એક બાજુ રાષ્ટ્રભક્ત સંપાદકની ચેટથી એમની રાષ્ટ્રભક્તિનાં છીંડાં ખુલ્લાં પડી ગયાં છે ત્યારે ક્યાંક વિચાર એવો આવે છે કે આવનાર 26મી જાન્યુઆરીએ આપણે જે દેશભક્તિ દેખાડીશું કે દેશદાઝ દેખાડવાનો પ્રયત્ન કરીશું એ દંભી તો નથી ને? કેમ કે દેશપ્રેમ ક્યારેય એક દિવસ કે એક સમય પૂરતો મર્યાદિત નથી.
એ તો હવા જેવું છે, જે 24 કલાક માણસની સાથે રહે છે, સાચો દેશપ્રેમી એના દેશપ્રેમને જીવે છે, જાણે છે અને માણે છે, પણ છેલ્લા કેટલાક સમયથી દેખાઈ રહયું છે કે ભારતમાં દર 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરીએ દેશભક્તિનો પ્રવાહ સોશ્યલ મીડિયામાં ઉભરાય છે અને એ દિવસ પૂરો થતાં જ હતા ત્યાંના ત્યાં જ આવીને ઊભા રહી જઈએ છીએ.
કેટલાંક લોકોને આ વિચાર કટ્ટરવાદી કે અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય પર તરાપ લાગી શકે છે,પણ જેને આવું લાગતું હોય કે જેને એમ થતું હોય કે અમે સોશ્યલ મીડિયામાં અમારી દેશભક્તિ દેખાડીને અમારું કર્તવ્ય પૂરું કર્યું છે. એમણે ક્યારેય વિચાર્યું છે ખરું કે આ દેશને આઝાદી અપાવવા માટે કેટલા લોકોએ એમનો પરિવાર,પુત્ર,બેન,મા,દીકરી ખોયાં છે?
કેટલાય આ જાણીતા હીરોએ પોતાના જીવનની આહુતિ આપીને આજે આપણને અર્ધી રાતે ફરવાની આઝાદી આપી છે? ક્યારે વિચાર્યું છે ખરું? ‘હાઉસ ધ જોસ’ કરીને સેનાના જવાનોનો ઉત્સાહ વધારતા દંભી રાજકારણીઓને ક્યારેય પ્રશ્નો પૂછ્યા છે કે ભાઈ, તમારા રાજમાં તમે ગમે તે કર્યું, સર્જીકલ સ્ટ્રાઇક કરી કે બીજું જે કાંઈ કર્યું હોય, એ બધું બાજુએ, પણ આ દેશની સેવામાં દર વખતે પ્રાણની આહુતિ આપીને શહીદ થઇ જતાં પરિવારો અને શહીદોની શહીદી કયાં સુધી થતી રહેશે? શું તમે આ 26 મી જાન્યુઆરીએ એ ખાતરી આપી શકો છો કે બસ હવે દેશની રક્ષા કાજે સીમા પર કોઈ જવાનનું બલિદાન નહિ લેવાય?
આપણે સૈનિકો પર હુમલા અને એમની શહીદી વિષે અનેક વખત વાંચી ચૂક્યાં છીએ. છેલ્લે ચીનના ગલવાનમાં આપણા બહાદુર સૈનિકોએ દેશની રક્ષા કરતા પ્રાણની આહુતિ આપી દીધી, પણ ક્યારે આપણે એ પ્રશ્ન પૂછ્યો છે ખરો કે દેશભક્તિવાળી કે રાષ્ટ્રપ્રેમવાળી સરકાર આવી ત્યારથી કેટલા ગંભીર હુમલા આપણા સૈનિકો પર થયા છે એની પર નજર નાખી છે?
‘હાઉસ ધ જોશ’ જેની પરથી ફિલ્મ બની છે એ જ ઉરી માં 18 સપ્ટેમ્બર 2016 ના રોજ ભારતીય સેનાના બેસ કેમ્પ પર હુમલો થયો ને 19 જવાનો શહિદ થયા ત્યારે પણ કહેવાયું કે આ દેશ પર સૌથી મોટો હુમલો છે, એ પછી સરકારોએ શું કર્યું?
2 જાન્યુઆરી 2016 ના રોજ પંજાબના પઠાનકોટ એરબેઝ પર હુમલો થયો એમાં 7 સુરક્ષા જવાનોનાં મૃત્યુ થયાને 20 થી વધારે ઘાયલ થયા,ત્યારે આપણે શું કર્યું ? 27 જુલાઈ 2015 ના રોજ પંજાબના ગુરુદાસપુર પાસ દીનાપુર માં આંતકી એ સવારમાં જ એક બસ પર ફાયરિંગ કરીને પછી પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો.હુમલામાં એસ.પી. સમેત ચાર પોલીસવાળા શહીદ થયા ત્યારે આપણે શું કર્યું?
