Top News

More Posts

   The Latest

Most Popular

મેડિકલના સ્નાતક કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષા આ વખતે કેન્દ્ર સરકાર માટે ‘ગળાનું હાડકું’ બની ગઈ છે. નીટની પરીક્ષામાં બિહાર તેમજ ગુજરાતના ગોધરામાં પેપર લીક થયું અને પકડાઈ પણ ગયું, પરંતુ આ ઘટનાએ મોટો હોબાળો મચાવી દીધો છે. નીટની પરીક્ષામાં પેપરલીક થવા સામે સુપ્રીમ કોર્ટમાં અનેક રિટ પિટિશન થઈ છે અને હજુ સુધી તેનો નિવેડો આવ્યો નથી. નીટની પરીક્ષા ફરીથી લેવા માટે અનેક રજૂઆતો થઈ પરંતુ ના તો કેન્દ્ર સરકાર કે ના તો સુપ્રીમ કોર્ટે ફરીથી નીટ લેવા માટે હજુ સુધી હામી ભરી છે.

સુપ્રીમ કોર્ટે તો ઉલ્ટું નીટ બાદ પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવા માટે આદેશ કર્યો છે અને હવે નીટના પેપરલીકના મામલાએ રાજકીય રંગ લઈ લીધો છે. સંસદના બંને ગૃહમાં કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા નીટ મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવી અને હોબાળો થઈ જતાં બંને ગૃહ આગામી તા.1લી જુલાઈ સુધી મુલતવી રાખી દેવામાં આવ્યા છે. નીટના પેપર લીકના મુદ્દાએ હવે અતિગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. દરેક પક્ષ પોતાનો દાવ રમી રહ્યું છે અને તેમાં મરો વિદ્યાર્થીઓનો થઈ રહ્યો છે.

એક તરફ દેશમાં ડોકટરોની ખોટ છે. નીટની પરીક્ષા આપીને વિદ્યાર્થી એમબીબીએસમાં પ્રવેશ લે છે અને પછી ડોકટર બને છે. આ કારણે નીટની પરીક્ષા ચૂસ્ત રીતે લેવામાં આવે તે જરૂરી છે. જો નીટનું પેપર લીક થાય અને જે તે નબળો વિદ્યાર્થી વધુ માર્ક લાવીને મેડિકલમાં પ્રવેશ મેળવે તો તે ભવિષ્યમાં દર્દીઓ માટે જીવનું જોખમ બની રહે છે. ભૂતકાળમાં નીટની જેવી જ એઆઈપીએમટી પરીક્ષામાં પણ પેપરલીકની ઘટના બની હતી.

જોકે, તે સમયે તે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ઓછા હોવાથી એટલો મોટો હંગામો થયો નહોતો પરંતુ હવે આ મામલો દેશનો સૌથી મોટો વિવાદી મામલો બની ગયો છે. નીટની પરીક્ષાના જે પેપર લીક થયા તે ગુજરાત અને બિહારમાં થયા છે. આ બંને રાજ્યોમાં ભાજપ અને ભાજપ સમર્થિત સરકારો છે. આ કારણે નીટના પેપરલીકનો મામલો વિપક્ષો માટે ‘બગાસું ખાતા પતાસું આવી’ ગયા સમાન છે. વિપક્ષો નીટનો મુદ્દો ઉઠાવીને સરકારને ભીંસમાં લેવા માંગે છે અને નીટના મામલે સરકાર ભીંસમાં આવી પણ ગઈ છે.

અગાઉ નીટના જે જે વિદ્યાર્થીઓને સમય ઓછો પડ્યો તેવા 1563 વિદ્યાર્થીને એનટીએ દ્વારા ગ્રેસ માર્ક આપવામાં આવ્યા હતા. આ ગ્રેસ માર્ક આપવાનો એનટીએનો દાવ ઉંધો પડી ગયો. એનટીએએ તેમાં પીછેહઠ કરવી પડી હતી અને ગ્રેસ માર્ક પરત લઈને આવા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવી પડી હતી. જે રીતે ગ્રેસ માર્કના મામલે એનટીએને પછડાટ મળી તેને કારણે વિપક્ષો હવે નીટના મામલે ચડી બેઠા છે. નીટની પરીક્ષામાં શું થશે તે પ્રશ્ન હવે વિદ્યાર્થીઓને મુંઝવણમાં મુકી રહ્યો છે. સાથે સાથે આ પ્રશ્ન સરકાર માટે પણ મુંઝવણનો પ્રશ્ન બની ગયો છે.

એક તરફ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી સરકાર કોઈ નિર્ણય લઈ શકે તેમ નથી. બીજી તરફ વિપક્ષો દ્વારા સંસદમાં આ પ્રશ્ન મુદ્દે ચર્ચાની માંગણી કરીને સરકારને માટે વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. જો સંસદમાં ચર્ચાની માંગ સ્વીકારવામાં આવે તો સરકારના માથે માછલા ધોવાય. સરકાર નીટની પરીક્ષા ફરીથી લેવાનું કહીને પણ પોતાનો પીછો છોડાવી શકે તેમ નથી. આ સંજોગોમાં હવે સુપ્રીમ કોર્ટ દ્વારા નીટના મામલે શું નિર્ણય લેવામાં આવે છે તેની પર સૌની નજર છે. નીટના મામલે શાસકો કે વિપક્ષો અને સુપ્રીમ કોર્ટ, જે કરે તે પરંતુ નીટના મામલે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે તે નક્કી છે.

To Top