Top News

More Posts

   The Latest

Most Popular

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરળ અને પુડુચેરી….પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે. આ પાંચ રાજ્યોમાં ત્રણ મોટાં રાજ્યો બંગાળ , તામિલનાડુ અને કેરળમાં ભાજપની સત્તા નથી, સત્તાથી એ ઘણો દૂર છે. શું આ ચૂંટણી ભાજપ આ રાજ્યોમાં કોઈ ચમત્કાર કરી શકશે? પણ એમાં સૌથી મોટું વિઘ્ન નાખ્યું છે ઈરાન-અમેરિકા-ઇઝરાયલના યુધ્ધે. આ યુદ્ધ શરૂ તો થયું છે પણ પૂરું ક્યારે થશે એની કોઈ ખાતરી આપી શકે એવી સ્થિતિ નથી. ઈરાનને ખાસું નુકસાન થયું છે અને ધારણા વિરુદ્ધ હજુય એ લડી રહ્યું છે અને ઇઝરાયલ અને અમેરિકાના દાંત ખાટા કરી નાખ્યા છે અને વિના વાંકે યુએઈના દેશો આ યુદ્ધમાં ફસાયા છે. એમને અમેરિકાની દોસ્તી ભારે પડી છે અને આ બધાની સીધી અસર દેશનાં પાંચ રાજ્યોમાં થનારી ચૂંટણીમાં થાય એવી પૂરી શક્યતા છે અને કદાચ એનું નુકસાન ભાજપે ઉઠાવવું પડે.

અર્થકારણની દૃષ્ટિએ જોઈએ તો તેલ ગેસની તંગી થઇ, તેલના ભાવ વધ્યા છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ ૧૦૦ ડોલરથી વધુ થઇ ચૂક્યો છે અને આપણે જાણીએ છીએ કે, ભારત તેના વપરાશનું ૮૮ ટકા તેલ અને ૬૫ ટકા LPG આ ક્ષેત્રમાંથી આયાત કરે છે અને જો સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરે, તો મધ્યમ વર્ગ અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી શકે છે. જો ભાવ નિયંત્રણમાં રાખવા માટે એક્સાઈઝ ડ્યુટી ઘટાડાય, તો સરકારી તિજોરી પર બોજ વધશે જે વિકાસલક્ષી યોજનાઓના બજેટને અસર કરી શકે છે. જો કે, સરકાર ભાવવધારો કરે એવું લાગતું નથી. પણ યુદ્ધ લાંબુ ચાલ્યું અને ભાવ વધ્યા તો ભાજપને ચૂંટણીમાં નુકસાન થઇ શકે છે.

બીજો અને સૌથી સંવેદનશીલ મુદો છે, દાયોસ્પોરા અને રેમીટન્સનો. ઈરાને અખાતના દેશોમાં હુમલા કર્યા છે અને અખાતી દેશોમાં આશરે 1 કરોડ ભારતીયો વસે છે. જેમાં સૌથી વધુ હિસ્સો કેરળ (19.7%) અને તમિલનાડુ (10.4%) ના લોકોનો છે. ઘણાં લોકો યુદ્ધની સ્થિતિના કારણે સ્વદેશ પાછા પણ ફર્યાં છે. આ લોકોએ ભારત પરત ફરવું જ પડે, તો આ રાજ્યોમાં બેરોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં જ 52,000 થી વધુ ભારતીયો પરત ફર્યાં છે. આ “રિવર્સ માઈગ્રેશન” કેરળ અને તમિલનાડુની ચૂંટણીમાં સત્તાધારી પક્ષો માટે નકારાત્મક મુદ્દો બની શકે છે. ઉપરાંત આ રાજ્યોની અર્થવ્યવસ્થા વિદેશથી આવતા નાણાં પર નિર્ભર છે. તેમાં ઘટાડો આવતાં સ્થાનિક વેપાર અને વપરાશ પર માઠી અસર પડશે.

રાજકીય મુદા્ઓની વાત કરીએ તો કેન્દ્રની સત્તાધારી પાર્ટી આ વૈશ્વિક કટોકટીમાં ‘મજબૂત નેતૃત્વ’ અને ‘ભારતીયોનું સુરક્ષિત સ્થળાંતર’ (જેવા મુદ્દાઓ આગળ ધરી શકે છે. બીજી તરફ, વિપક્ષો તેને ‘આર્થિક ગેરવહીવટ’ અને “મોંઘવારી” તરીકે રજૂ કરશે. પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર ભારતના સંવેદનશીલ વિસ્તારોમાં મતદારોના ધ્રુવીકરણ પર પણ પડી શકે છે. ખાસ કરીને કેરળ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં આ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ ચર્ચાનો વિષય બનશે. આ યુદ્ધ માત્ર સીમાઓ પૂરતું મર્યાદિત નથી પણ ભારતના સામાન્ય નાગરિકના ખિસ્સા અને પાંચ રાજ્યોના મતની પેટી પર સીધી અસર કરશે. સરકાર માટે પડકાર એ રહેશે કે તે ચૂંટણી પહેલાં જનતાને આ આર્થિક આંચકાથી કેવી રીતે બચાવે છે. ભાજપ અને અન્ય પક્ષો સામે આવી સ્થિતિ પહેલી વાર આવી છે.

