Top News

More Posts

   The Latest

Most Popular

લૈંગિક ભેદભાવને દૂર કરવા આખું વિશ્વ મથામણ કરે છે. વૈશ્વિક સ્તરે 68.5 ટકા જેટલો લિંગભેદ દૂર થયો છે, એવું તાજેતરમાં પ્રકાશિત થયેલો ગ્લોબલ જેંડર ગેપ રિપોર્ટ કહે છે. 2006 થી દર વર્ષે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આ ઇન્ડેક્સ પ્રકાશિત કરે છે, જેનો મુખ્ય હેતુ વિશ્વમાં પ્રવર્તતી લિંગ આધારિત અસમાનતાને માપવાનો અને દર વર્ષે એ સંબંધે થયેલી પ્રગતિ પર નજર રાખવાનો છે. આ નિરીક્ષણ માટે ચાર સૂચકાંક પસંદ થયા છે – 1. શિક્ષણ, 2. આરોગ્ય, 3. આર્થિક સમાનતા અને 4. રાજકીય ભાગીદારી. આ રિપોર્ટ મુજબ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સૌથી ઝડપી પ્રગતિ થઈ રહી છે – શિક્ષણમાં 95 ટકા અને આરોગ્યના મુદ્દે 96 ટકા સમાનતા સુધી દુનિયા પહોંચી છે. 

પણ, આર્થિક અને રાજકીય ભાગીદારીમાં સમાનતા લાવવાનો પ્રવાસ ઘણો ધીમો કપાઈ રહ્યો છે. હાલની પ્રગતિ જોતાં વૈશ્વિક સમાજને લિંગભેદરહિત બનવામાં હજુ પાંચ પેઢી જેટલો સમય લાગશે. એક અંદાજ પ્રમાણે લૈંગિક ભેદભાવને કારણે વિશ્વના અર્થતંત્રને  વર્ષે આશરે 12 ટ્રિલિયન ડોલરનું નુકસાન જાય છે. જો આર્થિક પ્રવૃત્તિમાં સમાન તક ઊભી થાય અને  સ્ત્રીઓની  ભાગીદારી વધે તો એની અસર બીજા બધા ક્ષેત્રમાં દેખાય. ભારતનું ચિત્ર પણ કાંઇક આવું જ છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે  95 – 96 ટકા જેટલો ભેદભાવ દૂર થઈ શકયો છે.

ભારતનો વૈશ્વિક ક્રમાંક ઘણો પાછળ છે કારણકે ઘણા દેશો આપણાં કરતાં વધુ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. પણ, ભારતનો આર્થિક સૂચકાંક ખાસ્સો નબળો છે, જે ચિંતાનો વિષય છે. ભારતમાં આર્થિક પ્રવૃત્તિમાં સ્ત્રીઓની ભાગીદારી ઘણી ઓછી છે. સામાન્ય માન્યતાથી વિપરીત ભણેલી સ્ત્રીઓ પણ વ્યવસાયમાં જોડાતી નથી. આ ઉપરાંત સ્ત્રી અને પુરુષને મળતા વેતનમાં પણ ભેદભાવ જોવા મળે છે. પુરુષને મળતા 100 રૂપિયાના વેતન સામે એ જ કામ માટે સ્ત્રીને સરેરાશ 52 રૂપિયા જ મળે છે!  ફિલ્મના સુપર સ્ટાર કલાકારો  અને કોર્પોરેટ સેક્ટરના ટોચના મેનેજરથી માંડીને ખેતરમાં કામ કરતી શ્રમજીવી બહેનો માટે વેતનમાં ભેદભાવ એમના જીવનની વાસ્તવિકતા છે.