10 જુલાઈ 2017 ના રોજ અમરનાથ જતા શ્રદ્ધાળુ પર અનંતનાગ માં એક આંતકી હુમલો થયો જેમાં 7 લોકો મૃત્યુપામ્યા,ભારે શ્રદ્ધા અને ભક્તિના વાતાવરણ વચ્ચે આપણે શું કર્યું? 14 ફેબ્રુઆરીએ પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પર આતંકીઓ એ આઈ.ઈ.ડી.બ્લાસ્ટ કરીને સી.આર.પી.એફ પર હુમલો કર્યો ને કુલ 40 જવાનો શહીદ થયા.
ઉરી રાષ્ટ્રવાદી સરકારમાં ભારતનાં સુરક્ષાબળો પર આ સૌથી મોટો હુમલો હાલ માનવા માં આવે છે, એ પછી સરકારે શું કર્યું, એક સર્જીકલ સ્ટ્રાઇક કરી અને દેશને આશ્વાસન આપ્યું. શું એ પછી બધું શાંત થઇ ગયું? ના ,એ પછી ચીનમાં જુઓ આપણા જવાનો બોર્ડર પર શહીદ થયા જ ને? આ દરેક ઘટનાક્રમ વખતે આપણે શું કર્યું? સોશ્યલ મીડિયામાં માત્ર શ્રદ્ધાંજલિઓના દોર ચાલવી ને કે પછી બે ચાર દિવસ દેશભક્તિના કાર્યક્રમો કરીને શાંત થઇ ગયા, ત્યાં સુધી કે જ્યાં સુધી દેશમાં આવી બીજી કોઈ ઘટના ન ઘટે.
સવાલ અહીં આપણી દેશભક્તિનો છે,સવાલ અહીં આપણી દેશ પ્રત્યેની નિષ્ઠાનો છે,સવાલ અહીં આપણી દેશ પ્રત્યે દેશના સૈનિકો પ્રત્યે જવાબદારીનો છે.આપણે કેમ આજના આધુનિક યુગમાં માત્ર કેન્ડલ માર્ચ,કે શોકસભા,દેશભક્તિનાં ગીતો વગાડવાથી આગળ નથી વધતાં, કેમ આપણે આપણા લોકશાહી દેશમાં જેને આ દેશને સરખી રીતે ચલાવવાની જવાબદારી સોંપી છે,એ લોકતાંત્રિક સરકારને પ્રશ્નો કેમ નથી પૂછતાં? કેમ રાજકારણીઓને આપણે એવું નથી પૂછતાં કે તમારા દીકરા કે તમારા પરિવારમાંથી કોઈ સેનામાં છેલ્લે ક્યારે ગયું હતું? તમે છેલ્લે દેશની સેવા માટે ક્યારે સામી છાતીએ બંદૂકની ગોળીઓ ખાધી છે?
દર ચૂંટણીએ મત માંગવા આવતાં આ રાજકારણીઓને આપણે લાઈટ,રોડ અને જીવનસુખાકારી માટે જુદા જુદા પ્રશ્નો પૂછીએ છીએ, આપણા માટે શું કરશે એનો વાયદો લઈએ છીએ તો પછી દેશ માટે શહીદ થતા સૈનિકો વિષે કેમ પ્રશ્નો નથી પૂછતાં ? કેમ આપણા દ્વારે જયારે કોઈ રાજકારણી આવે ત્યારે સૌથી પહેલાં એવો સવાલ સામે કેમ નથી ધરી દેતા કે તમારી પાર્ટી આ દેશનાં સૈનિકો માટે શું કરશે? અને શું કર્યું એનો હિસાબકિતાબ આપો? સૌથી મહત્ત્વનો પ્રશ્ન કેમ નથી પૂછતો કે આ દેશના જવાનો આતંકી હુમલામાં શહીદ થતાં કયારે રોકાશે? એની કોઈ ચોક્કસ સમયમર્યાદા છે? ક્યાં સુધી આતંકી હુમલામાં શહીદ જવાનોના સમાચાર વાંચ્યા જ કરવાના?
ખેર,જેને આ વાત સમજાઈ હોય એ પોતાની જાતને પ્રશ્ન પૂછજો પછી રાજકારણીઓને પ્રશ્ન પૂછજો અને જાતતપાસ કરી જોજો કે તમારી દેશભક્તિ કેવી છે, નહિ તો સોશ્યલ મીડિયા છે જ ધોધ વહાવો,બીજું શું!