજનોએ સ્વજનનાં મોત બાદ બિલ આપવા હાલ પૈસાની સગવડ ન હોવાનું કહ્યું હતું. જેથી હોસ્પિટલ દ્વારા બુધવારે સવાર સુધી મૃતદેહ સોંપાયો ન હતો. અંતે પરિવારજનોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં ખટોદરા પીસીઆર વાન પહોંચી ગઈ હતી. પોલીસને જાણ કરતાં હોસ્પિટલ દ્વારા મૃતદેહ નીચે કેમ્પસમાં બિનવારસી હાલતમાં મૂકી દેવાયો હતો. આ અંગે યુનિક હોસ્પિટલ સાથે વાત કરવા પ્રયાસ કરાતાં તેમણે ફોન લીધો નહોતો.

હોસ્પિટલવાળાને સમજાવી મૃતદેહ અપાવ્યો
ખટોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમમાંથી જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દોડી ગયા હતા. હોસ્પિટલને મૃતદેહ આપવા બાબતે સમજાવી સમાધાન કરાવ્યું હતું. અને બપોરે અઢી વાગે મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.

To Top