વેતનમાં ભેદભાવ એ માત્ર ભારતનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળતું દૂષણ છે. આ માટે  આર્થિક અને સામાજિક પરિબળો વચ્ચેનો જટિલ સંબંધ સમજવો પડે. ક્લાઉડિયા ગોલ્ડિન નામના અમેરિકન અર્થશાસ્ત્રીનું કામ આ અંગે મહત્ત્વની સમજણ આપે છે. એમનું કામ મહિલાઓના શ્રમ બજારના યોગદાન અને એમને મળતા વેતનના તફાવત પર છે જે માટે તેમને 2023માં નોબલ પારિતોષિક મળ્યું. તેમણે યુ.એસ.ના 200 વર્ષના ઈતિહાસને તપાસ્યો અને શ્રમ બજારમાં થતાં લૈંગિક ભેદભાવના પ્રકાર, એની પાછળના કારણ અને એની રોજગાર અને વેતનના દર પર પડતી અસર સમજવાની કોશિશ કરી. એમનું એક રસપ્રદ અવલોકન 20મી સદીમાં થયેલા આધુનિકતાના પ્રસાર અંગે છે.

આ સદીમાં વિશ્વભરમાં આર્થિક વૃધ્ધિ ખૂબ ઝડપથી વધી, સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું તેમજ  શ્રમ બજારમાં પણ તેમની ભાગીદારી વધી. આમ છતાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના વેતનના ભેદભાવમાં કોઈ ખાસ સુધારો થયો નહીં. એનો મતલબ કે આર્થિક  વૃધ્ધિ અને લૈંગિક સમાનતાને સીધો સંબંધ નથી. સામાજિક માળખું અને માન્યતા બજારની પ્રવૃત્તિને કઈ રીતે અસર પહોંચાડે છે તે સમજવું પડે. ક્લાઉડિયા ગોલ્ડિન કેટલાક કામને ‘greedy jobs’ એટલે કે ‘લોભી’ ગણાવે છે. આ એવાં કામો છે, જેમાં નિર્ધારિત સમય કરતાં વધુ કલાકો કામ કરવાની અપેક્ષા હોય છે – સાદી ભાષામાં જેને ઓવર ટાઈમ કહીએ. વધારે કલાકો માટે વેતન વધારવાનો લોભ આપવામાં આવે. મોટા ભાગની ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં જેવું દેખાય છે કે નોકરીએ પહોંચવાનો સમય નક્કી પણ પાછા આવવાનો કોઈ ચોક્કસ સમય નહીં.

આવા કામને સ્વીકારતાં પહેલાં દરેક કર્મચારી નોકરી અને ઘરની જવાબદારી વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવી પડે. સ્ત્રીઓ ઘરની જવાબદારીમાંથી બચી શકતી નથી, કારણકે એ સમાજનો વણલખાયેલો નિયમ છે. પરિણામે મોટા ભાગની સ્ત્રીઓ ઓછું વેતન સ્વીકારી કામના કલાકો મર્યાદિત રાખશે. ખાસ કરીને બાળકના જન્મ પછી તે કારકિર્દીને મર્યાદિત કરે છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પોપ્યુલેશન સાયન્સીસ અને ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ સાયન્સીસ જેવી ખ્યાતનામ સંસ્થાઓએ તાજેતરમાં કરેલા એક અભ્યાસ પ્રમાણે ભારતમાં ઘરનાં કામોમાં સ્ત્રીઓ પુરુષો કરતાં સરેરાશ દસ ગણો સમય વધારે ફાળવે છે, જે માટે એમને કોઈ વેતન મળતું નથી. 

એનો મતલબ કે જ્યાં સુધી અવેતન થતાં ઘરકામની જવાબદારીઓના બોજમાં સ્ત્રી અને પુરુષની સમાન હિસ્સેદારી નહીં હોય ત્યાં સુધી ‘ગ્રીડી જોબ’ના બજારમાં  સ્ત્રી અને પુરુષ માટે એકસરખી તક ઊભી નહીં થાય, પરિણામે  વેતનમાં ભેદભાવ દેખાતો રહેશે. જે અસમાનતા ઘરની ચાર દીવાલની અંદર છે એની અસર શ્રમ બજારમાં પણ દેખાય છે. અવેતન કામમાં જે અસમાનતા છે એની અસર સવેતન કામના વેતનની અસમાનતા પર દેખાય છે. સામાજિક અને આર્થિક પરિબળો વચ્ચે પેચ ગંઠાએલી છે જેને ઉકેલવી સરળ નથી. શિક્ષણ આપી સ્ત્રીઓનુ સશક્તિકરણ કરવાથી પણ અસમાનતા સહેલાઈથી જતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top