સોનમ વાંગચુકની મુક્તિ ….
લદાખને એના હક મળે એ માટે લડત ચલાવતા પર્યાવરણવાદી સોનમ વાંગચુકને કેન્દ્ર  સરકાર દ્વારા એનઆઈએ લગાવી અને છ માસ સુધી જેલમાં વિના વાંકે બંધ કરી દેવાયા અને હવે સરકારે જ એ આરોપ દૂર કરી દીધો છે અને સોનમ લગભગ છ માસ બાદ મુક્ત થયા છે. આ કેસનો ચુકાદો આવવો બાકી છે. પણ આ કેસના બે ત્રણ મુદાઓ સમજી લેવા જરૂરી છે. એક તો સોનમ સામેનો કેસ બહુ નબળો હતો એ પુરવાર થયું છે. સરકાર કડક કાયદો લગાવે અને પછી સરકાર જ એ હટાવે એનો મતલબ શું? કોર્ટમાં જે દલીલો થઇ એમાં સરકાર દ્વારા જે રજૂઆત થઇ એમાં કોઈ દમ નહોતો. બીજી બાજુ સોનમની પત્નીને શરૂઆતમાં મળવા ના દેવાયાં અને રાજસ્થાનની જેલમાં બંધ હોવાથી એમના માટે આવવું જવું મુશ્કેલ બની ગયું અને હા, સોનમને પુછાયું કે શું તમને કોઈ શરતી મુક્તિ અપાઈ છે? એમણે જવાબ આપેલો કે, પહેલેથી જ હું સ્પષ્ટ હતો કે, કોઈ શરત નહિ માનું. ભલે જેલમાં વધુ સમય રહેવું પડે. એનો મતલબ સ્પષ્ટ છે કે, આ કેસમાં કેન્દ્રની આબરુ જશે એવો અંદાજ આવી જતાં સોનમ સામેની કલમો હટાવાઈ.

બીજું કે, જે માગણી સોનમ અને લદાખની પ્રજા કરી રહી હતી એ જ વાત ભાજપના અગાઉના ચૂંટણી ઢંઢેરામાં સામેલ હતી. તો પાછળથી ભાજપ ફરી કેમ ગયો? અને કાશ્મીરથી લદાખને અલગ પડાયું ત્યારથી માગણી થઇ રહી હતી અને શાંત આંદોલન ચાલી રહ્યું હતું છતાં કેન્દ્ર સરકારે કોઈ ઉકેલ કેમ ના આણ્યો? સોનમની મુક્તિ પછી શું કેન્દ્ર આ મુદે્ કોઈ ઉકેલ લાવવા ઈચ્છે છે? એ પણ સ્પષ્ટ નથી. અને સૌથી મહત્ત્વનો મુદો્ એ છે કે, કેન્દ્ર સરકાર કોઈને પણ વિના વાંકે આ રીતે જેલમાં ધકેલી શકે એ સામે કોર્ટ કોઈ રોક લગાવશે કે કેમ? જેમ સુપ્રીમ કોર્ટે અવલોકન કરેલું કે, ધરપકડ એ અપવાદ બનવી જોઈએ. કોર્ટનો ચુકાદો બાકી છે, શું કોર્ટ આ મુદે્ કોઈ દિશાસૂચન સરકારને આપી શકે છે? અગાઉ એવું બન્યું છે અને ફરી એવું બને એ જરૂરી છે.

નીતીશ કેન્દ્રમાં મંત્રી બનશે?
બિહારમાં ત્યાર સુધી તો મોદી શાહનાં આયોજન મુજબ બધું ચાલી રહ્યું છે. પણ આગળ પણ એવું જ બને એવી શક્યતા વધી ગઈ છે. નીતીશકુમાર રાજ્યસભામાં ચૂંટાયા છે અને હવે કેન્દ્રના રાજકારણમાં સક્રિય થાય અને કેન્દ્રીય મંત્રી બની શકે છે. એવી પ્રબળ શક્યતા છે કે આગામી દિવસોમાં બિહારમાં ભાજપના નેતૃત્વવાળી નવી સરકાર બને અને નીતીશકુમાર દિલ્હીમાં મહત્ત્વની જવાબદારી સંભાળે. એવું બન્યું તો મોદી-શાહની સ્ક્રીપ્ટ એકદમ પરફેક્ટ રહી છે એમ ગણાશે. અને નીતીશ કેન્દ્ર સરકારમાં જોડાય તો નવાઈ ના થવી જોઈએ. કારણ કે, અગાઉ આવું બની ચૂક્યું છે. મધ્યપ્રદેશના લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા બાદ, ૨૦૨૪માં શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી બન્યા.

હરિયાણાના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ મનોહરલાલ ખટ્ટર હાલમાં કેન્દ્રમાં ઊર્જા અને શહેરી વિકાસ મંત્રી છે. અસમમાં ૨૦૨૧ની ચૂંટણી જીત્યા પછી પણ મુખ્યમંત્રી પદ હિમંત બિસ્વા સરમાને સોંપવામાં આવ્યું અને સોનોવાલ કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બન્યા. એસ.એમ. કૃષ્ણા કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા અને બાદમાં કેન્દ્રમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી હટીને તેઓ કેન્દ્રમાં સંરક્ષણ અને કૃષિ મંત્રી બન્યા હતા અને એ રસપ્રદ છે કે નીતીશકુમાર મુખ્યમંત્રી બન્યા તે પહેલાં ૨૦૦૦ના દાયકામાં વાજપેયી સરકારમાં રેલવે અને કૃષિ મંત્રી રહી ચૂક્યા છે. એટલે કે તેઓ ૨૦ વર્ષ બાદ ફરીથી તે જ ભૂમિકામાં પાછા ફરી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top