Top News

More Posts

   The Latest

Most Popular

રામજન્મભૂમિ (Ram Janam Bhumi) મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ચૂકાદો આપવામાં આવ્યાં બાદ આગામી દિવસોમાં હવો કાશી અને મથુરાના મંદિરો (Kashi Mathura Mandir) માટે પણ કાનુની લડાઈ શરૂ થશે તેવા એંધાણ મળી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટમાં દેશના પૂજા સ્થળ (વિશેષ) કાયદો, 1991ની કાયદેસરતાને પડકારવામાં આવી છે અને તેને પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં આ કાયદાને ભેદભાવયુક્ત અને મૌલિક અધિકારીનું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે. જેથી આ કાયદાની કલમ-2,3 અને 4ને રદ્દ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. હિન્દુ સંગઠનો દ્વારા આ અરજી કરવામાં આવી છે. આ અરજી કરવા પાછળ કાશી અને મથુરામાં પણ મંદિરો સાથે જોડાયેલી મસ્જીદનો મામલા માટે કાયદાકીય લડાઈ શરૂ કરવાનો ઈરાદો રખાયો છે. ભાજપના નેતા અને વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

આ કાયદો એવો છે કે તેમાં થયેલી જોગવાઈ પ્રમાણે પૂજા સ્થળો અને તિર્થ સ્થળોની 15મી ઓગષ્ટ 1947માં જે સ્થિતિ હતી તે સ્થિતિમાં હાલમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. આ કાયદાની સામે થયેલી અરજીમાં એવી દાદ માંગવામાં આવી છે કે કેન્દ્ર સરકાર આવી રીતે કાયદો ઘડીને કોઈને પણ કોર્ટનો સહારો લેતા રોકી શકે નહીં. રામજન્મભૂમિ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા 2019માં પોતાનો ચૂકાદો આપવામાં આવ્યો જ છે. જેમાં હિન્દુઓને ન્યાય મળ્યો જ છે. જેથી આ કાયદાને દૂર કરવાની જરૂરીયાત છે અને જેને સુપ્રીમ કોર્ટમાં દાદ માંગવી છે તે દાદ માંગી શકે છે. આ કાયદામાં જે તે સમયે અયોધ્યા વિવાદને બાકાત રાખવામાં આવ્યો હતો પરંતુ તેના સિવાયને જેટલા પણ ધાર્મિક સ્થળોના કેસ છે તેની પર અદાલતી કાર્યવાહી પર પૂર્ણવિરામ મુકી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે આ અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે ત્યારે આ કાયદાની કાયદેસરતા ચકાસવામાં આવશે.

સામાન્ય રીતે જે સ્થળ સાથે બહુમતિ સમાજની લાગણી જોડાયેલી હોય તે સ્થળની માલિકી અંગેનો ફેંસલો ઝડપથી થવો જ જોઈએ. જો ભારતનો ઈતિહાસ જોવામાં આવે તો ભારત પર અનેક રાજાઓ દ્વારા ચડાઈ કરવામાં આવી. અનેક સ્થળોને નષ્ટ કરવામાં આવ્યાં. તે સમયે રાજાશાહીને કારણે લોકોના વિરોધને કોઈ સ્થાન જ નહોતું. હવે જ્યારે દેશમાં ન્યાયિક પ્રણાલી છે ત્યારે ન્યાયાલય દ્વારા એ નિર્ણય લવાવો જ જોઈએ કે વિવાદી જગ્યાની માલિકી કોની હતી. ધર્મ એ આસ્થાનો વિષય છે. તેમાં દલીલોને સ્થાન હોતું નથી. ધર્મ વ્યક્તિને જીવાડે છે. ધર્મ અંગેની માન્યતા વ્યક્તિને જીવન જીવતાં પણ શીખવાડે છે. જો ધર્મમાં દર્શાવાયેલી બાબતોને અનુસરવામાં આવે તો રાજકીય વ્યવસ્થા યોગ્ય થઈ શકે છે. આવી જ રીતે જે સ્થળો ધાર્મિક લાગણીના પ્રતિક સમાન છે તે સ્થળો માટે બહુધા સમાજની લાગણીઓને સ્થાન મળવું જ જોઈએ.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ નોટિસ સાથે જો આગામી દિવસોમાં કાયદો રદ્દ કરવામાં આવશે તો કાશી અને મથુરાના ધાર્મિક સ્થળોના મામલે પણ ન્યાયના દ્વાર ખુલી જશે. જો આમ થશે તો અયોધ્યાની જેમ જ કાશી અને મથુરાના ધાર્મિક સ્થળો અંગે પણ સુપ્રીમ કોર્ટએ નિર્ણય કરવો પડશે. જોકે કાશી અને મથુરાના ધાર્મિક સ્થળોનો મામલો અયોધ્યાથી અલગ છે. અયોધ્યામાં બાબરી મસ્જીદનો ધ્વંશ જ થઈ ગયો હતો. જેથી ત્યાં માલિકીનો નિર્ણય થતાંની સાથે જ નવા મંદિરના નિર્માણ માટેના રસ્તાઓ ખુલી જ ગયા હતાં. પરંતુ કાશી-મથુરામાં બંને ધર્મના સ્થાનો યથાવત છે. આ સંજોગોમાં માલિકીનો નિર્ણય થયાં પછી પણ એક ધર્મના સ્થાનને હટાવવાનો મુદ્દો વિવાદી બની શકે તેમ છે. જોકે, શું થશે તે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેની પર જ નિર્ભર રહેશે તે નક્કી છે.

To Top